'ડબલ્યુ-ઓ-એફ' શું છે ?

જે રીતે એક જમાનામાં કોમ્પ્યૂટરોમાં ‘રીડ ઓન્લી’ ફાઈલ આવતી હતી ને, એ રીતે હવે મોબાઈલમાં અમુક વાનગીઓ ‘વોચ ઓન્લી ફૂડ’ હોય છે !

*** 

દાખલા તરીકે એક વિડીયો આવો હતો…

એમાં પેલા ‘લારીવાળા માસ્ટર શેફ’ એક તડબૂચ લે છે, પછી એને અંદરથી આખેઆખું કોતરી નાંખે છે.

હવે તડબૂચના નીચેના ભાગમાં એ અત્યંત ગળી પેસ્ટ્રીનો થર કરે છે. એની ઉપર બરફનું છીણ પાથરે છે. એની ઊપર તડબૂચના ટુકડા, બદામ, પિસ્તા, કાજુ, દ્રાક્ષ વગેરેનું મિક્સચર ઠપકારે છે. પછી પેલુ એનાલોગ પનીર (જે હવે બેન થયું છે)ની તો પોતાના બાપની જ ફેકટરી હોય એટલી છૂટથી એનું છીણ ઘસી ઘસીને આખી વાનગીનો ‘પાયો’ ચણે છે !

અભી તો રૂકો… એની ઉપર હવે ચાર જાતના અલગ અલગ આઇસ્ક્રીમોનાં લેયરો પાથરવામાં આવે છે ! એમાંય જાણે કપચી ઉમેરવાની હોય તેમ દર વખત ખતરનાક રંગોવાળી લાલ-પીળી-લીલી-ભૂરી ટૂટી-ફૂટી ભભરાવતો જાય છે !

હવે તેની ઉપર પ્લાસ્ટર કરવાનું હોય તેમ ચીઝની ચોરસ ચોસલીઓ પાથરે છે…

પછી ફરી બરફનું છીણ… હણ હવે એમાં જુદા જુદા ખતરનાક રંગોવાળુ શરબત એટલી છૂટથી રેડતો જાય છે કે જાણે એનાથી ‘પાયો’ મજબૂત થવાનો હોય !

આની ઉપર ફરી કાજુ, બદામ, પિસ્તા વગેરે એટલી છૂટથી ભભરાવે છે કે જાણે અફઘાનિસ્તાનમાં એનાં પોતાની માલિકીના ખેતરો હોય !

હવે ફરી જુદા જુદા રંગના આઇસ્ક્રીમોનાં ચાર લેયર્સ… અને છેલ્લે ક્રીમન જાડો થથેડો કરીને ભડકીલા રગના ક્રીમની ટ્યુબ વડે ઉપર ફૂલપત્તીની ડિઝાઈનો ચીતરશે ! (‘ચિતરી’ શબ્દ આવાં ચીતરામણાં ઉપરથી જ આવ્યો હશે.)

છેવટે તમારું નામ પણ લખી આપશે ! હવે બોલો, આ ખાવાની હિંમત ખરી ?

- આને કહેવાય ‘વોચ ઓન્લી ફૂડ’ !

*** 

આજકાલ આવાં ‘વોચ ઓન્લી’માં નવું નીકળ્યું છે ! મોબાઈલમાં એઆઈ વડે વાનગીઓના વિડીયો બની જાય છે ! (રાંધવાની, ચાખવાની કે ચખાડ્યા પછી ટીકા સાંભળવાની જફા જ નહીં !)

તમે તમારો પોતાનો ફોટો આપો અને લખો : ચીઝ ગ્રીલ વેજીટેબલ સેન્ડવીચ વિથ ગાર્લિક બ્રેડ… એટલે બે મિનિટમાં તમે જાતે સેન્ડવીચ બનાવતા હોય એવો વિડીયો તૈયાર !

આવા એઆઈનો ઉપયોગ કરીને અમારા એક અળવીતરા મિત્રએ ‘કારેલાંના સ્વીટ લાડવા’નો વિડીયો બનાવી નાંખ્યો છે !
બસ, એ ચાખીને મોદીજી એનાં વખાણ કરતા હોય એવો વિડીયો બની જાય એટલી વાર !

ભક્તોના ઓર્ડરો પણ આવવા માંડશે !

(નોંધ : કમિંગ સૂન.. ‘વોચ ઓન્લી વિકાસ’ના એઆઈ વિડીયોઝ!)

***

- મન્નુ શેખચલ્લી

Comments