મૂંગા પ્રાણીઓનું રહસ્ય !

વેટરનરી ડૉક્ટર મિશ્રાએ ડોરબેલ દબાવ્યો. બારણું ખુલતાં જ તેમને આશ્ચર્ય થયું. 

‘ઓહો ! તમે તો સાજસેવિકા સરલાદેવી છો !’

‘જી… જી, અંદર આવો ને ?’

‘તમે એ જ છો ને, જે રખડતાં કૂતરાં માટે રેલીઓ કાઢે છે ? મેં તમારા વિડીયો જોયા છે, હોં !’

‘યસ યસ…’

‘અને સોશિયલ મિડીયામાં તમારું તો બહું મોટું નામ થઈ ગયું છે, આ સ્ટ્રે ડોગ્સના કારણે…’

‘ખરી વાત છે. સુપ્રીમ કોર્ટના એક જજે તો મને ડાયરેક્ટ મેસેજ કરીને અભિનંદન આપ્યાં હતા !’

‘ઓ વાઉ !’

‘અને મેનકા ગાંધીના પણ અવારનવાર ફોન આવતા રહે છે !’

‘ ઓહો, શું વાત છે !'

‘બસ, એક નાનકડી ઝૂંબેશ ચાલી રહી છે…’

‘એમ તો તમારી બે ત્રણ એનજીઓ સંસ્થાઓ પણ ચાલે છે ને ?’

‘હા જી. મુંગા પ્રાણીઓની સેવા માટે.’

‘અને દર વરસે આ રખડતાં કૂતરાંની સંખ્યા કાબૂમાં રાખવા માટે તમારી સંસ્થાને કૂતરાંઓના ખસીકરણ માટે લાખો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવે છે ને ?’

‘હાસ્તો, એ પણ સમાજસેવા જ છે ને ?’

‘હવે બોલો, આપે મને તમારા બંગલે શા માટે બોલાવ્યો છે ?’

‘જુઓને, મારી પ્રિય બિલાડી પ્રેગનન્ટ થઈ ગઈ છે.’

‘ઓહો, એ તો ખુશીની વાત છે.’

‘ના, જરાય નહીં ! કેમકે બિલાડી ચોવીસે કલાક બંગલામાં જ હોય છે. એને હું બહાર જવા જ નથી દેતી ! તો પછી એ પ્રેગનન્ટ થઈ જ શી રીતે ?’

‘લેટ મિ ચેક…’

ડૉક્ટર ચેક કરી રહ્યા છે ત્યાં તો પલંગ નીચેથી એક જાડોપાડો બિલાડો બહાર આવતો દેખાય છે !

‘અરે ! ઘરમાં બિલાડો છે ને ? પછી તો બિલાડી પ્રેગનન્ટ થાય જ ને !’

‘અરે ના ના.. !’ સમાજસેવિકા સરલાદેવી બોલી ઊઠ્યા ‘એ બિલાડો તો એનો ભાઈ છે !’

(નોંધ : ખસીકરણના પ્રોગ્રામો આ જ માસૂમ ધારણા ઉપર ચાલતા રહે છે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments