સૌથી પહેલાં તો અફસોસ સાથે એ વાત કબૂલ કરવી પડે કે આજકાલની ફિલ્મોમાંથી ‘બહેન’ના રોલ જ નીકળી ગયા છે ! જાણે કે દુનિયાની તમામ છોકરીઓ ‘ગર્લફ્રેન્ડ’ થવા માટે જ સર્જાઈ હોય !
બાકી, જુના જમાનામાં જે ‘બહેન’નાં ગાયનો આવતા હતા એમા પણ જરા ‘ડીપ’માં ઉતરો તો થોડા ‘લોચા’ હતા ! જુઓ..
***
‘ભૈયા રાજા બજાયેગા બાજા, મેરી પ્યારી બહેનિયાં બનેગી દુલ્હનિયાં, સજ કે આયેંગે દુલ્હે રાજા…’
તમે જુઓ, ગાયનના શબ્દો તો ભવિષ્યકાળમાં લખાયેલા છે પરંતુ ફિલ્મમાં રાજેશ ખન્ના પોતાની બહેનના લગ્નમાં જ, એટલે કે વર્તમાનકાળમાં જ આ ગાયન ગાતો બતાડ્યો છે !
એ હિસાબે ગીતના શબ્દો ‘મેરી પ્યારી બહનિયાં બની હૈ દુલ્હનિયાં…’ એવા ના હોવા જોઈએ ?
***
બીજું એક ગાયન છે ‘મેરે ભૈયા, મેરે ચંદા, મેરે અનમોલ રતન… તેરે બદલે મેં જમાને કી કોઈ ચીજ ના લું…’
આમાં ‘તેરે બદલે’ એટલે વળી શું ? બેન, તેં તારા ભાઈને ‘બાર્ટર સિસ્ટમ’માં વેચવા કાઢ્યો છે ? અથવા બીજી રીતે કહીએ તો મારી બેન, જેને તું ‘અનમોલ રતન’ માને છે, એને તે સોનીની દુકાને મોકલીને કદી એ પૂછાવી જોયું છે કે ‘આ પથરાની શું કિંમત ઉપજે એમ લાગે છે ?’
***
ત્રીજું એક સોંગ તો ખરેખર ‘સેડ સોંગ’ છે ! ‘હમ બહનોં કે લિયે મેરે ભૈયા, આતા હૈ એક દિન સાલ મેં…’
આ તો આજે પણ કડવી સચ્ચાઈ છે કે વરસમાં એક જ દિવસ માટે બહેનની કંઇ કિંમત થાય છે ! એમાંય ભાઈ ૨૦૦-૫૦૦ રૂપિયા રોકડા આપીને છટકી જાય છે !
***
બાકી, બીજું એક ગાયન તો બહુ લોચાવાળું છે : ‘ફૂલોં કા તારોં કા સબ કા કહના હૈ…’ એમાં આગળ કહે છે કે ‘સારી ઉમર હમેં સંગ રહના હૈ !’
લો બોલો ! આ ભાઈનો આખરે વિચાર શું છે ? બેનનાં લગ્ન કરાવવાના જ નથી ? સાથે જ રહેવાનું છે ? એ પણ ‘સારી ઉંમર’?
***
અને એક મિનિટ, પેલા ‘બનેવી’નું શું ? યાર, જુની ફિલ્મોમાં બનેવી માટે કેમ એક પણ ગાયન નહોતું ?
કમ સે કમ એકાદ ગાયન તો રાખવું હતું કે ‘ઘર આયા મેરા બહનોઈ, મૈં ને બજાઈ શહનાઈ-ઈ-ઈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment