તમને કદાચ ખબર નહિ હોય, પરંતુ આપણી હિન્દી ફિલ્મોમાં ગાયનો લખનારા કવિઓ અને શાયરોએ બડા બડા વૈજ્ઞાનિકોને પણ ગોથાં ખવડાવી દે એવી શોધો કરેલી છે !
દાખલા તરીકે…
***
આગની શોધ
એક ગીતકારે એક એવી ક્રાંતિકારી શોધ કરી છે કે હવે આપણને માચિસ, દિવાસળી, ગેસ લાઈટર કે બીજી એવી કોઈ ચીજોની જરૂર જ નહિ પડે ! એમની સિક્રેટ ફોર્મ્યુલા એવી છે કે…
‘બીડી જલઈ લે,
જિગર સે પિયા….
જિગર માં પડી આગ હૈ !’
***
ગ્રહણની ફોર્મ્યુલા
ખગોળશાસ્ત્રીઓ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની આખી ભ્રમણકક્ષાઓની ગણત્રીઓ કરી કરીને થાકી ગયા હશે પણ ગ્રહણ શી રીતે થાય છે એની સીધી અને સટ ફોર્મ્યુલા શું છે, ખબર છે ?
‘તુને કાજલ લગાયા…
દિન મેં રાત હો ગઈ !’
***
વીજળીનું કારણ
હમણાં થોડા દિવસ પહેલાં કેવાં માવઠાં થઈ ગયાં ? ક્યાંક કરા પડી ગયા અને ક્યાંક વીજળી પડી !
બિચારા હવામાનશાસ્ત્રીઓ કીધે રાખે છે કે ફલાણું લો-પ્રેશર છે અને ફલાણી સિસ્ટમ છે… પણ બોલો, તમને સ્હેજે ય અંદાજ નહીં હોય કે વીજળી પડે છે શી રીતે ? લો સાંભળો…
‘આ કર કે મેરી કબ્ર પર
તૂને જો મુસ્કુરા દિયા,
બિજલી ચમક કે ગિર પડી
સારા આલમ જલા દિયા !’
***
ફેઈલ થયેલો પ્રયોગ
બિગ-બેન્ગ થિયરીને સાબિત કરવા માટે થોડાં વરસો પહેલાં વૈજ્ઞાનિકો ઉત્તર ધ્રુવના વિસ્તારમાં જઈને સેંકડો કિલોમીટર ઊંડે ઉતરીને ત્યાં કંઈ ગજબનો ધડાકો કરેલો !
કહે છે કે પહેલી વાર તો એ પ્રયોગ નિષ્ફળ ગયેલો. પછી બીજી વાર કોશિશ કરી ત્યારે કંઈક રિઝલ્ટ મળ્યું...
એ જ રીતે અહીં એક કવિ જે વૈજ્ઞાનિક પ્રયોગ કરવા ગયા એમાં થોડી ગડબડો થઈ ગઈ છે ! જુઓ એમની ‘પ્રયોગપોથી’માં શું લખ્યું છે…
‘સુરજ હુઆ મધ્ધમ !
ચાંદ જલને લગા !
આસમાં યે હાય,
ક્યું પિઘલને લગા ?’
બોલો, સારું થયું ને કે આપણે લોકો બચી ગયા?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment