સાંઠે લાધેલું અસલી જ્ઞાન !

જો તમે સાંઠ વરસના થઈ ચૂક્યા છો અથવા થોડા વરસોમાં થવાના છો તો અમને લાધેલું આ જ્ઞાન તમારે પણ મનમાં ઉતારી લેવા જેવું છે…

*** 

જ્ઞાન નંબર (૧)
જો એર કંડીશન્ડ એપાર્ટમેન્ટમાં રહીને તથા એસી કારમાં ફરતાં વારંવાર મીઠાઈ, ફાસ્ટફૂડ, ચા, કોફી, દારૂ, બિયર વગેરે ખાતાંપીતાં પહેલાં ડર લાગ્યો હોય કે ‘ભૈશાબ, આનાથી તો શ્યુગર, પ્રેશર વગેરે વધી ગયું તો ?’

- તો સાહેબ, તમે માત્ર પૈસા જ કમાયા છો, તંદુરસ્તી નહીં !

*** 

જ્ઞાન નંબર (૨)
જો બેન્કમાં અને એફડીમાં લાખો રૂપિયા પડ્યા હોવા છતાં તમે કામવાળીના પગારમાંથી ૧૦૦-૨૦૦ રૂપિયા કાપી લેતા હો…

- તો તમે અમીર નહીં, ‘ગરીબ’ રહી ગયા છો !

*** 

જ્ઞાન નંબર (૩)
જો તમે વર્લ્ડ-વૉર, ટેરિફ વૉર,  પર્યાવરણ, ભ્રષ્ટાચાર, જેન-ઝિ વગેરે જેવા ‘ગ્લોબલ’ વિચારો જ કર્યા કરતા હો… અરે, મોદીએ શું વિચારવું જોઈએ અને ટ્રમ્પે શેનો વિચાર કરવો જોઈએ તેના જ વિચારો કર્યા કરતા હો…

- તો તમે પોતે જ તમારી જાતને દુઃખી કરી રહ્યા છો !

*** 

જ્ઞાન નંબર (૪)
કોંગ્રેસ-ભાજપ, સેક્યુલર-કોમી, હિન્દુ-મુસ્લિમ, મોદી-રાહુલ, કોમ્યુનિસ્ટ-નેશનાલિસ્ટ… આવા મુદ્દે જો તમારા વીસ-ત્રીસ વરસ જુના દોસ્તો સાથે ‘ઝગડા’ થઈ જતા હોય...

- તો પહેલાં ‘દોસ્તી’ બચાવો ! કેમકે આ ઉંમરે નવા દોસ્ત મળવાના નથી ! લખી રાખજો બોસ.

*** 

જ્ઞાન નંબર (૫)
જો અમુક લોકો તમારી પીઠ પાછળ તમારી ટીકા કરતા હોય અને અમુક લોકો જો તમારા મોં ઉપર તમારું અપમાન કરવા તત્પર હોય…

- તો અભિનંદન ! કેમકે તમારી ‘સફળતા’ની ઇર્ષ્યા થઈ રહી છે ! લગે રહો ! મસ્ત રહો…

***

- મન્નુ શેખચલ્લી

Comments