સાહેબને ખાનગી પત્ર !

પ્રિય મોદી સાહેબ !
તમે તો પ્રભુ જબરું કરો છો, હોં ?

અમને બધાને મોબાઈલ વડે ઓનલાઈન પેમેન્ટો કરી દીધા અને તમે પોતે ૧૦ રૂપિયાની (એ પણ જુની, ઘસાયેલી) નોટ આપીને બંગાળમાં જાતે ‘ઝાલમુડી’ ખાઈ આવ્યા ?

અને સાહેબ, તમે તમારા ખિસ્સામાં ફક્ત ૧૦-૨૦ રૂપિયા જ રાખો છો ? (તમને પગાર તો પુરો મળે છે ને ?)

અને છેક બંગાળમાં જઈને ફક્ત ૧૦ રૂપિયાની જ ઝાલમુડી લીધી ? સાહેબ, તમારી આજુબાજુ કમ સે કમ ૨૦-૩૦ જણા ઊભા હતા. (કેમેરાની ટીમ અને તમારી સિક્યોરીટીના કમાન્ડો તો અલગ) તો પ્રભુ, કમ સે કમ ૩૦૦-૪૦૦ રૂપિયાનો ઓર્ડર તો આપવો હતો ?

આમાં તો તમે કંજૂસીનું પ્રદર્શન કરી નાંખ્યું !

અને પાછી બધી ઝાલમુડી તો પોતે પણ ના ખાધી ! પેલાં બે ચાર બહેનો અને બે પાંચ ભાઈઓને જાણે ‘પ્રસાદ’ વહેંચતા હોય એમ પાંચ પાંચ મમરા આપ્યા !

ચાલો, માની લઈએ કે પેલા રાહુલબાબા તો નવરા છે, એટલે એ તો ડઝન બે ડઝન ઢોંસા જાતે બનાવીને ખવડાવે છે ! અરે, એ તો કોઈ બાઈક મિકેનિકના ગેરેજમાં જઈને રિપેરીંગ પણ શીખે છે, કોઈ મોચીની દુકાને બેસીને જુતાંની દુકાન શી રીતે ચલાવવી એનાં ‘ટ્યૂશનો’ લે છે. અને જો થોડી લોન મળી જાય તો હરિયાણામાં જલેબીની ફેકટરી નાંખવાનો પ્લાન પણ બનાવીને બેઠા છે… કારણ શું ?

કેમકે તમે છો ત્યાં સુધી તો એ ભાઈને પીએમ બનવા નથી દેવાના ? એટલે બધી તૈયારી રાખવી પડે.

પણ સાહેબ મારા, તમને તો જાતે ચા બનાવતાં આવડે છે ! સંન્યાસી બનીને હિમાલયમાં ફરતા હતા ત્યારે તો જાતે લાકડાં વીણીને, ચૂલો સળગાવીને રોટલા પણ ટીપી જાણતા હતા ! તો બોસ, એમાંથી એકાદ વાનગીનો ‘ડેમો’ બતાડ્યો હોત તોય વાહ વાહ થઈ જાત !

પણ ફક્ત દસ રૂપિયાનાં ઝાલમુડી ? આમાં તો ભક્તોના ‘પૈસા’ પડી ગયા !

હવે નેકસ્ટ ટાઈમ જરા ધ્યાન રાખજો.

અને હા, બંગાળમાં મમતાદીદી જીતી જાય ત્યારે ફક્ત અડધો પેંડો ના ખવડાવતા ! પાંચ-દસ કિલોનું પેકેટ લઈને જજો !

જરા સારું લાગે… ગુજરાતીઓનું !

***

- મન્નુ શેખચલ્લી

Comments