ગામડાંવાળાને તો પાણી બચાવ્યા સિવાય છૂટકો જ નથી પણ જ્યાં પાણી છૂટથી મળે છે એવા શહેરી લોકો બિચારા પાણી શી રીતે બચાવી શકે ?
થોડાં ‘શીર્ષાસનો’ કર્યા પછી અમને ‘સીધા’ આઈડિયાઝ સુઝ્યા છે…
***
સ્વિમિંગ પૂલમાં
છલોછલ પાણીથી ભરેલા તમારી ક્લબના કે તમારા બંગલાના સ્વિમિંગ પૂલમાંથી જ્યારે તમે બહાર નીકળો ત્યારે તમારાં ભીનાં વસ્ત્રોને સ્વિમિંગ પૂલના પાણીમાં જ નીચોવો !
- ટીપે ટીપું કિંમતી છે…
***
બાથરૂમ શાવરમાં…
બાથરૂમમાં મસ્ત હોટ એન્ડ કોલ્ડ પાણી મિક્સ કરી શકાય તેવા શાવરનાં કમ સે કમ છ કાણાં ચૂઈંગ-ગમ વડે પુરી દો !
- કરકસર એ જ ઉપાય…
***
બંગલા / હોટલના બાથટબમાં…
બાથરૂમમાં વૉશ-બેઝિન ભલે ને હોય ? આપણે મોં ધોવા માટે 'બાથટબમાં' ભરેલું પાણી ના વાપરી શકાય ?
એક સારો વિચાર ચાર ખોબા પાણી બચાવી શકે છે.
***
મેરેજ રિસેપ્શનોમાં…
ડેકોરેશન માટે મુકેલાં આઈસ-સ્ટેચ્યુઓ જ્યારે પીગળી જાય એ પછી એ પાણીનું 'દાન' કરો…
- જળ દાન એ જ મહાદાન !
***
રેઈન ડાન્સ પાર્ટીમાં…
ક્લબોમાં કે ફાર્મ હાઉસોમાં જ્યારે જ્યારે રેઈન-ડાન્સ પાર્ટીઓ રાખો ત્યારે વચ્ચે એક ‘દુકાળ-બ્રેક’ જરૂર રાખો ! એ બ્રેક દરમ્યાન એક ટીપું યે પાણી ‘ડાન્સ કરવા માટે’ નહિ મળે…
- બીજાની પીડા સમજો, ટીપે ટીપું બચાવો.
***
બંગલાઓની લોનમાં…
માત્ર બંગલાઓમાં જ શા માટે ? મોટી ક્લબો તથા સ્ટેડિયમોની લોનમાં પાઈપ વડે ધધૂડાભેર પાણી છાંટવાને બદલે ‘ડ્રીપ ઈરીગેશન’ પધ્ધતિ અપનાવો.
- આ તો આપણા મિનિસ્ટરે પણ કહ્યું છે.
***
ઘરમાં, ઓફિસોમાં..
બંગલાના બેડરૂમો તથા ડ્રોઈંગરૂમોમાં અને ઓફીસોના કોન્ફરન્સ રૂમો તથા કેબિનોમાં એસી ‘ફૂલ’ રાખો ! જેથી શરીરમાંથી પરસેવાના સ્વરૂપે વહી જતું પાણી અટકી જાય !
- બૂંદ બૂંદ કિમતી હૈ, ભાઈ…
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment