આટ આટલી ગરમી છતાં... ?!

આ ‘અલ-નીનો’ ઇફેક્ટમાં બધાની બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે ! કેમકે અમુક પાયાના સવાલો જે થવા જોઈએ, એ થતા કેમ નથી ? જેમકે…

*** 

પહેલી વાત તો એ કે આટલી ખતરનાક ગરમી પડે છે છતાં કોઈએ હજી મોદી સરકારનો વાંક કેમ કાઢ્યો નથી ?

*** 

કેજરીવાલ પણ કેમ નથી કહેતા કે બરોબર બંગાળ, તામિલનાડુ અને ગુજરાતની ચૂંટણીઓ વખતે જ આખા દેશમાં હિટ-વેવ ફેલાવી દેવાનું આ આખું કાવતરું છે !

*** 

અમે તો હજી રાહ જોઈ રહ્યા છીએ કે મમતાજી બંગાળમાં ક્યારે વચન આપે કે અમને ફરી વોટ આપશો તો સૌને રોજ ૧૦-૧૦ કિલો બરફ મફતમાં આપીશું !

*** 

ના ના, આઈપીએલની મેચો ઉપર બરોબર સટ્ટો લાગી રહ્યો છે પણ આજે તાપમાન કેટલું રહેશે એના ભાવ કેમ ખુલતા નથી ?

*** 

અચ્છા, ‘ત્યાં દેશના જવાનો માઈનસ પચ્ચીસ ડિગ્રી ઠંડીમાં જો આઠ આઠ કલાક ઊભા રહીને દેશની રક્ષા કરી શકે છે. તો તમે આમ માત્ર ૪૨ ડિગ્રી ગરમીમાં શેના ફરિયાદો કરવા માંડો છો’… એવું દેશભક્તિ ભર્યું નિવેદન પણ કોઈ કેમ કરતું નથી ? ક્યાં ઠરી ગયા બધા ?

*** 

અરે, પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સંગઠનોમાંથી પણ કેમ કોઈ ‘આ ગરમીના આતંકની જવાબદારી અમારી છે’ એવું જાહેર કરતા નથી ? ક્રેડિટ તો લો ?

*** 

મોદી સાહેબ પણ ઝાલમુડી ખાઈને ફોટા પડાવવામાં બિઝી છે. એમણે હજી સુધી દુનિયાના તમામ દેશોને આ ‘તાપમાન સામેના યુદ્ધ’માં જોડાઈ જવાની ‘હાકલ’ કેમ નથી કરી ?

*** 

અને પેલા શાહબાજ શરીફ… એ કેમ નથી ઓફર આપતા કે ચાલો, અમે સુર્ય સાથે શાંતિ મંત્રણા ગોઠવવા માટે તૈયાર છીએ !

*** 

અને યોગીજી, કમ સે કમ તમે તો ખોંખારીને કહો કે આ ‘અલ-નીનો’નું નામ બદલને હું ‘ચલ-ભીનો’ કરી નાંખીશ !

***

- મન્નુ શેખચલ્લી

Comments