વર્લ્ડ કન્ઝ્યુમર ડે યાને કે ‘ગ્રાહક દિવસ’ તો વરસમાં એક જ વાર આવે છે. જોકે આપણે ગુજરાતીઓ ખરીદીમાં બહુ પાકા હોઈએ છીએ, છતાં પક્કા ગ્રાહક બનવું હોય તો આટલી ચોક્કસાઈ ખાસ રાખજો…
***
બીજો કલર માગો
ભીંડા, પરવળ, તૂરિયાં, દૂધી વગેરે ખરીદતી વખતે જરૂર પૂછો “આમાં બીજો કલર નથી?”
***
ટામેટાં લેતી વખતે ખાસ પૂછો “બસ, આ એક જ કલર હોય છે ? બજારમાં બીજો કલર મળતો જ નથી ?
***
દૂધવાળાને ખખડાવો “રોજ સેઈમ જ કલરનું દૂધ આવે છે ! કેમ, બીજો કોઈ કલર નથી તમારી ભેંસ પાસે ?”
***
ભાવતાલ કરો
ટ્રેન કે એસટીની ટિકીટ લેતી વખતે ભાવતાલ જરૂર કરો. “કંઈ ઓછું નહિ થાય ? અમે સાત જણા છીએ.. છેક મુંબઈ જવાનું છે… પાછા પણ આવવાનું છે… થોડું તો ઓછું કરી આપો ?”
***
અલગ ડિઝાઈન માગો
રેલ્વે, એસટી કે BRTSની ટિકીટ લેતી વખતે જરૂર પૂછો “આમાં બસ એક જ ડિઝાઈન છે ? બીજી ડિઝાઈન તો બતાડો ?”
***
બીજી સાઈઝ માગો
ટિકીટોમાં ડિઝાઈનના ના મળે તો છેલ્લે કહો, “ચાલો, સાઈઝમાં તો થોડી મોટી આપો ? 10 રૂપિયા અને 100 રૂપિયાની ટિકીટમાં કોઈ ફેર જ નહિ?”
***
સગવડ માગો
‘ટોઈલેટ’ ફિલમની ટિકીટ લીધી હોય તો અંદર જતાં પહેલાં પૂછી જ લેવાનું “આમાં સીટની જોડે ફ્લશ તો હશે ને?”
***
થિયેટરવાળો સરખો જવાબ ના આપે તો ફોડ પાડીને પૂછી જ લેવાનું “ના ના, એટલે પાણી અમારે અમારું વાપરવાનું કે તમે આપો છો?”
***
ગેરંટી માંગો
ટામેટાં ખરીદો કે તડબૂચ, દુકાનવાળા પાસે ગેરંટી માગો “આનો કલર તો નહીં જાય ને?”
***
બરફનો ગોળો ખરીદીને પૈસા આપતાં પહેલાં પૂછી લો “ઘેર લઈ ગયા પછી ઓગળી તો નહિં જાય ને ?”
***
બાકી રાખો
પૈસા બાકી રાખવાની વાત નથી. ફીક્સ –ભાણું મંગાવીને કહો “આમાં બે રોટલી અને એક શાક બાકી રાખો ને, કાલે આવીને ખાઈ જઈશ !”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment