ફેસબુક નામની આ ચોપડી...

હજીયે આ દેશના કરોડો વડીલો ‘ફેસબુક વિહોણા’ છે. એમાંથી મોટાભાગના વડીલો ‘છાપાં’ વાંચે છે. (અરેરે) આવા વડીલોને કંઈક માહિતી મળે એ માટે અમે આ લેખ નથી લખી રહ્યા પણ આ તો ‘બે ઘડી ગમ્મત’ પડે એવાં ‘સ્વ-રચિત સુવાક્યો’ અહીં ‘ટાંકી’ રહ્યા છીએ. (જુવાનિયાઓ ફેસબુકની ભાષામાં એને ‘કોમેન્ટ’ કહે છે) લો વાંચો..

***

‘ફેસુબક’ એક એવી બુક છે જેનાં કોઈ છપાયેલાં પાનાં નથી. પાનાંનું બાઈન્ડિંગ થતું નથી, એમાં કોઈ શાહી વપરાતી નથી, છાપખાનાનું પણ કંઈ કામ નથી છતાં આ ‘બુક’ના 2 અબજથી વધારે વાચકો છે !

***

આ ‘બુક’ના 2 અબજથી વધારે ‘વાચકો’ છે, તો એટલા જ એના ‘લેખકો’ પણ છે.

***

છતાં મોટા ભાગના વાચકો મોટે ભાગે પોતે જ લખેલું વારંવાર વાંચતા હોય છે !

***

આજકાલના સિનિયર સાહિત્યકારોની જેમ આ બુકના વાચકો પણ પોતાના ઓળખીતા – પાળખીતા અને ફ્રેન્ડ્ઝ કે સગાં-વ્હાલાંનું જ વાંચે છે !

***

અને આજકાલના સિનિયર સાહિત્યકારોની જેમ જ, તમારે જો એમને તમારું કંઈ લાંબુ-ચોડું લખાણ વાંચવા મોકલવું હોય તો એકાદ ‘લિન્ક’ની જરૂર પડે છે !

***

આ બુકની સારામાં સારી વાત એ છે કે વાંચનારાઓ કાં તો તેને ‘લાઈક’ કરે છે અથવા નથી કરતા… પણ તેનું ‘વિવેચન’ તો ક્યારેય નથી કરતા !

***

જોકે એમાં ‘કોમેન્ટ’ કરી શકાય છે. મઝાની વાત એ છે કે ‘કોમેન્ટ’ ઉપર પણ ‘કોમેન્ટો’ થવા માંડે છે. (બોલો, વિવેચનનું જ વિવેચન થાય એવું પહેલાં થતું હતું કદી ?)

***

પણ આ ગજબની બુક છે… જે હજી લખાઈ રહી છે અને પુરી જ નથી થતી !

***

આ ‘ફેસબુક’ એવી ‘બુક’ છે કે જે આમ જુઓ તો ઓલમોસ્ટ ફ્રી છે છતાં એની ‘બુક વેલ્યુ' લાખો ડોલરની છે !

***

આ બુકને ‘બુક-કવર’ નહિ પણ ‘દિવાલ’ (વૉલ) હોય છે. અમુક લોકો ‘બુક’માં લખવાને બદલે ‘વૉલ’ પર જ લખવાનું પસંદ કરે છે.

***

અહીં રોજની કરોડો પોસ્ટ ‘પોસ્ટ’ કરવામાં આવે છે છતાં દુનિયાની કોઈપણ ‘પોસ્ટ-ઓફિસ’ સાથે તેનો કોઈ સંબંધ નથી.

***

લાંબી લાંબી પોસ્ટ લખનારાઓએ પોતાની પોસ્ટનું ‘પોસ્ટ-મોર્ટમ’ થાય તેની તૈયારી રાખવી પડે છે.

***

આ ચોપડીમાં તમે તમારા ફોટો પણ પોસ્ટ કરી શકો છો. તમે જેને આ ફોટા પોસ્ટ કર્યા હોય એ લોકો તમને પૂછ્યા વિના એ ફોટા બીજાઓને પણ પોસ્ટ કરી શકે છે છતાં તમને કોઈ ‘પોસ્ટલ ચાર્જ’ લાગતો નથી.

***

આમ તો આ બુકને ‘સોશિયલ નેટવર્ક’ કહે છે પરંતુ જાણકારો જણાવે છે કે આ બુકમાં વધારે પડતા ખૂંપેલા રહેનારાઓનાં ‘સોશિયલ સંબંધો’ કપાઈ જાય છે !

***

વળી,, અહીં તમારા ફ્રેન્ડને પણ ‘ફ્રેન્ડ’ થવું હોય તો ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ મોકલવી પડે છે !

***

એ તો ઠીક, ભલભલા ફ્રેન્ડને ફ્રેન્ડશીપ લિસ્ટમાંથી કાઢી મુકવો હોય તો ‘સોરી’ કહેવાની યે જરૂર નથી. બસ, એને ‘ડિલીટ’ કરી દેવાનો !

***

જોકે સારી વાત એ છે કે ફ્રેન્ડશીપ લિસ્ટની જેમ દુશ્મનોનું લિસ્ટ નથી હોતું !
એટલું જ નહિં, તમારા દુશ્મનોના દુશ્મનો કંઈ ઓટોમેટિક રીતે તમારા દોસ્ત નથી બની જતા ! એમણે પણ ‘રિક્વેસ્ટ’ તો મોકલવી જ પડે !

***

આમ કહેવાય આખું ‘સોશિયલ’ નેટવર્ક, પણ તમારા ડેડી, મમ્મી, દાદા, દાદી, સસરા, સાળા, બનેવી… બધા ‘ફ્રેન્ડઝ’ જ કહેવાય ! અને હા, તમે તમારા સસરાને ‘ફ્રેન્ડ’ બનાવો એટલે કંઈ એમને તૂંકારે ના બોલાવી શકો. સમજ્યા ?

***

અરે, મેઈન વાત તો ભૂલી જ ગયા. આ બુકમાં લખવા-વાંચવા માટે તમારે ‘એકાઉન્ટ’ ખોલાવવો પડે છે. પણ એમાં ‘મિનિમમ બેલેન્સ’ની કોઈ શરત નથી ! એથી ઊલટું, તમારો એકાઉન્ટ ગમે એટલો છલોછલ રહેતો હોય, છતાં તમને એનું કશું ‘વ્યાજ’ મળતું નથી.

***

‘એકાઉન્ટ’ ખોલતાની સાથે તમારું એક ‘સ્ટેટસ’ બની જાય છે. પણ કેવું ? સિંગલ, મેરીડ, ઈન-રિલેશનશીપ… એવું જ ! તમે કોઈ ફલાણા ઢીકણા જ્ઞાતિમંડળના ભૂતપૂર્વ ખજાનચી છો એવું લખવાથી તમારું ‘સ્ટેટસ’ નથી બનતું !

***

આમ જોવા જાવ તો આ એક ‘ખુલ્લી કિતાબ’ છે છતાં અહીં ‘પ્રાયવસી સેટિંગ’ કરી શકાય છે. જેમ બોસનું સેક્રેટરી સાથે પ્રાયવેટમાં ‘સેટિંગ’ હોય છે એ જ રીતે તમે તમારું 'સોશિયલ' છતાં 'પ્રાયવેટ' સેટિંગ ગોઠવી શકો છો.

***

મજેદાર વાત એ છે કે તમે તમારી નકલી ઓળખ પણ ઊભી કરી શકો છો. હવે તમે પૂછશો કે મન્નુભાઈ, શું તમે ફેસબુકમાં નથી ? તો જવાબ એ છે કે મિત્રો, નકલી ઓળખવાળા બે ચાર મન્નુ શેખચલ્લી ઓલરેડી ફેસબુક પર છે જ !

***

- મન્નુ શેખચલ્લી

Comments