વાહનો શું બોલતાં હશે ?!

જાપાનના વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે કે રસ્તે ચાલતાં વાહનો એની મેળે એકબીજા સાથે ‘વાતચીત’ કરીને ટ્રાફિકમાં રસ્તો શોધી લેશે !

જરા વિચારો, ભારતના રોડ ઉપર જે ‘ખીચડા’ જેવો ટ્રાફિક થાય છે એમાં વાહનો શું વાત કરતાં હશે ?

*** 

‘એય, મેં લાઇટ ઝબકાવીને તારી પાસે સાઈડ માગી ! તને દેખાયું નહીં ?’

‘ઓયે ! મેં વાઈપર ડાબે જમણ ફેરવીને ના પાડી ! એ તારે જોવું જોઈએ ને ?’

‘ક્યાંથી જુએ ? મારી આગળનો ખટારો કાળા કાળા ધૂમાડા કાઢે છે !’

‘એમાં મને શું કહે છે ? ગડકરીને ફરિયાદ કરને ?’

‘ગડકરીએ જ મારી ટાંકીમાં કંઈક એવું મિક્સ કર્યું છે કે સાલું, ઘેન ચડે છે !’

‘એ વાતોડીયણ કાર ! આગળ વધને ? આખા ગામની પંચાત અહીં ચાર રસ્તો જ કરવાની છે ?’

‘એય જીપડા ! સખણો રહે ! પાછળથી અડાડે છે શેનો ?’

‘હજી તો ખાલી અડાડી જ છે ! તું નહીં ખસે તો ઠોકી દઈશ !’

‘એમ ? તો તો હું છેડતી અને બળજબરી એમ બબ્બે કેસ કરીશ તારી સામે !’

‘જા જા ! છે તો લાલ રંગની ચકાચક કાર પણ લખ્ખણ તો સાવ રીક્ષાડી જેવાં જ છે !’

‘તું તારું જો જીપડાં ! પેલી રીક્ષાડી તારા નાક નીચેથી રોંગ સાઈડમં આગળ ઘૂસી ગઈ !’

‘એય રીક્ષાડી !! આ રસ્તો તારા બાપનો છે ?’

‘હાસ્તો ! અમે બધી રીક્ષાડીઓ અમારા પોલીસકાકાઓને તગડા હપ્તા આપીએ છીએ ! તારાથી થાય તે કરી લેજે !’

‘છીછીછી… તારામાંથી તો કેરોસીનની વાસ આવે છે ! શું ખાય છે રોજ ?’

‘એ પણ તારા ગડકરીને જ પૂછને ? હીહીહ હાહાહા…’

‘એમાં આટલી બધી નાચે છે શેની !’

‘નાચતી નથી ! રસ્તામાં ડિસ્કો ટાઈપના ખાડા છે !’

‘સાંભળ્યું જીપડા ? હવે ગડકરી આપણી ઉપર ડિસ્કોનો મનોરંજન ટેક્સ નાંખશે !’

‘પીંપીંપી…’ ‘ભોંભોં ભોં…’

‘લો વાગ્યું ડિસ્કોનું સરાઉન્ડ સાઉન્ડ મ્યુઝિક !’

***

- મન્નુ શેખચલ્લી

Comments