જેન ઝિની લુપ્ત થતી આવડતો !

આમ તો જેન-ઝિ ઘણી બધી વાતે આપણા કરતાં એડવાન્સ છે પરંતુ એમની અમુક બેઝિક આવડતો ધીમે ધીમે લુપ્ત થતી જાય છે ! જુઓ…

*** 

સરવાળો કરવો :
જેન-ઝિ કોઈ મોલમાં જાય, રેસ્ટોરન્ટમાં જાય કે, ગ્રોસરી શોપમાં જાય (એને ‘કરિયાણાની દુકાન’ કહેતાં શરમ આવે છે) ત્યાં જો બે ચાર ચીજો લીધી હોય તો ડાયરેક્ટ પૂછશે ‘કેટલા થયા ?’

પછી જે આંકડો કહેવામાં આવે તેનું પેમેન્ટ તરત જ ઓનલાઈન કરી દેશે ! પણ એકેય વખત ટોટલ મારીને ચેક નહીં કરે !

(તમે નહીં માનો, આમાં ને આમાં અમુક દુકાનદારો દસ બાર રૂપિયા આપણી પાસેથી પણ વધારે ઠોકી લેતા હોય છે.)

*** 

બાદબાકી કરવી :
રોકડેથી ખરીદી કરવી એ તો બહુ જ ‘હાઈ-સ્કીલ’ ડિમાન્ડ કરે છે ! કેમકે ૮૭ રૂપિયા ૬૫ પૈસાની ચીજ ખરીદ્યા પછી જો ૨૦૦ની નોટ આપી હોય તો કેટલા પૈસા પાછા લેવાના ?

ભૈશાબ, આ બધું તો હવે મેથ્સના પેપરમાં ય નથી પૂછતા ! તો આ ગ્રેજ્યુએટોને ક્યાંથી આવડે ?

*** 

સરનામું શોધવું :
‘ગાંધી ચોકથી જમણી બાજુ વળીને ટાવર ચાર રસ્તાથી ડાબી બાજુના રોડ પર આગળ જતાં જે જૈન મંદિર આવે છેને, ત્યાંથી સ્હેજ આગળ જતાં જે ચાની કિટલી દેખાય, એ ગલીમાં છેલ્લેથી ચોથું મકાન…’

બોલો, આટલું સિમ્પલ સરનામું આ લોકો શોધી શકતા નથી ! હજી અડધું સાંભળતાં જ કહેશે : ‘લોકેશન સેન્ડ કરી દો ને ?’
(આમાં ને આમાં આ લોકો અધૂરા પલ ઉપરથી એમની કાર સાથે નદીમાં ખાબકી પડે છે !)

*** 

રીયાલિટી માણવી :
અંકલ ફોન કરીને કેહ છે ‘બહાર નીકળીને જો તો ખરો, આકાશમાં કેટલું મસ્ત મેઘધનૂષ ઊગ્યું છે..’

તો જવાબમાં કહેશે ‘અંકલ, ફોટો પાડીને સેન્ડ કરોને !’

એ તો ઠીક, આ લોકો જ્યારે ‘મ્યુઝિક કોન્સર્ટ’માં જાય છે ત્યારે સંગીત ‘સાંભળવા’ કરતાં ચિચિયારીઓ વધારે પાડે છે !

અને હા, પેલા કલાકાર કરતાં ‘પોતાનાં’ રીલ્સ વધારે ઉતારે છે. કેમકે એ જ તો ‘પ્રુફ’ છે કે અમે ‘રીયલી’ ત્યાં હતા !

***

- મન્નુ શેખચલ્લી

Comments