'મૈં આઝાદ હૂં ' કેમ ફ્લોપ ગઈ ?


આમેય ૧૯૮૮-૮૯ના ગાળામાં અમિતાભ બચ્ચનની માઠી ચાલી રહી હતી. એમાં વળી ‘મૈં આઝાદ હૂં’ તો સાવ બેસી ગયેલી. એનાં કારણો શું હતાં એ તો લેખમાં આગળ વાંચવાના જ છો પણ…

જસ્ટ કલ્પના કરો, કે ૨૦૧૧માં જ્યારે અન્ના હજારેનું આંદોલન ચરમસીમા ઉપર હતું, જ્યારે દેશની તમામ ન્યુઝ ચેનલો, અખબારો અને મિડીયામાં આ ‘કહેવાતું ભ્રષ્ટાચાર વિરોધી’ આંદોલન છવાયેલું હતું… એવી ‘હાઈપ’ના ટાઈમમાં દિલ્હીમાં એક જબરદસ્ત રેલી યોજાઈ હોય, લાખો લોકો અન્ના હજારેને સાંભળવા ઉમટી પડ્યા હોય.. 

એ જ વખતે અન્ના હજારેને કોઈ ગોળી મારી દે તો ?

ભયાનક તોફાનો ફાટી નીકળે કે નહીં ? આખો દેશ ભડકે બળે કે નહીં ? અને જોતજોતામાં આખી સરકાર ઉથલી જાય કે નહીં ?
અથવા… 

એ જબરદસ્ત રેલીની આગલી રાત્રે જ આખા દેશમાં ‘ખબર’ ફેલાઈ જાય કે બોસ, અન્ના હજારે તો ખુદ મિડીયાએ જ ઊભો કરેલો એક ‘પપેટ-નેતા’ છે ! એ તો આર્મીમાં માત્ર એક ટ્રક ડ્રાયવર હતા ! અને ગામડામાં કરેલા ચમત્કારોની વાતો છે એ પણ નર્યા ગપ્પાં હતાં ! તો શું થાય ?

લોકો અન્ના હજારેને જ ધીબેડી નાંખેને ? (એમાં અરવિંદ કેજરીવાલનો પણ ઘડો લાડવો થઈ જાય… એવી કલ્પના કરવાની પણ છૂટ છે) પણ વાત આપણે ફિલ્મની કરી રહ્યા છીએ એટલે સમજી લો કે આ આખી ઘટના કાલ્પનિક નહીં પણ ‘મૈં આઝાદ હૂં’ ફિલ્મની જ સ્ટોરી હતી ! બોલો.

મૂળ તો ૧૯૪૧માં આવેલા હોલીવૂડની હિટ ફિલ્મ ‘મીટ જ્હોન ડો’ ઉપરથી અહીં હિન્દીમાં ઉઠાવી જાવેદ અખ્તરે ! એ વખતે જાવેદ સાહેબ સલીમ ખાનથી છૂટી પડી ગયા હતા. અને એટલે જ જાવેદભાઈની સ્ક્રીપ્ટમાં મોટાં મોટાં ગાબડાં રહી ગયાં હતાં ! શી રીતે ? આગળ સમજાશે.

‘મીટ જ્હોન ડો’ની સ્ટોરી એવી છે કે એક અખબાર વેચાઈને નવા માલિકના હાથમાં જતું રહે છે ત્યારે નવું મેનેજમેન્ટ ધડાધડ અનેક લોકોને પાણીચું પકડાવી રહ્યું છે. આમાં પોતાની નોકરી બચાવવાના ચક્કરમાં એક મહિલા પત્રકાર (હિરોઈન) પોતાની કોલમમાં એવું છાપી મારે છે કે ‘જ્હોન ડો’ નામનો એક યુવાન દેશની સ્થિતિથી કંટાળીને ક્રિસમસની રાતે એક બહુમાળી બિલ્ડીંગ પરથી કૂદીને આપઘાત કરી નાંખશે !!

આ નાનકડી કોલમથી તો સનસનાટી મચી ગઈ ! માલિકોને લાગ્યું કે આ તો સરક્યુલેશન વધારવાનો ચાન્સ છે ! પેલી પત્રકાર પાસે વધુને વધુ ગરમાગરમ લેખો ‘જ્હોન ડો’ના નામે લખાવવા માંડ્યા !

હવે આ જ્હોન છે કોણ ? લોકોને જાણવું છે ! તો કરવું શું ?

ત્યારે એ જ યુવતી એક બેરોજગાર, ભડભડીયો છતાં ગમાર હોય એવા એક જુવાનિયાને પૈસાની લાલચ આપીને જાહેરમાં આવીને બે-ચાર ભાષણો ફટકરાવાનું કામ સોંપે છે. પેલા ગમારને તો ખબર જ નથી કે એના નામે જાહેરમાં આત્મહત્યાની વાત છપાઈ ચૂકી છે !

પણ આ બેટમજી પુરો ‘બોલ-બચ્ચન’ (બોલવામાં હોંશિયાર) પણ છે ! એટલે પેલી પત્રકારે લખેલા ભાષણમાં એ પોતાની દેશી બોલીને વઘાર કરીને એવાં ભાષણો ફટકારે છે કે પબ્લિક એની દિવાની થઈ જાય છે !

દરમ્યાનમાં સામેના હરીફ અખબારને શક જાય છે કે આ ‘જ્હોન ડો’ બનાવટી છે ! પોતાનો ભાંડો ફૂટતો લાગતાં બેટમજી શહેરમમાંથી ભાગી છૂટે છે ! પણ… પણ… પણ…

એ જ્યાં જ્યાં જાય છે ત્યાં લોકો એને ઓળખી જાય છે ! ઘેરી વળે છે… પોતાની સમસ્યાઓ કહેવા લાગે છે ! ત્યારે આ ભાઈનું ખરેખર હૃદય પરિવર્તન થાય છે, કે યાર, આની જ તો જરૂર છે, દેશને !

ટુંકમાં, હવે એ બનાવટી ‘જ્હોન ડો’ નહીં, પણ સાચા અર્થમાં ક્રાંતિનો સંદેશો લાવનાર ‘કોમનમેન’ બની ગયો છે ! હવે ભ્રષ્ટાચારીઓ, નેતાઓ, કૌભાંડીઓ સૌ ઇચ્છે કે આને પતાવો…! છેવટે શું થાય છે? વગેરે વગેરે… ઓકે ?

હવે જાવેદ સાહેબે લોચા ક્યાં માર્યા ? સૌથી પહેલાં તો અમિતાભને ભણેલો ડાહ્યો ડમરો (ગ્રેજ્યુએટ) બતાડ્યો ! બીજું, એના મોઢે દેહાતી, રમૂજી, મનોરંજક છતાં દિલમાં ઉતરી જાય એવી બોલીમાં સંવાદો મુકવાને બદલે કંઈ દોઢ-ચાંપલી સુષ્ટુ ભાષા જેવા ડાયલોગ્સ આપ્યા !

અમે તો હજી માનીએ છીએ કે જો તે વખતે સલીમભાઈ એમની સાથે હોત તો ચોક્કસ જાવેદભાઈના મોં ઉપર કીધું હોત કે ‘યાર, યે ક્યા લિખા હૈ ? યહાં પર તાલીમાર ડાયલોગ્સ હોને ચાહિયે !’

આના કારણે ઓડિયન્સને હીરો માટે જે ‘ઇમોશનલ કનેક્શન’ થવું જોઈએ તે થતું જ નહોતું ! 

ફિલ્મમાં અમિતાભ બચ્ચન (યાને કે ‘આઝાદ’) પહેલીવાર જ્યારે ખીચોખીચ ભરેલા હોલમાં સ્પીચ આપવા આવે છે ત્યારે ફિલ્મમાં દેખાડેલા હોલના પ્રેક્ષકો અને ફિલ્મ જોવાં બેઠેલા સિનેમાહોલ પ્રેક્ષકો… આ બંને બગાસાં આવી જાય એટલો ઠંડો સીન લખાયો હતો !

ફિલ્મ તો અહીંથી જ બેસી જતી હતી. અને એ પછીના લગભગ તમામ દૃશ્યો સાવ બનાવટી, ઉપરછલ્લાં અને ‘ઠંડા’ લાગતાં હતાં. એમાં વળી અમિતાભ બચ્ચન આપઘાત કરીને મરી જાય એ પછી, છેક છેલ્લે, એણે ‘રેકોર્ડ’ કરેલો વિડીયો આખા સ્ટેડિયમમાં બતાડે તેનાથી શું ફેર પડે ? … જબ ચિડીયા ચૂગ ગઈ ખેત…?

ડિરેક્ટર ટીનુ આનંદનો પ્લાન એવો હતો કે ફિલ્મને મુંબઈના માત્ર એક જ થિયેટરમાં રીલીઝ કરવાની… પછી ધીમે ધીમે એની માઉથ પબ્લિસિટી ફેલાય ત્યારે, એટલે કે છ મહિના પછી આખા દેશમાં રીલીઝ કરવાની ! (‘જીવન મૃત્યુ’ માટે તારાચંદ બડજાત્યાએ કહ્યું હતું તેવું.)

પણ બિચારા પ્રોડ્યુસરની કાં તો ધીરજ ખૂટી ગઈ હશે, અથવા તો એકલા બેસીને ફિલ્મ જોતાંજોતાં એને ખરેખર ઊંઘ આવી ગઈ હશે ! જે હોય તે, પણ પ્રોડ્યુસર ટીનુ આનંદને જણાવ્યા વિના સાત-આઠ લાખના ભાવે તમામ ટેરીટરીઓ વેચી મારી ! સરવાળે લોસ તો ડીસ્ટ્રીબ્યુટરોને થયો…

ફિલ્મનો સબ્જેક્ટ સંપર્ણપણે ‘માસ-અપીલ’વાળો હોવા છતાં ફિલ્મમાં ગાયન એક જ હતું. કોમેડી જરાય નહોતી, આંખ ભીની થાય એવું એક પણ દૃશ્ય નહોતું, લોહી ઉકળી ઊઠે એવા સંવાદો નહોતા, હવે શું થશે… હવે શું થશે.. એવા એક પણ ટ્વિસ્ટ નહોતા અને ‘માર સાલે કો’ કહેવાનું મન થાય એવી એકે ફાઈટ પણ નહોતી ! 

બોલો, આવી ફિલ્મને ‘માઉથ પબ્લિસીટી’ પણ કોણે આપી હોત ? આમાં ને આમાં બચ્ચનજી માઠીમાંથી ‘આઝાદ’ થવાને બદલે વધારે ‘બરબાદ’ થયા.

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ક્લાઈમેક્સના દૃશ્ય માટે હજારોની મેદની ભેગી કરવાની હતી પરંતુ એટલું બજેટ નહોતું, એટલે અખબારમાં જાહેરખબર છપાવી કે ‘ગોવાના સ્ટેડિમમાં અમિતાભની ફિલ્મના શૂટિંગ માટે લોકોની જરૂર છે. સૌને ફ્રી એન્ટ્રી છે… ’ આના પ્રતિભાવમં ૫-૧૦ હજાર લોકો આવશે એમ ધાર્યું હતું પરંતુ સામટા ૫૦,૦૦૦ લોકો આવી પહોંચ્યા હતા !

* એ ભીડ બેકાબૂ થઈ રહી હતી ત્યારે અમિતાભે સ્ટેજ પર આવીને માઈક ઉપર વિનંતી કરીને સૌને શાંત પાડ્યા હતા. પછી જાતે મુઠ્ઠી ઉગામવાની એકશન સાથે ‘ઇતને બાજુ ઇતને સર…’ લોકો પાસે ગવડાવ્યું હતું ! હજારો લોકોને એકસાથે હાથ ઉઠાવીને ગીત ગાતાં જોઈને કેમેરામેન પ્રીવણ ભટ્ટ રડી પડ્યા હતા.

* અમિતાભ અને શબાના હીરો-હીરોઈન તરીકે એકસાથે હોય તેવી આ એકમાત્ર ફિલ્મ છે.

* ટીનુ આનંદની ફિલ્મના સંવાદો એમના પિતા ઇન્દર રાજ આનંદે ના લખ્યા હોય એવી પણ આ એકમાત્ર ફિલ્મ છે.

* આ ફિલ્મના સાવ ફીક્કા અને ઠંડા સંવાદો માટે જાવેદ અખ્તરે ફિલ્મફેર એવોર્ડ લીધો હતો ! બોલો.

***

-મન્નુ શેખચલ્લી 

Comments

Post a Comment