આપણા દેશની અમુક એવી એવી ઘટનાઓ બને છે જે દુનિયાના બીજા કોઈ દેશમાં કલ્પી પણ ન શકાય…! જુઓ.
***
માત્ર ભારતમાં જ એવું બને…
કે સંસદમાં મોંઘવારી, બેરોજગારી કે સતત ગબડી રહેલા રૂપિયાને બદલે ‘વંદે માતરમ્’ની ચર્ચા કરવા માટે આખો દિવસ ફાળવવામાં આવે !
***
એ તો ઠીક, માત્ર ભારતમાં જ એવું બને…
કે ‘વંદે માતરમ્’ના જોરશોરથી ગુણગાન ગાનારોમાંથી ભાગ્યે જ કોઈને આખું ‘વંદે માતરમ્’ આવડતું હોય !
***
માત્ર ભારતમાં જ એવું બને…
‘બાબરી’ મસ્જિદનો પાયો ‘હુમાયુ’ નાંખે ! જે પોતાના નામની પાછળ ‘કબીર’ લખાવતો હોય !
***
અને માત્ર ભારતમાં જ એવું બને…
કે હજી મંદિર પુરું બંધાઈ પણ ન રહ્યું હોય ત્યાં તો એની ભવ્ય ‘પ્રાણ પ્રતિષ્ઠા’ કરી દેવામાં આવે !
***
માત્ર ભારતમાં જ એવું બને…
કે કોઈ ટેકનિકલ કારણોસર નહીં, કોમ્પ્યુટરોની ગરબડને કારણે નહીં પરંતુ ‘નિયમોનું પાલન’ કરવા જતાં પાંચ દિવસમાં ૨૧૦૦ ફ્લાઈટો કેન્સલ કરવી પડે !
***
માત્ર ભારતમાં જ એવું બને…
કે ૪૨ કરોડમાં એક પુલ બને, પાંચ વરસ પછી એે તોડી પાડવા માટે ૫૩ કરોડનું ટેન્ડર નીકળે… છતાં એક પણ દિવસ માટે એ પુલ વપરાયો જ ના હોય ! બોલો.
***
માત્ર ભારતમાં જ એવું બને…
તમે એ ફિલ્મ જોઈ હોય કે ના જોઈ હોય, પરંતુ જો તમે એનાં વખાણ કરો તો ‘દેશપ્રેમી’ કહેવાઓ અને જો ટીકા કરો તો તમે ‘દેશદ્રોહી’ ગણાઈ જાવ !
***
અને મારા સાહેબો,
આખી દુનિયામાં માત્ર ભારતમાં જ એવું બન્યું છે…
કે કોરોનાને હરાવવા માટે ટોળેટોળાં ભેગાં થઈને સૂત્રો પોકારતાં હતાં… ‘ગો કોરોના ગો !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment