શેખચલીની હેલ્થ-ટિપ્સ

ભગવાને આપણા શરીરોનાં જેટલાં મોડલ બહાર પાડ્યાં છે એમાં કોઈ વધારો થતો નથી. તેથી શરીરને લગતી સમસ્યાઓ પણ એ જ હોય છે અને તેના ઉપાયો પણ એ જ હોય છે.

પરંતુ અમે થોડા નવા ઉપાયો શોધી કાઢ્યા છે. પ્લીઝ, અજમાવી જોજો…

સમસ્યા
હમણાં હમણાંથી મારા પેટમાં ગેસ બહુ થાય છે, શું કરૂં ?
ઉપાય - ૧
વજનદાર બૂટ પહેરવાનું રાખો ! નહીંતર ઊડી જશો !
ઉપાય – ૨
ગેસની એજન્સી લઈ લો ને ! ‘ભેળસેળ’ કરવા માટે તમારો અંગત સ્ટોક કામ લાગશે.
ઉપાય – ૩
ગુજરાત ટુરિઝમનો પ્રચાર કરો…. ‘ખુશ્બુ ગુજરાત કી’ ફેલાવો.

 સમસ્યા
ઘણા સમયથી મારા પેટમાં બિલાડાં બહુ બોલે છે. તમારી પાસે કોઈ ઉપાય છે ?
ઉપાય – ૧
બિલાડાંને બોલવા દો. લોકશાહીમાં સૌને બોલવાનો અધિકાર છે.
ઉપાય – ૨
મોં વડે ઉંદર જેવા અવાજો કાઢો. કદાચ બિલાડાં બહાર આવી જાય.
ઉપાય – ૩
મોં વડે કૂતરાં જેવા અવાજો કાઢી જુઓ. કદાચ બિલાડાં ડરીને ચૂપ થઈ જાય.

સમસ્યા
મને આખો દિવસ ખૂબ બગાસાં આવે છે. કોઈ ઈલાજ ?
ઉપાય – ૧
ખવાય એટલા ખાઓ, બગાસાંથી વજન વધતું નથી. પણ હા, સાથે હરડે કે ચૂરણની ફાકી લેતા રહો. જેથી અપચો ના થાય.
ઉપાય – ૨
જ્યારે જ્યારે પત્ની બોલવાનું શરૂ કરે ત્યારે જ તેની સામે બગાસાં ખાવાનું ચાલું કરો. બસ, પછી તો તમારી પત્ની જ તમારાં બગાસાં બંધ કરાવી દેશે. ગુડ લક.

સમસ્યા
મન્નુભાઈ, મારો પ્રોબ્લેમ સાવ અલગ છે. હું તાજી જ બનેલી ઘટના ભૂલી જાઉં છું ! કોઈ ઉપાય ?
ઉપાય – ૧
સિમ્પલ છે ડિયર, ‘ફ્લેશ-બેક’માં જીવો.
ઉપાય – ૨
એક મિનિટ, હમણાં તમે શું પૂછ્યું ?
ઉપાય – ૩
અરે સોરી, મેં તમને હમણાં શું જવાબ આપ્યો ?

મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment