રણઝણસિંહનું ફૂફાજી પોલિટિક્સ !

‘આ યુપીઆઈ પેમેન્ટમાં જે પૈસા કપાશે એનો કકળાટ હજી શમતો નથી.’

અમે રણઝણસિંહ આગળ અમારો બળાપો ઠાલવ્યો કે તરત જ એ ખડખડ હસીને બોલ્યા :

‘આ હંધાય નારાજ ફૂફાના નખરાં છે !’

‘હવે આમાં નારાજ ફૂફા ક્યાં આવ્યા ?’

‘યાદ કર મન્નુડા, જ્યારે ૨૦૨૦માં મોદી સરકારે યુપીઆઈ પેમેન્ટ શિશ્ટમ લોંચ કઈરી ’તી ઇ ટાણે ફૂફાશ્રી ચિદમ્બરમ્‌જી કકળાટ કરતા ’તા કે આ તો અઘરી ટેકનોલોજી છે. ગરીબ અભણ ફેરિયાને કેમ કરીને હમજાશે ?’

‘હા યાદ છે, બરોબર યાદ છે.’

‘પણ જોતજોતામાં પાણીપુરીનો ખૂમચો લઈને ઊભેલો ફેરિયો પણ ઓલ્યું કાબર-ચીતરું કાર્ડ રાખતો થઈ ગ્યો ! ઈ તો ઠીક, હવે તો હિન્દીમાં અને ગુજરાતીમાં ય બોલેલું હંભળાય છે કે અટલા-અટલા રૂપિયા પ્રાપ્ત થ્યા…’

‘પણ હવે નારાજ ફૂફાનું શું છે ?’

‘બસ ઇ જ જોવાનું છે ને ? ઇ જ ફૂફાશ્રી આજે કકળાટ લઈને બેઠા છે કે ૩૦૦ રૂપિયાનો ચાર્જ તો છેવટે ગ્રાહકના ખિસ્સામા જ લાગશે.’

‘જો કે ફૂફાજીની વાત ખોટી તો નથી જ.’

‘હા, પણ જ્યારે આટ આટલાં વરસથી રેલ્વે બુકિંગ ઉપર દર ટિકીટે ૨૫ રૂપિયાનો ચાર્જ લેવાતો રહ્યો છે ઇ ટાણે ફફાજી કેમ નો બોલ્યા ?’

‘કેમ નો બોલ્યા ?’

‘કેમ કે બોજ ખરેખર ગ્રાહકના ખિસ્સાં ઉપર હતો… અલ્યા બુક માય શોમાં તમે ૨૦૦ રૂપિયાની એક ટિકિટ હાટું પુરા ૨૦ ટકાના હિસાબે ૪૦ રૂપિયા ચૂકવો છો ન્યાં કેમ આ ફૂફાજીઓના જીવ નથી બળી જાતાં ?’

‘કેમ ?’

‘કારણ કે ઇ બોજ પણ ગ્રાહકના જ ખિસ્સાં ઉપર છે ! બ્લિંક-ઇટ વડે ૨૦૦ રૂપિયાથી વધુની ચીજું મંગાવો છો તો ફટ લેતાંકને ૨૦-૨૫-૩૦ રૂપિયા કાપી જ લ્યે છે ને ? અરે, બેન્કમાં આરટીજીએસ કરો કે એનઈએફટી, ન્યાં પણ બે રૂપિયાથી લઈને પિંચોતેર રૂપિયા કપાય છે. પણ કોના ?’

‘બેન્કનો જે ગ્રાહક હોય એના !’

‘હવે  હમજ્યો ! ફૂફાજીઓને કદી ગ્રાહકની ચિંતા હતી જ નહીં!’

‘તો પછી આ કકળાટ શાનો છે ?’

‘અલ્યા, આજકાલનું પોલિટિક્સ જ આ રીતે હાલે છે… ફૂફા બન્યા હે તો હર વાતમાં કકળાટ તો કરના જ પડતા હૈ…’

***

- મન્નુ શેખચલ્લી

Comments