થ્રી ઈડિયટ્સ પાર્ટ ટુમાં શું ?

છેક ૨૦૦૯મા આવેલી ફિલ્મ ‘થ્રી-ઇડિયટ્સ’ની હવે ૧૭ વરસ પછી (૨૦૨૬માં રીલીઝ થાય તો) સિકવલ આવવાની છે ! કહે છે કે એકટરો એ જ હશે. તો જસ્ટ વિચારો, એ પાત્રોની શું હાલત હશે ?

*** 

બિચારો ફરહાન (આર. માધવન) દિલ્હીના લાલ કિલ્લાની બહાર જુનો ધમણવાળો એન્ટિક કેમેરો લઈને ફોરેનના ઘેલસઘરા ટુરિસ્ટોના ફોટા પાડી આપતો હશે ! અને રીલ બનાવનારાઓ પાસે ૫૦૦-૫૦૦ રૂપિયાનો ચાર્જ લેતા હશે !

કેમ ? કારણ કે વાઇલ્ડ લાઈફ  ફોટોગ્રાફીમાં તો હવે એઆઈ વડે હરણ અને વાઘ કોફીના તળવામાંથી જોડે જોડે ચૂસ્કીઓ લેતા હોય એવાં રીલ્સ બનતાં થઈ ગયાં છે !

બીજી બાજુ મેરેજની વિડીયોગ્રાફી પણ હવે તો આઈફોન વડે કોઈપણ લલ્લુપંજુ કરી શકે છે ! આમાં બિચારો ફરહાન ક્યાંથી ટકી શકે ?

*** 

પેલી બાજુ રાજુ રસ્તોગી (શરમન જોશી) હજી હમણાં જ માંડ માંડે બે કેસમાંથી છૂટ્યો છે. એક હતો આત્મહત્યાનો કેસ અને બીજો પેલી એન્જિનિયરીંગ કોલેજમાં એક્ઝામનું પેપર ફોડવાનો કેસ !

હજી તો સજા ભોગવીને ઘરે આવે છે ત્યાં એની પત્ની કહે છે ‘કાલે આપણે બાબાની સ્કૂલમાં જવું પડશે, કેમકે આપણો ટેણિયો છેલ્લા છ મહિનાથી સ્કુલનું હોમવર્ક ચેટજીપીટીમાંથી કોપી કરીને સબમિટ કરતો હતો !’

*** 

અને રેન્ચો ? યાને કે રણછોડદાસ ચાંચડ ? (આમિરખાન) એની તો બરાબરની વાટ લાગી ગઈ છે...

એ ફિન્શુક વાંગડુના નામે જે સ્કૂલ ચલાવતો હતો એની ઉપર તો બુલડોઝર ફરી ગયું હતું ! કેમકે, એક તો વાંગડુ પાસે જે ડીગ્રી હતી એ તો રણછોડદાસ ચાંચડના બોગસ નામે હતી ! અને બીજું, એ પોતાની સ્કૂલમાં ‘ઇતિહાસના પાઠ્યપુસ્તકો’ ભણાવતો જ નહોતો !

હવે કરીના કપૂરે (પિયા) પોતાના બાબાને જે મોંઘીદાટ ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં જીદ કરીને મુકાવ્યો છે એની દસ લાખ રૂપિયાની ફી ચૂકવવા માટે આપણો રેન્ચો બીજા સ્ટુડન્ટોના સ્કુલના ‘સાયન્સ પ્રોજેક્ટો’ પાંચ-પાંચ હજારમાં બનાવી આપે છે !

(પણ હા, પેલો ‘ચતૂર’ જે અમેરિકામાં ડોલર છાપતો હતોને, એણે ભારતમાં એક એઆઈ કંપની માટે લાખો ડોલરનું રોકાણ કરવાનું વચન આપીને મોદી સાહેબ જોડે ફોટા પડાવી લીધા છે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments