રણઝણસિંહનું અભયવચન ગણિત!

‘ચાલો માન્યું, કે યુપીઆઈ ઉપર જે નાનકડો ચાર્જ છે એ વાજબી છે. પણ જનતા આટઆટલા ટેક્સો ભરે છે એ પૈસા જાય છે ક્યાં ?’

‘થોડાં ભ્રષ્ટાચારમાં, થોડા વિકાસમાં અને થોડા બગાડમાં !’

‘એટલે ? ’ રણઝણસિંહના જવાબથી અમે જરા ગુંચવાણા.

‘જો મન્નુડા, રોજ સવાર પડે ને લાખો કરોડોનાં ભ્રષ્ટાચારી કૌભાંડું બહાર પડે છે ! બીજી બાજુ વિકાસના નામે આડેધડ રસ્તાઓ, ફ્લાયઓવરો ને બાંધકામો થાય છે, જેમાં રેઢિયાળ, ક્વોલિટી અને બુધ્ધિ વનાનાં પ્લાનિગુંને કારણે નકરો બગાડ થાય છે ! જેમ કે ઓલ્યો હાટકેશ્વરનો બ્રિજ !’

‘હા, પણ એનો ઉપાય શું ?’

‘ઉપાય વિપક્ષના હાથમાં છે પણ ઇ એસી બંગલાવમાંથી બા’ર આવે તો ને ?’

‘મતલબ ?’

‘મતલબ કે જે દિ’ ઓલ્યો નકામો બ્રિજ બની ગ્યો ઇ જ દિ’થી ત્યાં ધરણાં કેમ નો દીધાં ? અરે, પંચમહાલમાં એક મંત્રીના ભત્રીજાવે મનરેગામાં માત્ર કાગળ પર સડક બનાવીને ૪૭ કરોડ લઈ લીધા, ઈ ટાંણે ઓલ્યા મંત્રીનું રાજીનામું માગવા સભા, સરઘસ, ઘેરાવ, ધરણાં… કાંઈ કઈરું ખરું ? આવા તો હજારો દાખલા છે ! હંધુય બચારા જેન ઝિએ જ કરવાનું ?’

‘એટલે તમે એમ કહો છો કે આ ભ્રષ્ટાચાર ફાટીને ધૂમાડે ગયો છે એમાં ફક્ત વિપક્ષ જવાબદાર છે ?’

‘ના. ઇનાં બે કારણ છે. એક વોશિંગ પાવડર, અને બીજું અભયવચન !’

‘આ સમજાણું નહીં.’

‘વોશિંગ પાવડર તો હમજે છે ને ? જે ભ્રષ્ટ વિપક્ષી નેતાઉં છે. ઇ ભાજપમાં આવતાં જ ક્લીન થઈ જાય છે.’

‘અને અભયવચન એટલે ?’

'ભાજપમાં આવનારા અને ભાજપમાં રહેલા તમામ ભ્રષ્ટાચારીઓને અભયવચન છે કે ગમે એટલું કરી ખાશો, છતાં રાજીનામું ય નંઈ લેવાય ! ને સજા ય નંઈ થાય !... તું જ ક્યે, છેલ્લાં ૧૨ વરહમાં એકેય ઉપર કોઈ કાર્યવાહી થઈ ખરી ?'

‘પણ આ અભયવચન પાછળનું રહસ્ય શું છે ?’

‘રહસ્ય નહીં ગાન્ડા, ગણિત !’

‘ગણિત ?’

‘હાસ્તો વળી ? ઇંગરેજીમાં કે’વત છે… ધેર ઇઝ નો ફ્રી લંચ !’

‘એટલે ? શું પાર્ટી ખુદ આમાં ભાગ પડાવે છે ?’

જવાબમાં રણઝણસિંહ મૂછમાં જ મલક્યા !

***

- મન્નુ શેખચલ્લી

Comments