જ્ઞાનના ગુબ્બારામાં ટાંકણી !

આપણા મહાત્માઓ અને ધર્માત્માઓ એવી ગોળગોળ વાતોના ગુબ્બારા ઉડાડતા રહે છે કે એમાં ટાંકણી માર્યા વિના રહી શકાતું નથી…

*** 

જ્ઞાન : ‘એક દિવસ તો મરવાનું જ છે, પછી આ બધી ઉપાધિ શા માટે કરવી ?’

ટાંકણી : જો દરેક ક્રિકેટર એમ વિચારે કે એક વાર તો આઉટ થવું જ પડશે… પછી રન લેવા માટે શું દોડાદોડી કરવી ? આમાં ને આમાં તો સમૂળગું ક્રિકેટ જ પતી જાય ને ? 
(ક્રિકેટ = દુનિયાનો વ્યવહાર)

*** 

જ્ઞાન : ‘સાથે કંઈ આવવાનું નથી. બધું અહીં જ છોડીને જવું પડશે.’

ટાંકણી : મુકેશ અંબાણી તો એમના સંતાનો માટે ઘણું બધું ‘છોડીને’ જશે… પણ બાપલ્યા, દેશની ૯૯ ટકા પ્રજા ‘સાચવશે’ તો જ એમનાં છોકરાંને કામમાં આવશે.

*** 

જ્ઞાન : ‘આ સંસાર તો માયા છે, ભ્રમ છે, અહીં કશું જ સાચું નથી.’

ટાંકણી : તો દાનપેટીમાં નકલી નોટો નાંખીએ તો ચાલશે ?

*** 

જ્ઞાન : ‘મોત ક્યારે આવશે તે કોઈ જાણતું નથી.’

ટાંકણી : તો પછી ‘આયુષ્યમાન ભવ’ના આશીર્વાદ કયા હિસાબે આપો છો ? હેં ?

*** 

જ્ઞાન : ‘મનની શાંતિ આપણે આપણી અંદર જ શોધવાની છે.’

ટાંકણી : અચ્છાઆઆ… એટલે જ આપણે ધાર્મિક તહેવારો વખતે કાન ફાડી નાંખે એવો ઘોંઘાટ કરીએ છીએ ! કેમકે ‘સાયલેન્સર’ તો આપણી અંદર જ ફીટ કરેલું છે ને ?

*** 

જ્ઞાન : ‘ચોર્યાસી લાખ જન્મ પછી આ માનવીનો અવતાર મળે છે. એ પણ આગલા જન્મોમાં પૂર્ણય કર્યા હોય તો જ.’

ટાંકણી : એ હિસાબે ભારતમાં જે ૧૪૨ કરોડ માનવીઓ જન્મ્યા છે એ કોનાં પૂણ્યો છે ? અમેરિકનોનાં ? કે યુરોપિયનોનાં?

*** 

જ્ઞાન : ‘બધું અહીંનું અહીં જ ચૂકતે થાય છે.’

ટાંકણી : તો પછી સ્વર્ગ અને નર્કની આખી વાત જ બોગસ ? એ જ રીતે ‘ગયો જનમ’ અને  ‘આવતો જનમ’ એવી વાતો પણ ધૂપ્પલ જ છે ને ? બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments