ન્યૂઝ ઉપર નુક્તેચિની !

નુક્તેચીની એટલે ટિપ્પણી, કોમેન્ટ, સળી… એ કરવાથી ન્યુઝમાં ‘તડકો’ એટલે કે વઘાર પડે છે ! જેના લીધે સમાચારોનો સ્વાદ વધારે ચટાકેદાર બની જાય છે. જુઓ…

*** 

ન્યુઝ :
અમેરિકાના એક સાંસદે આક્ષેપ કર્યો છે કે ટ્રમ્પ વારંવાર રવિવારે ઇરાન યુદ્ધમાં સમાધાનની જાહેરાત કરે છે. અને એનાથી જ શેરબજારમાં તે અબજો કમાય છે.

નુક્તેચીની :
લો, આ સાહેબને છેક હમણાં ખબર પડી ? અહીં અમારા શેરબજારના ખડૂસ ખેલાડીઓ છ મહિના પહેલાં જ આ ખેલ સમજી ચૂક્યા હતા !

*** 

ન્યુઝ :
એક જજસાહેબે કબૂલાત કરી છે કે જજ પણ આખરે તો માનવી હોય છે.

નુક્તેચીની :
વાહ જજસાહેબ ! આતંકવાદીઓ પણ ‘આખરે તો માનવી’ જ હોય છે એવું તમારા લોકોના મોઢે જ સાંભળ્યું હતું ! હવે તમે પણ ‘આખરે માનવી’ની કેટેગરીમાં આવી ગયા ? ભારે કરી ભૈશાબ.

(નિર્દોષ માનવી તો ‘શરૂશરૂમાં’ જ માનવી હોય છે, રાઈટ ?)

*** 

ન્યુઝ :
ઝારખંડમાં ચાલી રહેલા જેન-ઝિ આંદોલનને કોકરોચ પાર્ટી તથા કોંગ્રેસ પાર્ટીનું સમર્થન નથી.

નુક્તેચીની :
લો, અત્યારથી જ જેન-ઝિના ફાંટા પડવાના ચાલું થઈ ગયા… (૧) જેન-ઝિ કોકરોચ (૨) જેન-ઝિ કોંગ્રેસ (૩) જેન-ઝિ ભાજપ… લગે રહે બચ્ચે લોગ !

*** 

ન્યુઝ :
એક ફિલ્મમાં રાજેશ ખન્નાનો રોલ એમના જમાઈ અક્ષય કુમાર ભજવશે.

નુક્તેચીની :
ઓહ ! તો પછી ટ્વિંકલ ખન્ના અક્ષયને શું કહીને બોલાવશે … ‘પાપા ?’ એ તો ઠીક, ડિમ્પલ કાપડિયા એના જમાઈને શું કહેશે ? ‘સન-ઇન-લો-હસબન્ડ ?’

*** 

ન્યુઝ :
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે દાવો કર્યો છે કે દેશમાં દર ત્રણમાંથી એક વકીલ નકલી છે !

નુક્તેચીની :
ઓહોહો… એ હિસાબે તો ‘બાર’ કાઉન્સિલનું નામ ‘આઠ’ કાઉન્સિલ કરી નાંખવું જોઈએ ! ઓર્ડર… ઓર્ડર…

***

- મન્નુ શેખચલ્લી

Comments