ચાલો, દિવાળી પતી ગઈ, આજે લાભપાંચમથી લોકો કામે પણ લાગી જવાના પરંતુ હજી થોડા ‘એક્સ્ટેન્ડેડ’ તહેવારોની જરૂર છે ! લખી લો…
***
ખિચડી છઠ :
શ્યુગરથી ભરપૂર મીઠાઈઓ, તેલમાં તળેલાં ફરસાણો અને વેકેશનમાં ગયેલા ત્યાંની રેસ્ટોરન્ટોનું ખાઈ-ખાઈને જે પેટ બગાડ્યું છે તેને આરામ આપવાનો આ સોનેરી અવસર છે! ઉજવો ખિચડી છઠ…
***
મીઠાઈ સાતમ :
ગીફ્ટમાં આવેલાં પેલાં અડધો ડઝન મીઠાઈનાં બોક્સ ક્યાં સુધી સાચવી રાખવાનાં છે ? સાતમનો શુભ દિવસ જોઈને એ મીઠાઈ કામવાળીને આપી દો… આશીર્વાદ મળશે, ને પૂણ્ય લાગશે !
***
નાસ્તા નોમ :
તીખાં, તેળેલાં અને કરકરાં ફરસાણના નાસ્તાઓ પણ હવે ભૂક્કો થઈ જવાની તૈયારીમાં છે ! હજી મોડું કરશો તો સ્વાદમાં પણ બધું ‘ખોરું’ થઈ જશે ! એના કરતાં એનું પેટમાં ‘વિસર્જન’ કરો અથવા કામવાળીને ‘દાન’ કરો, બે’ન બા !
***
ઓફિસ આઠમ :
લાભપાંચમના દિવસે તો રવિવાર ગયો. સોમવારે આળસ મરડી… મંગળવારે મૂડ નહોતો… પણ હવે બુધવારે, આઠમનું મૂરત જોઈને ઓફિસમાં મન પરોવો ભૈશાબ ! કેમકે મોંઘવારી બારેમાસ વધે છે અને પગાર પાંચ વરસે ય વધતો નથી…
***
જલન ચૌદશ :
સોશિયલ મિડીયામાં બીજા લોકોના હસતા, ફરતા અને મોજ કરતા ફોટા જોઈને જલન થાય છે ને ? તો જે રીતે કાળીચૌદશની રાતે તમે ઘરમાંથી કકળાટ કાઢ્યો હતો એ જ રીતે આ ચૌદશે એ તમામ જલન કરાવતી પોસ્ટો ડિલીટ કરો ! સાચુ કહું છું… ટ્રાય કરી જોજો, બહુ સારું લાગશે !
***
પોલિટીક્સ પૂનમ :
હજી વધારે સારું લાગે તેવું કરવું છે ? તો બોસ, આ પૂનમે સંકલ્પ કરો, કે માત્ર છાપામાં આવે છે એટલું જ પોલિટિક્સ વાંચવાનું ! તમારા મોબાઈલમાં તમે જ કકળાટિયા, પંચાતિયા, ઇન્ટેલેક્ચુલિયા, સેક્યુલિયા… કે ઈવન ભક્તોની જે પોસ્ટો વાંચીને જીવ બાળ્યા કરો છો ને, એ દિમાગી ‘એસિડીટી’ આરામ મળી જશે ! હંમેશ માટે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment