જેન ઝિનો મોહન ભાગવતને પત્ર !

હાય મોહન !

આમ ચોંકવાનું નહીં, અંકલ ! તમારા મોદી સર પણ અમેરિકાના ઓબામા સરને ‘હાય બરાક !’ કહીને બોલાવતા હતા. યાદ આવ્યું ?

તમને લેટર લખવાનું મેઇન કોઝ તો એ છે કે તમે ટુ-કે ડૂડ્ઝ અને બેબ્ઝને જે એડ્રેસ કર્યું ને ? (ટુ-કે એટલે બે હજાર, ડૂડ્ઝ એટલે છોકરાઓ, બેબ્ઝ એટલે ગર્લ્સ સમજ્યા ?) એમાં તમને ક્રાઉડ ચૂઝિંગમાં કેટલું ડીફ. થયું, ધેટ વી કેન ગેસ. (ગેસ એટલે બાટલાનો નહીં, અને ડીફ. એટલે ડીફીકલ્ટી.)

બિકોઝ ઓડી (ચાર બંગડીવાળી ઓડી નહીં, ઓડી એટલે ઓડીટોરીયમ)માં એક બી ‘એન્ટી-નેશ-કોકરોચ’ના હોવું જોઈએ… એક બી ‘ક્યુ-નોશન’ ડૂડ ના આવી જાય… અને એવરીબડી ‘શીપોફાઈડ’ હોય એ પહેલેથી ચેક કરવું પડે ને ?

(એન્ટી-નેશ-કોકરોચ એટલે એન્ટિન નેશનલ વંદા… ક્યુ-નોશન એટલે ક્વેશ્ચન કરવાની ટેવવાળા બંદા… ઓકે। અન શીપોફાઈડ એટલે તમારું ‘ઘેટાંકરણ’)

તો બી, આટલું બધું પ્રિ-સ્કેન કરવા છતાં ફેસબુકમાં તો ફેસ-ઓફ્ફ થઈ જ ગયું ને ? (ફેસ-ઓફ્ફ એટલે ચહેરા-ફાશ, રાઈટ ?) જોકે સિકસ્ટી-કે જેટલી કોમેન્ટ્સ તમે તો વાંચવાના નથી.

બટ યોર ટુ-એમ સમથિંગ ફોલોઅર્સ બ બિચારા રીડ કરીને, શું કહેવાય, ગુજરાતીમાં… ‘સમસમી’ ગયા હશે ! કેમકે તમે એમનું થમ્સ-ડાઉન કરીને ‘કેજીંગ’ કરેલું..

(થમ્સ-ડાઉન એટલે ના પાડવી… કેજીંગ એટલે જેલમાં રાખવા, સોરી, પિંજરામાં રાખવા ! પુઅર પિંજરે કે પોપટ ! અને ટુ-એમ એલે બે મિલિયન.. એ તો જરૂર ખબર હશે !)

અંકલ, તમે જ વે-બેક આખું ‘વોક-કલ્ચર’ ચાલુ કરેલું. (મોર્નિંગ વોક નહીં, સર !) પણ હવે જ્યારે તમને જ યંગ વોટર્સના ‘ઘોસ્ટિંગ’નો ડર લાગ્યો ત્યારે તમે અમારી સાથે ‘સંવાદ’નું તૂત ચાલુ કરવા માગો છો. (હવે ઘોસ્ટિંગ એટલે શું ? તો સર, ગાયબ થઈ જવું. એ પણ મતપેટીમાંથી ! વેરી ડેન્જરસ, નો ?)

પણ ડિયર ઓલ્ડમેન, ‘સંવાદ’ એટલે ડાયલોગ ! અને ડાયલોગમાં વાદમ્‌-વાદ યાને કે તમારી ‘વાદે’ ચડીને ‘તમારા-વાદ’ની જ જય બોલવવાનું ના હોય ને ? એમાં તો ‘વિ-વાદ’ એટલે કે ડિસ્સેન્ટ પણ હોય !

(ડિસ્સેન્ટ એટલે તમારા સંઘમાં છે એવું સરસ મજાનું ડિસન્ટ-ડિસન્ટ નહીં, બલ્કે ‘ડિસ-એંગ્રી-મેન્ટ’ પણ હોય.)

ટુંકમાં, ભાગવત સર, પેલી કહેવત મુજબ ‘ફલાણા પ્રાણી આગળ ભાગવત’ની જેમ અમને ફલાણું એનિમલ ના સમજતા!

બાકી, જ્યાં સુધી તમને અમારી લેંગ્વેજના મિનિંગો કૌંસમાં લખી લખીને સમજાવવા પડે છે ત્યાં સુધી તો ‘સંવાદ’માં ઝોલ રહેવાના ! સોરી હોં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments