‘લો, આ જુઓ !’ અમે રણઝણસિંહ સામે છાપું પછાડતાં બળાપો કાઢ્યો : ‘હવે મનરેગા યોજનામાંથી ગાંધીજીનું નામ જ કાઢી નાંખ્યું !’
‘અલ્યા ગાન્ડા… મનરેગામાં ગાંધીજીનું નામ હતું ઈ પણ અડધો અડધ કોંગ્રેસીઓને આજે યાદ આઈવું હશે ! કેમકે ઈ જીભે નો ચડે એવા વાંકાચૂકા નામમાં જ્યાં અંગ્રેજીનો ‘જી’ હતો ઈ તો બોલવામાંય ક્યાં હતો ?’
અમે જરા ગૂંચવાયા. ‘ના, પણ શશી થરૂર કહે છે કે નવી યોજનાના નામમાં જબરદસ્તીથી હિન્દી શબ્દો ઘૂસાડવામાં આવ્યા છે.’
‘અચ્છા ?’ રણઝણસિંહ હસ્યા. ‘મન્નુડા ઈ ક્યે, કે ભારતમાં કિયા કિયા રાજ્યની ઓફિશીયલ ભાષા અંગ્રેજી છે ?’
‘અંગ્રેજી ? ઓફિશીયલ ભાષા ?’
‘ગોવાની યે નથી ! છતાં જો, મનરેગામાં નેશનલ, રૂરલ, એમ્પલોયમેન્ટ, ગેરન્ટી અને એક્ટ એમ પાંચ પાંચ શબ્દો અંગ્રેજીમાં હતા કે નંઈ ? ઈ ટાણે અંગ્રેજી થોપવામાં આવી છે એવું કેમ નો લાગ્યું શશી થરૂરને ?’
‘ચાલો છોડો, શશી થરૂર તો સવાયા અંગ્રેજ છે.’
‘ના, દોઢા અંગ્રેજ છે ! તને ખબર છે, મનરેગાનાં કાર્ડ પણ અંગ્રેજીમાં જ બનતાં હતાં ? બિચારા અભણ કે અર્ધ-શિક્ષિત ગામડાના મજૂરને પોતાના ફોટા સિવાય એમાં કાંઈ હમજાય એવું હતું જ નંઈ ! એમાં ને એમાં લાખો નકલી મનરેગા કાર્ડ બનતાં રહ્યાં…’
અમે ગમ ખાઈ ગયા. છતાં મુખ્ય મુદ્દો તો કાઢીને જ રહ્યા. ‘જુઓ, ભાજપ સરકાર, જ્યાં ને ત્યાં રામનું નામ ઘૂસાડે છે.’
‘અલ્યા મન્નુડા ! ઈ જ તો ભાજપ સરકારનો માસ્ટર સ્ટ્રોક છે !’
‘ભૈશાબ, આમાંય માસ્ટર સ્ટ્રોક ?’
‘હાસ્તો ! જો સાંભળ…’ રણઝણસિંહ બોલ્યા : ‘આવા નામને કારણે તામિલનાડુ, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ જેવાં બિન-ભાજપી રાજ્યો આ યોજના એમનાં રાજ્યમાં લાવશે જ નહીં ! અને જો યોજના જ ના લાવે તો ભાજપને ફાવતું મળી જાય કે… જુઓ, જુઓ, આ લોકો હિન્દુવિરોધી છે ! રામવિરોધી છે !’
‘હદ થઈ ગઈ ! અહીં પણ નામનો જ ખેલ છે ?’
‘આખો ખેલ જ નામનો છે ગાન્ડા ! બાકી કામની વાત કરું તો…’
રણઝણસિંહ નજીક આવીને ધીમા અવાજે બોલ્યા :
‘ઓલ્યા બચુ ખાબડના દીકરાઓ કાંઈપણ કામ કર્યા વિના પંચમહાલમાંથી મનરેગાના ૪૭ કરોડ રૂપિયા ઓળવી ગ્યા કે નંઈ?’
અમે ‘નામ’ અને ‘કામ’માં અટવતા રહ્યા અને રણઝણસિંહ મંદમંદ ભેદી સ્મિત કરતા રહ્યા…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment