‘લો મેડમ ! તમારો ચોરાયેલો મોબાઈલ મળી ગયો છે.’
‘ઓહો… થેન્ક યુ…’
‘અચ્છા મેડમ, શું તમે દિવાળી વેકેશનમાં તમારી પાંચ ફ્રેન્ડ્ઝ સાથે ગોવા ગયા હતા ?’
‘હા, કેમ ?’
‘ત્યાં તમે ગોવાનો જાણીતો ફ્રેની દારૂ પણ પીધો હતો ?’
‘આ તમને કોણે કહ્યું ?’
‘એ છોડો, શું તમે આ લગ્ન સિઝન પહેલાં સાડીઓ અને ડ્રેસિસ ખરીદવા માટે કમ સે કમ એક ડઝન શો રૂમોની મુલાકાત લીધી હતી ? અને છેવટે માત્ર બે જ દુકાનોમાંથી ખરીદી કરી હતી ?’
‘તો શું થયું ? એ કંઈ ગુનો છે ?’
‘નથી.. પણ શું તમે છેલ્લા બે મહિનામાં ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી લગભગ બાવીસ ચીજોનો કલર કે ડિઝાઈન પસંદ ન પડવાથી તેને રીટર્ન કરી હતી ?’
‘હાસ્તો, મારી મરજી, કેમ ?’
‘અને શું તમને રોજ રાત્રે સૂતાં પહેલાં બે કલાક સુધી અને બપોરે જમીને સૂતાં સૂતાં દોઢ કલાક સુધી મોબાઈલમાં રીલ્સ જોવાની ટેવ છે ?’
‘હેં ?’
‘અને તમે રોજની સરેરાશ ૧ કલાક ૫૪ મિનિટ ફોન પર વાતો કરો છો ? જેમાં ૮૦ ટકા ટાઈમ તમારાં પિયરનાં સગાં સાથે અને ૨૦ ટકા સમય તમારાં સાસરિયાં સાથે હોય છે ?’
‘એક મિનિટ ! આ બધી જાસૂસી તમે મારા મોબાઈલમાં નાંખેલા ‘સંચાર સાથી’ એપ વડે કરી છે ને ?’
‘ના મેડમ ! સંચાર સાથી વડે તો તમારો ચોરાયેલો ફોન પાછો મળી ગયો છે. બાકી આ તમામ માહિતી તમે જે એપ્સ વાપરો છો ને, એમાં તમે તમારા ફોનના કેમેરા, લોકેશન, વિડીયો, ઓડીયો, બ્રાઉઝીંગ ડેટા અને સ્ક્રીન એક્ટીવીટીને મેળવી શકવાની છૂટ જાતે આપી છે !’
‘હાય હાય ! આ તો જાસૂસી છે !’
‘છે જ ને ? પરંતુ ‘સંચાર સાથી’ તમને વિલન લાગે છે. એનું કારણ એક વાયરસ છે !’
‘શું એ વાયરસ મારા ફોનમાં છે ?’
‘ના દિમાગમાં છે ! જેનું નામ છે : સબ કે પીછે મોદી હી હૈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment