૧૯૮૯માં આવેલી ‘પુષ્પક’ જેવી ફિલ્મ, સેઈમ સ્ટોરી અને સેઈમ રીતે જો હોલીવૂડમાં બની હોત તો એને અડધો ડઝન ઓસ્કાર એવોર્ડ તો મળ્યા જ હોત. એટલું જ નહીં, આપણા જ દેશમાં વિદેશી ફિલ્મો વિશે લખનારા લેખકો એને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’નો ઇલ્કાબ આપીને આજની તારીખે પણ એની આરતી ઉતારતા હોત !
છતાં ભારતની પોતાની ફિલ્મોની માર્કેટિંગની ઓછી આવડત, પોતાનાં ઢોલ નહીં પીટવાની આદત અને ખાસ તો ‘દેશી’ ચીજ હોય તે કદી એટલી ‘મહાન’ હોઈ જ ના શકે એવી ગુલામી માનસિકતાને કારણે ‘પુષ્પક’ જેવી ફિલ્મને ઓસ્કાર તો છોડો, ભારતમાં જ તેની જેટલી કદર થવી જોઈતી હતી તે થઈ નહીં.
તમને થતું હશે કે ‘પુષ્પક’ને આટલી બધી ગ્રેટ ગણાવવાનું કારણ શું ? તો ગણવા માંડો…
પહેલી વાત તો એ કે સાયલન્ટ ફિલ્મ એટલે કે ડાયલોગ વિનાની ફિલ્મો જ્યારે અગાઉ બનતી હતી ત્યારે એમાં સ્ટોરી સમજાવવા માટે અને ખાસ તો પાત્રો ‘બોલતાં’ હોય ત્યારે ‘કવિ શું કહેવા માગે છે’ તેના માટે વચ્ચે વચ્ચે લખાણ લખેલાં ‘કાર્ડ’ નાખવા પડતાં હતાં. ખુદ મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લીનની ફિલ્મોમાં પણ આવાં ‘કાર્ડ’ વાપરવાં પડતાં હતાં.
પરંતુ પુરી ૧૩૧ મિનિટની આ સાયલન્ટ મુવીમાં ક્રેડિટ ટાઈટલ્સ સિવાય એક ‘અક્ષર’ પણ લખીને બતાડવાની જરૂર પડી નથી ! (યાદ રહે, ચાર્લી ચેપ્લીનની લાંબામાં લાંબી સાયલન્ટ ફિલ્મ ‘ધ કીડ’ બાવન મિનિટની હતી.)
બીજી બાજુ ૧૯૭૬માં આવેલી હોલીવૂડની ‘સાયલન્ટ મુવી’ માત્ર ૮૭ મિનિટની હોવા છતાં એમાં દર ત્રીજી-ચોથી મિનિટે ‘કવિ શું કહેવા માગે છે’ તે જણાવવા માટે કાર્ડ્ઝ આવતા હતાં. મતલબ કે એ સાયલન્ટ મૂવી 'અંગ્રેજીમાં' હતી !
આ બાજુ ‘પુષ્પક’ની માસ્ટરી ક્યાં હતી ? તો તમે આજે પણ જુઓ તો સમજાશે કે ફિલ્મનાં તમામ દૃશ્યો જ એવાં છે જ્યાં ‘સંવાદ બોલવાની’ જ જરૂર નથી !
૧૩૧ મિનિટની આખેઆખી ફિલ્મનાં તમામ દૃશ્યો ‘આવાં’ રાખીને એક મજેદાર, હળવી છતાં સંવેદનશીલ સ્ટોરી કહેવી એ કંઈ જેવી તેવી સિધ્ધિ ના કહેવાય ?
ફિલ્મનું એક માત્ર દૃશ્ય, જ્યાં ખૂની ટીનુ આનંદ પોતે ખૂન કરવામાં નિષ્ફળ શા માટે ગયો, તે ‘બોલીને’ સમજાવી રહ્યો છે પરંતુ ડીરેક્ટર સંગીતમ શ્રીનિવાસે તે વખતે કેમેરો બારીના કાચની પાછળ રાખ્યો છે ! (જેથી સંવાદ સંભળાતો નથી, છતાં બારીની બહાર ઊભેલો કમલ હાસન, અને ફિલ્મ જોનાર પ્રેક્ષક આસાનીથી સમજી જાય છે કે ‘કવિ’ શું કહી રહ્યા છે.)
ફિલ્મની બીજી મહત્વની વાત એ હતી કે અહીં ‘કોમેડી’ હોવા છતાં સ્હેજપણ ‘લાઉડ’ કે સ્થુળ નથી. જુની સાયલન્ટ કોમેડીઓ ‘સ્લેપ-સ્ટિક’ મેથડથી બનતી હતી. મતલબ કે કોઈ પડે, કોઈ ગબડે, કોઈને માર પડે, કોઈના ચહેરા ઉપર કેક ચોપડાઈ જાય, ધમાચકડી, પકડાપકડી અને સરકસના જોકરો જે રીતે પ્રેક્ષકોને હસાવતા હોય એવી હરકતો તે વખતે અનિવાર્ય હતી.
અરે, ૧૯૭૬માં હોલીવૂડમાં બનેલી ‘સાયલન્ટ મુવી’ પણ આવી જ સ્થુળ ધમાચકડી કોમેડીથી ભરપર હતી, જ્યારે અહીં એક તો કમલ હાસનની ‘નેચરલ કોમેડી’ અને ટાઇમિંગની મઝા હતી અને ઉપરથી ડીરેક્ટર સંગીતમ શ્રીનિવાસનો એવો સ્પેશીયલ ટચ હતો કે આખી ફિલ્મમાં ક્યાંય એવું નથી લાગતું કે એ લોકો તમને જબરજસ્તીથી તમારી બગલમાં ઘૂસીને ‘ગલગલિયાં’ કરાવી રહ્યા છે.
બેશક, ફિલ્મમાં ખડખડાટ હસાવે એવાં દૃશ્યો પણ હતાં જ. જેમકે પેલું બસ-સ્ટોપવાળું દૃશ્ય, જ્યાં કમલ હાસન પેલા કીડનેપ કરેલા સમીર ખખ્ખરનો મળ ભરેલું બોક્સ પરફ્યુમ છાંટીને તે સ્ટોપ પર છોડી ગયો છે, તેને એક અજાણ્યો માણસ કોઈ સુગંધીદાર ગિફ્ટ સમજીને ઘરે લઈ તો જાય છે, પણ બીજા દિવસે એવું જ બોક્સ જોતાંની સાથે તેને જે રીતે ઉબકા આવવા લાગે છે !
આમ છતાં ‘પુષ્પક’ એક અલગ જ લેવલની ઉમદા ફિલ્મ શા માટે છે ? તો એ છે ફિલ્મમાં ઠેરઠેર મુકાયેલાં અદ્ભુત છતાં સાવ સરળ રીતે ‘મેસેજો’ આપતાં દૃશ્યો. યાદ કરો પેલા બ્રિજ ઉપર બેઠેલા ભિખારીને, કમલ હાસન બિચારો પોતાના ખિસ્સામાં બચેલો છેલ્લો રૂપિયાનો સિક્કો ઉછાળીને પોતાની મજબૂરી દેખાડે છે ત્યારે પેલો ભિખારી પોતાના શર્ટની બાંયમાંથી, ખિસ્સામાંથી અને છેલ્લે ભોંય પર પાથરેલા કંતાન નીચેથી દસ-વીસ રૂપિયાની નોટો બતાડીને રીતસર પોતાની ‘અમીરી’નું પ્રદર્શન કરીને કમલ હાસનની મજાક ઉડાડે છે.
પરંતુ એ જ ‘અમીર ભિખારી’ જ્યારે ત્યાં જ મરી ગયો છે ત્યારે તેની લાશ ઉપાડ્યા પછી પોલીસ પેલું કંતાન ખંખેરે છે અને નીચેથી જે સેંકડો રૂપિયા હવામાં ઉડતા બતાડ્યા છે….આહાહા…
એ જ તો આખી ફિલ્મનો સેન્ટ્રલ મેસેજ છે કે ‘પૈસો આખરે છે શું ?’ કેમકે અતિશય ધનવાન સમીર ખખ્ખર પણ ‘સુખી’ નથી…
અથવા યાદ કરો પેલો ફાઈવ સ્ટાર હોટલની રૂમનો સીન, જ્યાં ભૂખ્યો કમલ હાસન બબ્બે ડઝન ચોકલેટોથી ભરેલી ટ્રે જોવામાં એટલો બધો લલચાઈ જાય છે કે એકપણ ચોકલેટ સરખી રીતે ખાઈ શકતો નથી ! મેસેજ સરલ છતાં સટીક હતો કે આ ‘ઓવરચોઈસ’ની દુનિયામાં માણસ છેવટે તો ભૂખ્યો જ રહી જાય છે. (આજે મોબાઈલના કારણે એ જ હાલત છે ને ! બબ્બે કલાક સુધી સ્ક્રોલિંગ કર્યા પછી પણ કશું ઠોસ મળતું જ નથી.)
પણ ડીરેક્ટરની ખૂબી જુઓ, ફિલ્મમાં ગરીબીમાં પણ ઓવરચોઈસ બતાડ્યો છે ! કલમ હાસન સવારની હાજતે જવા માટે ત્રણ ટોઈલેટની લાઈનમાં ઊભો છે. દરેક વખતે પોતે જે લાઈનમાં જાય છે તેના સિવાયનું જ ટોઇલેટ ખાલી થાય છે ! પણ છેલ્લે ત્રણે ત્રણ ટોઇલેટો ખાલી થઈ જાય છે ! ત્યારે કમલ એમાંથી ‘ઓછું ગંદુ’ ટોઈલેટ પસંદ કરવા માટે ત્રણેમાં ડોકીયાં કરે છે !
ફિલ્મમાં ઠેર ઠેર આ પ્રકારની ‘બ્લેક કોમેડી’ના ચમકારા છે, જેમકે, કમલ હાસનને પેલી મોંઘી એરકન્ડીશન્ડ હોટલના રૂમમાં ઊંઘ નથી આવતી એટલે તે પાછો પોતાની ખોલીમાં જઈને બાજુના ખખડધજ સી ગ્રેડ ફિલ્મ થિયેટરનો ઘોંઘાટ ‘રેકોર્ડ’ કરીને પાછો આવે છે !
ફિલ્મમાં ‘યુનિવર્સલ અપીલ’ કહેવાય એ બધું જ હતું. એક બેરોજગાર યુવાન, એક સુંદર લવ-સ્ટોરી, એક મર્ડર પ્લાન, સાથે સાથે મજેદાર હળવી કોમેડી અને મેસેજ તો ખરો જ.
‘પુષ્પક’ની સૌથી મહત્વની ખાસિયત એ હતી કે અહીં કંઈપણ સમજાવવા માટે કોઈપણ ‘ભાષા’ની જરૂર જ નથી. છતાં ન તો આપણે એને એક ઇન્ટરનેશનલ લેવલે રીલિઝ ના કરી શક્યા, કે ન તો ભારતના ચાંપલા ફિલ્મ વિવેચકો એની પુરતી કદર કરી શક્યા.
આજે પણ આ ફિલ્મ ‘વાયરલ કલ્ટ’ બની શકે છે. ખેર, જો ફિલ્મની કોમેડીને વધારે એન્જોય કરવી હોય તો યુ-ટ્યુબમાં અમુક દૃશ્યો ૧.૨૫ની સ્પીડે જોજો. ખરેખર મજો મજો થઈ જશે…
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* ‘પુષ્પક’ને શ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
* ટીનુ આનંદવાળો સુપારી કિલરનો રોલ અગાઉ અમરીશ પુરીને ઓફર થયો હતો પરંતુ ટીનુ આનંદે એમાં પોતાનો સ્પેશીયલ કોમિક ટચ ઉમેરીને રોલને વધુ મજેદાર બનાવ્યો હતો.
* ૨૦૧૧માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ ‘ધ આર્ટિસ્ટ’ પણ સાયલન્ટ મુવી હતી. જે કોમેડી નહીં પણ અતિશય નાટકીય પ્રકારની કરુણ લવસ્ટોરી હતી. સ્ટોરીને સમજાવવા માટે વારંવાર ‘કાર્ડઝ’ આવતાં હતાં. છતાં ફિલ્મને પાંચ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા ! બોલો.
* ૩૫ લાખમાં બનેલી ‘પુષ્પકે’ ભારતમાં ૧ કરોડની કમાણી કરી હતી.
***
-મન્નુ શેખચલ્લી
Aapde bhartiyo koi ni kadar karva ma sav kanjoos chiye bahar nu bakwas koi vakhane to sari lage pan aapsi mahanta taken for granted
ReplyDeleteઆ આર્ટિકલ બદલ હું, નવનીત ચૌહાણ, એક અદનો ઇન્સાન, મન્નુ શેખચલ્લી તેઓશ્રીના આ અદ્ભુદ આર્ટિકલ બદલ બ્લોગના તમામ વાચકો વતી "ઓસ્કાર એવોર્ડ" જાહેર કરું છું!
Deleteસાવ સાચી વાત છે.
ReplyDeleteબાપુ,ક્યાં ખાંખાંખોળા કરીને અદ્ભૂત પિક્ચરનું ચિરફાડ કરતાં કરતાં એની અવહેલનાનું સટિક આલેખન દ્વારા વર્ષોથી મગજને તરબતર કરી ગયેલી ફિલ્મ ફરી જોવી પડશે,એ રીતનું મન ટટોરી આપ્યું. આ ભા ર ...
ReplyDeleteધન્યવાદ સુમંત ભાઈ !
DeleteThis comment has been removed by the author.
ReplyDelete