જંગલમાં એક વાઘ ચાલ્યો જતો હતો ત્યાં એક ગધેડો બરોબર એની સામે રસ્તામાં ઊતર્યો.
વાઘ કહે : ‘બાજુમાં ખસને ? દેખાતું નથી કે હું આવી રહ્યો છું ?’
ગધેડો કહે : ‘ઠીક છે, ઠીક છે. એમાં આમ ઘાસ જેવા લાલચોળ શેના થઈ જાવ છો ?’
વાઘ કહે : ‘એક મિનિટ, ઘાસ લાલચોળ ના હોય. ઘાસ લીલું હોય.’
ગધેડો કહે : ‘હોતું હશે ? ઘાસ તો લાલ રંગનું જ હોય.’
વાઘ : ‘અરે, ઘાસ લીલા રંગનું હોય, એટલી ખબર નથી ?’
ગધેડો : ‘ઘાસ તમે ખાઓ છો કે હું ? ઘાસમાં તમને વધારે ખબર પડે કે મને ? ઘાસ તો લાલ રંગનું જ હોય.’
વાઘ : ‘ના, ઘાસ લીલું હોય.’
ગધેડો : ‘ઘાસ લાલ જ હોય !’
વાઘ : ‘લીલું !’
ગધેડો : ‘લાલ !’
આમાં ને આમાં વાઘની હટી ગઈ ! તેણે જઈને જંગલના રાજાને ફરિયાદ કરી. જંગલના રાજા સિંહે પોતાના દરબારમાં આખો કેસ હાથમાં લીધો.
વાઘ અને ગધેડાની દલીલો સાંભળી લીધા પછી વનરાજે ચૂકાદો આપ્યો : ‘ગધેડાની વાત સાચી છે. ઘાસનો રંગ લાલ જ હોય.. અને આ જંગલના દરબારનો સમય બરબાદ કરવા બદલ વાઘને ત્રણ દિવસ માટે જંગલની બહાર રહેવાની સજા કરવામાં આવે છે !’
ગધેડો તો ખુશ થતો જતો રહ્યો પણ વાઘ રોકાઈને પૂછે છે ‘આ વળી કેવી જાતનો ન્યાય ?’
ત્યારે વનરાજ કહે છે ‘મુરખાઓ સાથે કદી દલીલ કરવી નહીં. સમજ્યા ?’
***
(બોધ : આજના સમયમાં ‘અંધભક્તો’ સાથે દલીલ કરવાનો પણ કશો અર્થ નથી.
જો તેઓ કહે કે ભારતે અમેરિકાને લપડાક મારી દીધી છે, ભારત વિશ્વગુરુ બની જશે, મણિપુરમાં કંઈ ચાલી જ નથી રહ્યું, મોદીજી મહાન છે, મોદી વિરોધીઓ દેશદ્રોહીઓ છે… વગેરે વગેરે…
તો માની લેવું. દલીલ કરવામાં સમય અને શક્તિનો વ્યય કરવાથી કશું મળવાનુ નથી.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment