યે તો (બોન્ડ કા) 'ફર્ઝ' થા !

૧૯૬૭માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘ફર્ઝ’ને ભારતની પહેલી ‘જેમ્સ બોન્ડ ટાઈપ’ મુવી ગણવામાં આવે છે ! 

કહેવાનો મતલબ એમ કે જ્યારે હોલીવૂડવાળા ઓલરેડી ડૉ.નો, ફ્રોમ રશિયા વિથ લવ, ગોલ્ડ ફીંગર અને થંડરબોલ જેવી ઇન્ટરનેશનલ લેવલની જાસૂસી અને રૂંવાડા ખડા કરી દે એવા હાઈ-ફાઈ સ્ટંટ બતાડી રહ્યા હતા ત્યારે ભારતમાં આપણા જિતુભાઈ (જિતેન્દ્ર) બબિતા સાથે ‘હમ તો તેરે આશિક હૈં’ ગાતાં ગાતાં વચ્ચે વચ્ચે ‘બોન્ડગિરી’ કરી રહ્યા હતા !

*** 

જોકે એવી સરખામણીઓ કરવાની જ ના હોય. કેમકે ફિલ્મોમાં સાઉન્ડ આવ્યો પછી હોલીવૂડે જે પહેલી ફિલ્મ ‘ધ જાઝ સિંગર’ (૧૯૨૭) બનાવી જેમાં માત્ર બે જ ગાયનો હતાં અને ફિલ્મની લંબાઈ માત્ર ૯૬ મિનિટની હતી. 

એની સામે ભારતમાં બનેલી બીજી જ બોલતી ફિલ્મ ‘ઇન્દ્રસભા’ પુરી ૨૧૧ મિનિટની (જી હા, ૩ કલાક અને ૩૧ મિનિટની) હતી ! એ તો ઠીક, એમાં ગાયનો કેટલાં હતાં ખબર છે ? પુરાં બોંત્તેર !!

કહેવાનો મતલબ એટલો જ કે ‘દેશી’ ફિલ્મને દેશી ચશ્માં વડે જ જોવાની હોય !

*** 

હવે ચશ્માંની વાત નીકળી છે તો ‘ફર્ઝ’ના સિનેમેટોગ્રાફર કમ દિગ્દર્શક રવિકાન્ત નગાઈચની વાત કરવી જ પડે. સાઉથ ઇન્ડસ્ટ્રીના આ સાહેબની ફિલ્મો જોતાં તમને જરૂર ભ્રમ થાય કે બોસ, આપણે કંઈ ભલતા જ ચશ્માં પહેરીને નથી બેઠા ને ?

કેમકે રવિ નગાઈચની ફિલ્મોમાં ભડકદાર ગુલાબી, ઘેરો જાંબુડી અને ઝેરી લીલા રંગની ઠેર ઠેર છોળો જ ઊડતી દેખાશે ! આ ‘ફર્ઝ’ ફિલ્મમાં તો વિલનના અંડરગ્રાઉન્ડ અડ્ડામાં ગુલાબી રંગ પથરાયેલો છે ! 

એ તો ઠીક, ધાબા ઉપર ચાલી રહેલી એક ફાઈટમાં ભડકદાર ગુલાબી પ્રકાશ છવાયો છે ! (સાલું, જેનું હજી બાંધકામ અધૂરું હોય એવા બિલ્ડીંગનો કયો કોન્ટ્રાક્ટર એટલો રોમેન્ટિક હશે કે છેક ધાબા ઉપર જાલિમ ગુલાબી કલરની લાઈટો મુકાવે !)

*** 

સાઉથના આ ભડકીલા લાઈટીંગ માટે તે સમયે ઇન્ડસ્ટ્રીમાં એક જોક ચાલતી હતી : ડિરેક્ટર કેમેરામેનને કહી રહ્યો છે કે ‘હિરોઈન કે ઉપર એક સાઈડ સે પિંક લાઈટ ડાલો, દૂસરી સાઈડ સે બ્લુ લાઈટ ડાલો, પીછે સે ગ્રીન લાઈટ લગાઓ ઔર… આગે સે બ્લેક લાઈટ લગા દો !’

*** 

નોંધવા જેવી વાત એ પણ છે કે ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું હતું અને ૧૯૬૫માં પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ ચૂક્યું હતું… છતાં ફિલ્મમાં માત્ર ‘દુશ્મન’ શબ્દ વપરાયો છે ! મજાની વાત એ પણ ખરી કે જેને ‘દુશ્મન’ તરીકે ચીતર્યા છે એ વિલનો પણ ભારતની ખૂફિયા એજન્સી માટે ‘દુશ્મન’ શબ્દ વાપરે છે ! બોલો.

*** 

‘ફર્ઝ’માં આપણી દેશી જાસૂસી એજન્સીની ગરીબી પણ જોવા જેવી છે… જે ‘ચીફ’ છે (ડેવીડ) તેની કેબિનમાં સામે બેસવા માટે બે નેતરની જાળીવાળી લોખંડની ખુરશીઓ છે ! ટેબલ પર એક જ કાળો લેન્ડલાઈન ફોન છે અને આખી ફિલ્મમાં ‘ચીફ’ સાહેબ એક જ કોટ પહેરીને ડ્યૂટી બજાવે છે !

*** 

બીજી એક ‘ગરીબી’ પણ મજેદાર છે. જ્યાં વિદેશી ફિલ્મોમાં ગુનેગારો ઉપર સર્વેલન્સ (ચાંપતી નજર) રાખવા માટે મસ્ત હાઈ-ફાઈ વાન રહેતી હતી એની સામે અહીં જિતેન્દ્ર અને મુકરી એક લાલ રંગનો ખટારો લઈને જાય છે ! અને તાડપત્રી ઊંચી કરીને ‘નજર’ રાખે છે !

*** 

એમ તો એક બે ‘અમીરી’ પણ બતાડી છે. દક્ષિણ ભારતમાં એક ડેમ ઉડાડવાની કોશિશ કરનારા લોકોના ફોટા એક એજન્ટ ઇમ્પોર્ટેડ કોડાક ‘ઇન્સ્ટન્ટ’ કેમેરા વડે પાડે છે ! (પણ પછી એનો ‘રોલ’ ડેવલપ કરવા માટે કેમ આપ્યો ? ભઈ, ઇન્ટસ્ટન્ટ કેમેરામાં તો તરત જ પ્રિન્ટ નીકળતી હતી.)

બીજી ‘અમીરી’ એ કે, ચેન્નાઈથી આ એજન્ટ દિલ્હી ફોન કરે તો ચીફ ડેવિડ કહે છે ‘ફૌરન યહાં આ જાઓ…’ ત્યારે આપણો દેશી એજન્ટ ટ્રેનમાં નહીં, બસમાં નહીં, વિમાનમાં નહીં, પણ કેડીલેક કાર લઈને ‘બાય રોડ’ નીકળી પડે છે ! (પેટ્રોલ સસ્તું હતું ને ?)

*** 

અચ્છા, એ સમયની ભારતીય ટેકનોલોજીને કમ ના સમજતા ! અહીં એક ગુન્ડાએ સળગાવી નાંખેલા ‘ગુપ્ત મેસેજ’ના કાગળની રાખ વીણી લેવામાં આવે છે, અને પછી એની ઉપર ખાસ કેમિકલ રેડવાથી એ રાખમાંથી કાગળ ‘બેઠો’ થાય છે !

*** 

એમ તો બિચારા ચાઇનિઝ વિલન પાસે પણ સાવ દેશી ટેકનોલોજી જ છે. આપણને રીતસર દેખાઈ આવે કે ચાંપ દબાવ્યા પછી જે દરવાજો ‘ઓટોમેટિક’ રીતે સરકી રહ્યો છે તે આઠ એમએમ પ્લાયવૂડનું પાટિયું જ છે ! અને તેને સેટની પાછળથી દોરી વડે બે જણા ખેંચતા લાગે છે !

*** 

એ જ રીતે એન્ડમાં ચીની વિલન જે વિમાન વડે ભાગી છૂટવાની કોશિશ કરી રહ્યો છે તે વિમાન, રીતસર દેખાય છે, કે આ તો કોઈ પ્રાયવેટ ‘ફ્લાઈટ ક્લબ’નું ટુ-સિટર પ્લેન છે, જેનું ઇંધણ એક કલાકથી વધારે ચાલતું જ નથી !

જોકે ફોટોગ્રાફી રવિ નગાઈચની છે એવું જાણ્યા પછી અમને આશા હતી કે વિલનોનાં મશીનોમાં કમ સે કમ બે ડઝન જુદા જુદા કલરની લાઈટો ઝબૂકતી તો જોવા મળશે ? પણ સોરી, એમાં અમે નિરાશ થયા.

*** 

જોકે નગાઈચ સાહેબે જેમ્સ બોન્ડનું દેશીકરણ કરવામાં ‘ઇન્ડિયન ટચ’ જરૂર જાળવી રાખ્યો છે. 

જેમકે જેમ્સ બોન્ડની મુવીમાં જ્યારે ‘ચીફ’ તેને યાદ કરે ત્યારે અચૂક તે કોઈ સુંદરી સાથે પથારીમાં પ્રેમક્રીડા કરતો દેખાશે… પરંતુ અહીં આપણા જિતુભાઈ ખુલ્લા મેદાનમાં અરુણા ઈરાની સાથે ‘મસ્ત બહારોં કા મૈં આશિક…’ ગાયન ગાતાં ગાતાં વચ્ચે ‘કુક-કુ ઉઉ !’ એવી ત્રાડ પાડીને હવામાં ફ્રીઝ થઈ જવાનું યોગાસન કરવાની પ્રેકટિસ કરતા બતાડ્યા છે !

એ જ રીતે, જેમ્સ બોન્ડને ફસાવવા અને ઝેર આપીને મારી નાંખવા માટે એકાદ સેક્સી વિષકન્યાને મોકલવાનો રીવાજ છે… તો અહીં એ કામ એક સાઈડ હિરોઈન દ્વારા માત્ર એક ડાન્સ સોંગથી પતાવી દેવાયું છે. (‘આ જા આ જા મેરે પાસ…’ ફિલ્મનું એક માત્ર ગાયન જે હિટ નહોતું થયું. બાકીનાં પાંચે પાંચ હિટ હતાં.)

અને જેમ્સ બોન્ડ મૂવીના અફર રીવાજ મુજબ, જ્યાં સુધી બોન્ડની પ્રેમિકા વિલનના હાથમાં ફસાઈ ના હોય ત્યાં લગી બોન્ડ વિલનને કશું જ કરતો નથી… એનો તો અહીં ડબલ-ડોઝ છે ! હિરોઈન બબિતા અને સાઈડ હિરોઈન (કંચના-સાઉથ) બબ્બે છોકરીઓને છોડાવવાની છે !

*** 

બાકી, આજે જો ફિલ્મને એન્જોય કરવી હોય તો એક જ રીત છે. ફિલ્મનાં ગાયનોનું વિડીયો આલ્બમ યુ-ટ્યુબમાં મસ્તીથી જોઈ લેવું.. અને ફિલ્મ વિશેનો આ લેખ ફરીથી વાંચી લેવો ! 

યે બતાના મેરા ‘ફર્ઝ’ થા..

***

ફિલ્મની જાણી અજાણી વાતો...

* ‘ફર્ઝ’ એ તેલુગુ ફિલ્મ ‘ગુડાચારી ૧૧૬’નો રિમેક છે. જેમાં હિરો ક્રિશ્ના અને હિરોઈન જયલલિતા હતી.

* આ ફિલ્મની જિતેન્દ્રની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતી. કહેવાય છે કે મુંબઈમાં બારમા સપ્તાહ પછી જ્યારે ‘ફર્ઝ’ થિયેટરોમાં ઢીલી પડતી લાગી ત્યારે ખુદ જિતેન્દ્રએ ગણત્રીપૂર્વકનું ‘ઇન્વેસ્ટમેન્ટ’ સમજીને તેની ટિકીટો ખરીદીને ‘ફર્ઝ’ને સળંગ હાઉસફૂલ રખાવી હતી.

* હિરો તરીકે ફીરોઝ ખાનને લેવા માટે ઓરીજીનલ તેલુગુ ફિલ્મ બતાડવામાં પણ આવી હતી. પરંતુ છેવટે નસીબ જિતેન્દ્રનું ચમક્યું હતું.

* ૧૯૬૭ની આ ત્રીજા નંબરની હિટ ફિલ્મ હતી.

* જિતેન્દ્રને હતું કે ‘બુંદ જો બન ગઈ મોતી’ હિટ થશે અને ‘ફર્ઝ’ ખાસ નહીં ચાલે, પરતુ બોક્સ ઓફિસ પર બિલકુલ ઉલટું થયું...

* ‘કુકુકુઉ…’વાળી ત્રાડ પાડીને હવામાં ફ્રીઝ થઈ જવાની હિટ એકશનને કારણે આ ફિલ્મ પછી જ જિતેન્દ્રને ‘જમ્પિંગ જેક’નું બિરૂદ મળ્યું હતું !

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. મારા મિત્રના મોટાભાઈ રજ્જાક ભાઈએ ફર્ઝ્ ફિલ્મ સીતેર વખત જોયેલી.

    ReplyDelete

Post a Comment