ભારતીય બેરોજગારોની કેટેગરીઓ !

ભારતમાં બેરોજગારોની સમસ્યા રોજગાર ન હોવાથી નથી સર્જાઈ ! એનું મેઈન કારણ એ છે કે અહીં બેરોજગારોની કેટેગરીઓ બહુ ઊંચી છે ! જુઓ…

*** 

ઓવર ક્વોલીફાઈડ :
દર વરસે લાખોની સંખ્યામાં જે ગ્રેજ્યુએટો બહાર પડે છે એમને ટેબલ-ખુરશી (અને એસી)ના હોય એવું કામ કરવું જ નથી ! એટલે એ બધા બેરોજગાર છે.

*** 

ઓવર એસ્ટિમેટ :
આ એવા લોકો છે જે પોતાને કદી ‘અંડર એસ્ટિમેટ’ કરતા જ નથી ! એટલે એમનો સ્ટાર્ટિંગ સેલેરીનો ‘એસ્ટિમેટ’ જ એટલો ઊંચો હોય છે કે એમને નોકરી કદી મળતી નથી. (અને ઈગો પણ ઘટતો નથી.)

*** 

ઓવર સ્માર્ટ :
બાળપણથી જ હાથમાં સ્માર્ટફોન આવી જવાને કારણે આ લોકોને ‘નોકીયા’ ટાઈપના, એટલે કે ઉંમરવાળા લોકોના હાથ નીચે કે એમની સાથે કામ કરવાનું પસંદ જ નથી ! કેમકે એમના તો ‘ચોઈસ’ બહુ ઊંચા છે ને ?

*** 

ઓવર રીચ :
આવા યુવાનો ભલે પોતે પાઈની પેદાશ ન કરી શકતા હોય છતાં એમના મિડલ ક્લાસિયા મા-બાપો એમના ભણતર પાછળ બે પાંચ લાખ ખર્ચી ચૂક્યા છે ! એટલું જ નહીં, માબાપની બેન્ક-બચત પણ એટલી છે કે હજી બીજાં પાંચેક વરસ સુધી આને ‘પોષી’ શકે છે. ઘરનું ઘરેણું છે.

*** 

ઓવર બિઝી :
આ બેરોજગારો પાસે કામ તો છે ! દિવસમાં છ-સાત કલાક તો મોબાઈલમાં જ બિઝી હોય છે ! એમાંય, કોક્રોચ પાર્ટી આવ્યા પછી તો કામ વધી ગયુ છે ! સ્ક્રોલિંગ કરી કરીને આંગળાં ઘસાઈ ગયાં, બોસ !

*** 

ઓવર એન્ટરપ્રોન્યોર :
આવા લોકોનાં ખ્વાબ બહુ ઊંચા હોય છે. ચાર વરસ એન્જિનિયરીંગનું ભણ્યા પછી એન્જિનિયર તરીકે નોકરી કરવી જ નથી… પણ બે મહિનામાં શેરબજારને ‘સ્ટડી’ કરી નાંખ્યા પછી એમાં ૨૦-૨૫ હજાર નાંખીને બેઠા છે !
(એ પણ પિતાશ્રીના !)

*** 

અને ઓવર એન્ગ્રી :
પોતાની તમામ નિષ્ફળતાઓ પાછળ વાંક તો સરકારનો જ છે ને ? એટલે આવા અમુક નમૂનાઓ ‘ઓનલાઇન ક્રાંતિકારી’ બની જાય છે ! 

હમેં ચાહિયે આઝાદી… અલ્યા, તારું રિ-ચાર્જ પોતાના પૈસે કરી શકે એટલી આઝાદી તો મેળવી બતાડ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments