‘બોસ, યુદ્ધ પાછળનું અસલી કારણ શું છે, ખબર છે ? બ્રિટનની વીમા કંપનીઓને ફાયદો કરાવવા માટે જ આ ઉંબાડીયું સળગાવ્યું છે !’
‘ના હોય ! શી રીતે ?’
‘અરે, હોર્મુઝની ખાડી પાસેથી પસાર થતાં જહાજોનો વીમો રાતોરાત ત્રણ ગણો થઈ ગયો !’
‘અચ્છાઆઆ…. મતલબ કે આ વીમા કંપનીઓના અસલી માલિકો નેતન્યાહૂ અને ટ્રમ્પ જ હશે, નહીં ?’
‘અરે, તમે સમજો યાર ! ગલ્ફ દેશોનું ઓઈલ નીકળતું બંધ થયું એટલે દુનિયામાં અમેરિકાના ઓઈલની ડિમાન્ડ વધી ગઈ ને ? ઉપરથી ઓઈલના ભાવ પણ વધી ગયા !’
‘અચ્છાઆઆ… મતલબ કે અમેરિકાની ઓઈલ કંપનીઓના અસલી માલિકો નેતન્યાહૂ અને ટ્રમ્પ જ હશે, નહીં ?’
‘એવું નથી… મેઈન કારણ તો મોદીને દબાવવાનું છે ! જુઓ, ભારતમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, રાઈટ ? હવે જો ગેસના બાટલાની તંગી ઊભી થાય તો ભાજપને જ માર પડે ને ?’
‘અચ્છાઆઆ… અને દુનિયાની મેઈન ગેસ કંપનીઓની અસલી માલિકી પણ નેતન્યાહૂ અને ટ્રમ્પની હશે, નહીં ?’
‘લો ત્યારે, તમને મેઈન વાતની ખબર જ ક્યાં છે ? મેઈન વાત એ છે કે પાકિસ્તાનના મુનીર હવે ઇરાનને ખાનગીમાં પાકિસ્તાની ન્યુક્લિઅર બોમ્બ ઈરાનને વેચવાના છે !’
‘અચ્છાઆઆ… અને પાકિસ્તાનનાં પરમાણુ મથકોમાં મેઇન ઇન્વેસ્ટમેન્ટ તો નેતન્યાહૂ અને ટ્રમ્પનું જ હશે, નહીં ?’
‘એક મિનિટ ! શું ફક્ત આટલા નફા માટે ઇઝરાયેલ અને અમેરિકા રોજના દોઢ બિલીયન ડોલર્સનો ધૂમાડો કર્યા કરે છે ? અને જો યુદ્ધ છ મહિના ચાલ્યું તો ? સામે નફો કેટલો ઓછો કહેવાય ?’
‘અરે… તમે સમજતા નથી ! યુદ્ધમાં તો અમેરિકન ગવર્મેન્ટના પૈસા ઠલવાય છે ને ? પેલા બે જણાનું શું જાય છે ?’
‘લો ! તો એ જ મેઇન વાત છે ! ટ્રમ્પ અને નેતન્યાહૂ પૃથ્વી છોડીને ચંદ્ર પર રહેવા જતા રહેવાના લાગે છે !!’
‘હાઆઆ..!! એટલે જ ટ્રમ્પે પેલા એલન મસ્ક જોડે ફરીથી દોસ્તી કરી લીધી છે !’
‘હં…’ ‘હં…’ ‘હં…’
‘હેં ???’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment