યુદ્ધ ક્યારે પુરું થશે ?... ગેસનો બાટલો ફરી સસ્તો થશે ખરો ?.... પશ્ચિમ બંગાળમાં મમતા આવશે કે ભાજપ ?... અરે, ટ્રમ્પને કેમ કોઈ સમજાવતું નથી ? ….
આવા અઘરા સવાલોની વચ્ચે અમને તો ઘણીવાર સાવ સિમ્પલ અને ભોળા સવાલો થાય છે. જેમકે…
***
જો ઊંઘ લાવવા માટે ગોળી બનાવી શકાય છે તો ઊંઘમાંથી જાગવાની ગોળી કેમ નથી હોતી ?
***
જો હાર્ટમાં બ્લોક થયેલ નસને ‘બાય-પાસ’ કરી શકાય છે તો દિમાગમાં પડી ગયેલી બાયસની ગ્રંથિને ‘બાય-પાસ’ કરવાનું ઓપરેશન કેમ નથી હોતું ?
***
જો ગુરુત્વાકર્ષણની શોધ પહેલાં ગુરુત્વાકર્ષણ હતું જ, તો શૂન્યની શોધ પહેલાં શૂન્ય ક્યાં હતું ?
***
જો મર્યા પછી કોઈ પાછું જ નથી આવતું તો દુનિયાને ખબર શી રીતે પડી કે એક સ્વર્ગ હોય છે અને એક નર્ક પણ હોય છે ?
***
જો ફેવિ-ક્વીક બધી વસ્તુઓને ચોંટાડી શકે છે તો તે જે ટ્યુબમાં આવે છે એમાં જ કેમ નથી ચોંટી જતું ?
***
‘જો જળ જીવન છે’…તો માણસ પાણીમાં ડૂબીને ‘મરી’ કેમ જાય છે ?
***
પત્ની જો ઘરની લક્ષ્મી છે તો એ રોજેરોજ પૈસા કેમ માંગ્યા કરે છે ?
***
જો હલવો બનાવતાં બનાવતાં દાઝી જાય તો એને ‘જલવો’ કહેવાય કે નહીં ?
***
જો ‘પેટ’ એ શરીરનો ભાગ છે અને ‘લાદ’ એ ઘોડાના શરીરમાંથી નીકળતી ચીજ છે.. તો યાર, ‘પેટલાદ’ શહેરનું નામ ‘પેટ-લાદ’ શી રીતે પડ્યું હશે ?
***
બાકી, કોઈ ગામને કોની ‘યાદ’ એટલી બધી ‘નડી’ હશે કે ગામનું નામ જ ‘નડીયાદ’ પડી ગયું ?
***
અને જામનગરમાં ‘જામ’ મળી જાય, ભાવનગરમાં તમને ‘ભાવ’ મળી જાય, પણ ગાંધીનગરમાં કોઈને ‘ગાંધી’ મળી જાય એવું કેમ બનતું નથી ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment