આજકાલ તો રિયલ ન્યુઝ પણ ફેક ન્યુઝ જેવા આવી રહ્યા છે ! જુઓને…
શું તમે દસ દિવસ પહેલાં કલ્પના પણ કરેલી કે માત્ર ચાર દિવસમાં એક જ એરલાઇન્સની ૨૧૦૦ ફ્લાઈટ કેન્સલ થઈ જાય ? એ પણ ‘નિયમોનું પાલન’ કરવાથી ?
એ જ રીતે એક રિયલ ન્યુઝ એવા છે કે પશ્ચિમ બંગાળમાં એક નેતાએ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો ‘શીલારોપણ વિધિ’ કરી નાંખ્યો ! હવે મને કહો, આ ‘શીલારોપણ વિધિ’ કયા ધર્મમાં થાય છે ?
એટલે જ, આજે એવા નિર્દોષ અને મનોરંજક ફેક ન્યુઝ માણો… જે થોડા ‘નોર્મલ’ પણ લાગે ?
***
ઇન્ડિગો એરલાઇન્સની અંધાધૂધી વચ્ચે એક સુખદ સમાચાર આવી રહ્યા છે…
સુખ આપે તેવા સમાચાર એમ છે કે છેક મનાલી ફરવા ગયેલા ૨૨ જેટલા ગુજરાતી પર્યટકોના એક જુથને મનાલીથી ચંદીગઢ, ચંદીગઢથી દિલ્હી અને દિલ્હીથી આવવા માટેની તમામ ફ્લાઈટો સમયસર મળી ગઈ હતી !
એટલું જ નહીં, એમનો સામાન પણ સહી સલામત છે !
જોકે આ મુસાફરોમાંથી ૬૭ વરસનાં મણિકાકી નારાજ છે. એમનું કહેવું છે કે ‘અમીં લોકો આટલી બધી ધાંધલ ધમાલની વચ્ચે, છેક મનોંલીંથી ઓંય કણે અમદાવાદ લગીંન સ્હેજ્જેય મુસીબત વિનોં આયોં છ, છત્તોંય ચમ એક્કે મિડીયાવારા અમોંન લગીર પૂછવા ય નહીં આયા કે બુન, તમીં લોકોએ આ વર્લ્ડ રેકોડ ચમ કરીને બનાયો ?’
***
એક તરફ જ્યાં કોંગ્રેસી નેતાઓ દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરાવી રહ્યા છે અને બીજી તરફ જ્યાં પોલીસોના પરિવારો કોંગ્રેસી નેતાઓની ‘હાય હાય’ કરતાં રેલીઓ કાઢી રહ્યાં છે..
આ બધાની વચ્ચે ગુજરાતના મદ્યપાન રસિકો માટે એક ખુશખબર આવી રહ્યા છે, અંડરગ્રાઉન્ડથી…
હાલની સ્થિતિમાં પોતે અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા એક બૂટલેગરે ફોન દ્વારા આ ખુશખબર આવી છે કે ટુંક સમયમાં તેઓ ઝોમેટો અને ઝેપ્ટો જેવી ઝડપી હોમડીલીવરી દારૂની થાય તેવું એક એપ લોન્ચ કરી રહ્યા છે !
બૂટલેગરોનો દાવો છે કે આમાં દારૂના ભાવ રાજસ્થાનથી માત્ર ૧૦ ટકા જ વધારે હશે કેમકે એમાં ‘વચેટિયાઓ’ને કોઈ હપ્તા ચૂકવાશે નહીં !
વધુ સુખદાયક ફેકન્યુઝ માટે, તડપતા રહો… બીજું શું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment