ટ્રમ્પ તેરા ક્યા 'કહેના' !

‘બાર ગાઉએ બોલી બદલાય’ એ કહેવત જુની થઈ ગઈ. હવે નવી કહેવત છે ‘બાર કલાકે ટ્રમ્પની બોલી બદલાય !’ લો, સાંભળો…

*** 

‘તમે ઇરાન ઉપર આક્રમણ શા માટે કર્યું ?’

‘ઇરાન ન્યુક્લિયર હથિયારો બનાવે છે ! અમે દુનિયાને બચાવીશું!’

‘પણ તમે તો સુપ્રીમ લીડરને જ મારી નાંખ્યો !’

‘કારણ કે અમારે સત્તા પરિવર્તન જોઈએ છે !’

‘પણ એમણે તો ખોમનેઈના દિકરાને જ બેસાડી દીધો !’

‘અમે ઇરાનની પ્રજાને તાનાશાહીથી છોડાવીશું !’

‘પણ ઇરાનની પ્રજા તો ખોમનેઈની હત્યાથી તમારી વિરુદ્ધ થઈ ગઈ છે.’

‘અમે ઇરાનની પ્રજાને લોકશાહી અપાવીશું ! આઝાદી અપાવીશું!’

‘પણ ઇરાને તો આરબ દેશોના તેલના ભંડારો પર હૂમલા કરી નાંખ્યા !’

‘અમે આરબ દેશોને ન્યાય અપાવવા માટે યુદ્ધ કરી રહ્યા છીએ !’

‘પણ આમાં તો તેલના ભાવ વધી ગયા !’

‘હાહાહા… હું ઇરાનનું તેલ કબજે કરી લઈશ ! વેનેઝુએલા તો મારા ખિસ્સામાં જ છે ! હું મારા અમેરિકાને ધનવાન બનાવી દઈશ !!’

‘પણ ઇરાને તો હોર્મુઝની ખઆડીમાં બૂચ મારી દીધો ! દુનિયા પરેશાન છે.’

‘દુનિયાને હું જ બચાવીશ ! ઇરાનને ખેદાન મેદાન કરી નાંખીશ !’

‘પણ ઇરાન મચક નથી આપી રહ્યું…’

‘તો શું થયું ? હું ઇરાનને ચોવીસ કલાકમાં ખતમ કરી નાંખીશ !’

‘ઇરાને તમારાં વિમાનો તોડી પાડ્યાં. તમારા પાઈલોટને બચાવનારી ટુકડીનાં વિમાનો, હેલિકોપ્ટરોનો ભુક્કો બોલાવી દીધો !’

‘ઇરાન જો હોર્મુઝની ખાડી નહીં ખોલે તો એની આખી સભ્યતાનો નાશ કરી નાંખીશ ! મંગળવારની રાતે…’

‘પણ બુધવારની સવારે તો તમે યુદ્ધવિરામ કરી લીધો !’

‘હા, કેમકે હોર્મુઝની ખાડી ખોલાવવી જરૂરી હતી… દુનિયા માટે!’

‘ઓ હલો, એ તો યુદ્ધ પહેલાં પણ ખુલ્લી જ હતી ?!’

‘હા, પણ હવે દુનિયાએ મારો જ આભાર માનવો પડશે.’

‘કઈ રીતે ?’

‘નોબેલ પુરસ્કાર આપીને !’

‘યાને કે આ આખું યુદ્ધ નોબેલ માટે હતું ?’

‘યસ્સ ! તમે છેક હવે સમજ્યા !’

***

- મન્નુ શેખચલ્લી

Comments