‘ગુજ્જુભાઈ : મોસ્ટ વોન્ટેડ’ નામની ગુજરાતી ફિલ્મમાં એવું થાય છે કે કોઈ ગેરસમજને કારણે પાકિસ્તાનીએ એમ સમજી બેસે છે કે સિધ્ધાર્થ રાંદેરિયા પાકિસ્તાની જાસૂસ છે !
એ તો ઠીક છે, કે છેલ્લે બધું સમુસુતરું પાર પડે છે, પણ જરા વિચાર કરો કે ગુજ્જુભાઈની સિરીઝની નવી ફિલ્મમાં આપણા ગુજ્જુભાઈ ખરેખર ઇન્ટરનેશનલ જાસૂસ બની જાય તો ?
***
દ્રશ્ય : 1
ગુજ્જુભાઈ 1008 (આ એનો કોડ નંબર છે. એ કોઈ સાધુબાવા નથી બની ગયા) ન્યુયોર્કના એરપોર્ટ પર ધૂંવાપૂંવા થતા આંટા મારી રહ્યા છે. વિમાનમાંથી ઉતર્યા પછી ત્રણ ત્રણ કલાક થઈ ગયા છતાં ઇમિગ્રેશનવાળા એને એરપોર્ટમાંથી બહાર જવા જ નથી દેતા.
ગુજ્જુભાઈ કહે છે “અરે ભાઈ, વ્હાય યુ આર નોટ અંડરસ્ટેન્ડિંગ હેં ? આઈ એમ સ્ટેન્ડિંગ ફોર થ્રી કલ્લાક એન્ડ યુ આર સિટીંગ ફોર સિક્સ કલ્લાક. બટ નોટ પાસિંગ માય વિઝા… વ્હાય ? વ્હાય ? વ્હાય ?”
અમેરિકન ઓફિસર ઠંડકથી પૂછે છે “હુ આર યુ મિસ્ટર ગુજુભાઈ ?”
ગુજ્જુભઆઈ કહે છે “યાર તમે સમજતા કેમ નથી ? મારું આધારકાર્ડ જુઓ, રેશનકાર્ડ જુઓ, પાનકાર્ડ જુઓ… આઈ કાર્ડ જુઓ… યાર હું સિક્રેટ એજન્ટ છું ! સિક્રેટ ! સિક્રેટ !! સિક્રેટ એજન્ટ !!!”
અમેરિકન ઓફિસરને નવાઈ લાગે છે. “કમાલ છે ! તમે જાસૂસ છો છતાં ‘સિક્રેટ’ વાત આટલા મોટા અવાજે કરો છો ?”
ગુજ્જુભાઈ કહે છે “ધેટ ઈઝ ધ સિક્રેટ ઓફ ગુજરાતી પિપલ ! વિ ટોક લાઉડલી પણ વર્ક સાયલન્ટલી ! ધેટ ઈઝ વ્હાય વિ કમ ટુ અમેરિકા પુઅરલી બટ સિક્રેટલી સિક્રેટલી બિકમ વેરી રીચ !”
અમેરિકન ઓફિસર આ સાંભળીને ડોળા કાઢે છે. ગુજ્જુભાઈ કહે છે “નાવ, ડોન્ટ બ્રિન્ગઆઉટ આઈઝ ઇન ફ્રન્ટ ઓફ મિ… મારી સામે ડોળા ના કાઢ. મારા પેપર્સ જોઈ લે અને મને જલદી જવા દે.”
ઓફિસર કહે છે “માય ડિયર ફ્રેન્ડ, તમારાં પેપર્સ જોયાં છે એટલે જ તમને અહીં અટકાવ્યા છે.”
“વ્હાય ? વ્હાય ? પેપર્સમાં વાંધો શું છે ?”
“એક જ વાંધો છે… તમારી સરનેઈમ ‘પટેલ ’ છે !”
***
દ્રશ્ય : 2
ગુજ્જુભાઈ ૧૦૦૮ આ વખતે પેરિસના એરપોર્ટ પર છે. રાતના બે વાગી ગયા છે. તે ભૂરા કોટવાળા એક ઓફિસરને કંઈક સમજાવવાની કોશિશ કરી રહ્યાં છે.
“વી?” ચશ્મા ઉતારીને ઓફિસર ફ્રેન્ચ ભાષામાં પૂછે છે. ગુજ્જુભાઈ કહે છે “વી નહિ… બકા, આઈ હેવ પ્રોબ્લેમ !”
“નો નો… કોન્વર્સે લા ફ્રેન્ચ…”
ગુજ્જુભાઈ પોતાના માથાના 1008 વાળ ખેંચતાં કહે છે “અલ્યા, અંગ્રેજી આવડે છે છતાં કેમ મારો બેટો ફ્રેન્ચનું પૂછડું ઝાલીને બેઠો છે ? રાક્ષસ છે સાલો !”
“રાક્શાસ ?” પેલો ભડકે છે “કિસ કો રાક્શાસ બોલા ?” ગુજ્જુભાઈ બબડે છે : “આલેલે ! હાળાને હિન્દી આવડે છે, છતાં મીંઢો ક્યારનો બોલતો કેમ નથી?”
“મીઈઈન્ઢા ? વો ખ્યા હાય ?”
“એ જે હોય એ... મારા બાપલ્યા, તુમ વો છોડોને ? મેરા પ્રોબ્લેમ હાંભળો… મેરા તીન બેગ થા, એક મેં મેરા સબ કપડા થા. જબ્બા, પાયજામા, ચડ્ડી, બનિયાન, પેન્ટ, બુસકોટ વગેરે… દૂસરી બેગ મેં મેરા જાસૂસી કા સામાન થા. બિલોરી કાચ, દૂરબીન, ટેપ-રેકોર્ડર, પિસ્તોલ, ગોળી વગેરે… અને તીસરી બેગ મેં મેરે નાસ્તે કા સામાન થા. ભાખરવડી, ચેવડા, ગાંઠીયા, પાપડી, ખાખરા, થેપલા, છૂંદા, અથાણા… વગેરે. અબી મૈં એક નીરવ મોદી નામ કે કોભાંડી કા પીછા કરતે કરતે ઈધર તક આયા, મગર મેરા તીનો બેગ ખો ગયા.”
“ખો ગાયા ? ટો મૈં ખ્યા કારું ?”
“ઓ ભૂરિયાઆઆઆ..” ગુજ્જુભાઈ 1008 બે હાથ જોડીને કહે છે “તુમેરી ફ્લાઈટ મેં મેરા બેગેજ ખોવા ગયા હૈ… અબી જરા તુમ ઢૂંઢ કે બતલાવો ને, કે કિધર ગયા હૈ ? નહિતર મેરા ટુવાલ કે બગેર નહાને ધોને કા વાંધા હો જાવેગા.”
“મગર મૈં ક્યું ઢૂન્ઢૂ ?” ધોળિયો શાંતિથી એની ટાલ પર હથેળી ફેરવતાં પૂછે છે.
ગુજ્જુભાઈ પોતાના 1008 વાળ ખેંચતા સામું પૂછે છે “આલેલે! કેમ ના ઢૂંઢે ?”
જવાબમાં ફ્રાન્સનો ધોળિયો સ્માઈલ આપીને કહે છે “ક્યૂં કી… જાસૂસ ટો ટુમ હાય ! ટુમ જાસૂસી કર કે ઢૂન્ઢ લો ના…”
આમાં ને આમાં જાસૂસ ગુજ્જુભાઈ પોતાના ગાંઠીયા પાપડી અને ખાખરા થેપલા શોધતા રહી ગયા અને નીરવ મોદી ભાગી ગયો.... લો બોલો!
Maja aavi😂😂😂
ReplyDelete