સોશિયલ મીડિયાની નવી દુર્ઘટનાઓ !

આપણે ત્યાં હજી તો સોશિયલ મિડીયાની એવી જ દુર્ઘટનાઓ સાંભળી છે કે ‘સેલ્ફી લેવા જતાં યુવતી કેનાલમાં પડીને તણાઈ ગઈ’ અથવા ‘ફેસબુક વડે પ્રેમજાળમાં ફસાવીને યુવતી ૨૦ લાખનું કરી ગઈ…’ વગેરે.

પરંતુ આગળ જતાં જમાનો એવો આવવાનો છે કે તમને આવી વિચિત્ર દુર્ઘટનાના ન્યુઝ જાણવા મળશે…

*** 

૯૦ વરસનાં અમેરિકન વૃધ્ધાને ગુલાંટો મારતાં જોઈને રાજકોટનાં ૭૦ વરસનાં ડોશી તેની નકલ કરવા જતાં ડ્રોઈંગરૂમમાં પડ્યાં… ચાર હાડકામાં ફ્રેકચર !

*** 

યુ-ટ્યુબમાં જોઈને અઘરું યોગાસન કરવા જતાં મહેસાણાના યુવકના હાથ-પગ થઈ ગયા લૉક ! બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડને આંટી ખોલવામાં મળી સફળતા…

*** 

ઓનલાઈન તીન પત્તી રમતાં લેવડ-દેવડની રકમ બાબતે ઝગડો થતાં ત્રણ યુવાનોએ ઓનલાઈન ‘વૉર-ગેમ’ વડે  એકબીજાને ઓનલાઈન ઠાર મારીને ઝગડાની પતવટ કરી… હાલમાં ત્રણે યુવાનો સલામત !

*** 

ઇન્સ્ટાગ્રામ પર બતાડેલી મેથડ વડે આત્મહત્યાનો પ્રયાસ કરવા છતાં જીવતી રહી ગયેલી દિલ્હીની એક યુવતીએ ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર પર કર્યો બે કરોડ રૂપિયાના વળતરનો દાવો… તપાસ કરતાં ઇન્ફ્લુએન્સર પોતે ‘એઆઈ’ સર્જિત પાત્ર નીકળ્યું!

*** 

મૃત વ્યક્તિનો એઆઈ વડે બનાવેલો વિડીયો વાયરલ થતાં તે વ્યક્તિના ઘરે બે ડઝન લેણદારોનો ઘેરાવ… ડેથ સર્ટિફીકેટ બતાડ્યા છતાં માનવાનો ઇન્કાર…

*** 

મુંબઈમાં પાંચ વરસના બાબાએ ઓનલાઈન ગેમમાં પોતાના પપ્પા પાસેથી ૨૦ લાખ રૂપિયા જીતી લીધા બાદ બાબાની સ્કુલ ફી ભરવા માટે પપ્પાએ બેન્કમાંથી માગી લોન…

*** 

ભારતમાં વતનની મુલાકાતે આવેલા કેનેડાના ૮૬ વરસના એનઆરઆઈની અંતિમવિધિ. બેસણું તથા વસિયતનામું વાંચવાના ઓનલાઈન વિડીયો બતાડીને કરમસદમાં આવેલી ૩૨ કરોડની મિલકતો પચાવી પાડ્યા બાદ તે એનઆરઆઈ બેભાન અવસ્થામાં બોરસદથી મળી આવ્યા… બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments