મોબાઈલ મચડુઓના પ્રકારો !

દેશમાં દારૂ અને ડ્રગ્સ કરતાં વધારે એડિક્શન મોબાઈલનું થઈ ગયું છે ! હવે તો આ નશેડીઓમાં અલગ અલગ સોશીયલાઈઝેશન મુજબના પ્રકારો બની ગયા છે…

*** 

ટ્વિટ માર ખાં :
કોઈપણ ટોપિક ઉપર દોઢસોથી અઢીસો શબ્દો લખીને આ લોકો એમ સમજે છે કે પોતે દુનિયા બદલી નાંખશે ! અરે ભાઈ, પેલો અમેરિકાનો પ્રેસિડેન્ટ પણ ઇરાનને ખતમ કરી નાંખવાની ધમકી આપ્યાના ચોવીસ જ કલાકમાં ‘શાંતિ’ની વાતો કરવા લાગે છે !

*** 

ટ્રોલ ટપોરીઓ :
આ ખણ ખોદીયાઓના પેટમાં ગાળાગાળી અને ધમકીઓનો આફરો ચડે છે ! રોજ દસ સેલિબ્રિટીઓના પેજ ઉપર જો શાબ્દિક ઝાડો-પેશાબ ન કરે તો એમને ચેન પડતું નથી.

*** 

ફેસબુક ફટાકડીઓ :
આ ફટાકડીઓ એમ જ સમજે છે કે પોતે શું ખાય છે, શું પીએ છે, શું પહેરે છે અને ક્યાં ફરે છે એ બધું જોવા માટે દુનિયા આખી નવરી જ છે !

*** 

વોટ્સએપ વડીલો :
વોટ્સએપ યુનિવર્સિટીમાં ભણેલા આ વડીલો સવારે સુપ્રભાત સાથે સુવાક્યો પીરસે છે, બપોરે દુનિયાભરના બળાપા કાઢે છે, સાંજે જીવનસંધ્યાની શીખામણો આપે છે અને રાત્રે જુનાં ફિલ્મી ગાયનો અને હસબન્ડ-વાઈફના ચવાયેલા જોક્સ ફોરવર્ડ કરતા રહે છે.

*** 

રીલ્સ રંગીલાઓ :
પોતાની જાતને ‘કન્ટેન્ટ ક્રિએટર’ ગણાવતા આ નકલચીઓ મોબાઈલમાં કંઈપણ નવું આવે તેની કોપી મારીને નવી રીલ્સ બનાવી નાંખવામાં ચેમ્પિયનો છે.

*** 

રીલ્સ રવાડીઓ :
આ નવરા-નવરીઓ રોજના ત્રણ-ત્રણ કલાક માત્ર રીલ્સને સ્ક્રોલ કરીને દેશના જીડીપીમાં બહુમુલ્ય ફાળો આપે છે !

*** 

યુ-ટ્યુબ યોધ્ધાઓ :
આ બધા વચ્ચે અમુક એવા યોધ્ધાઓ છે જેમના કંટાળાજનક વિડીયોને સાત, સત્તર કે એકસો સત્તરથી વધારે વ્યુઝ મળતા જ નથી, છતાં ઝઝૂમ્યા કરે છે ! લગે રહો… લગે રહો…

***

- મન્નુ શેખચલ્લી

Comments