સૌથી મજેદાર વાત એ છે કે ગોવિંદાએ એક જ સ્ટોરી પરથી બનેલી ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે અને ત્રણે હિટ હતી !
જી હા, ‘સાજન ચલે સસુરાલ’ ‘કુલી નંબર વન’ અને ‘બનારસી બાબુ’ આ ત્રણે ફિલ્મોનો મુખ્ય પ્લોટ એવો છે કે ગોવિંદા ઓલરેડી એક હિરોઈન સાથે પ્રેમમાં હોય, પણ મજબૂરીથી બીજી હિરોઈન સાથે પણ લગ્ન કરવાં પડે !
એટલું જ નહીં, બંને લગ્નો બચાવવા માટે બિચારો ગોવિંદા ‘ડબલ ઢોલકી’ રમવા જતાં એની બંને બાજુથી ‘બજી’ જાય છે ! એ તો ઠીક, આ ત્રણમાંથી બે ફિલ્મોનો તો એન્ડ પણ એવો આવે છે કે બંને પત્નીઓ ભેગી મળીને ‘પાર્ટનરશીપ’માં ગોવિંદાને પતિ તરીકે સ્વીકારવા તૈયાર થઈ જાય છે ! બોલો.
***
એમ તો ડેવિડ ધવન પણ કંઈ ઓછા નથી. આ ‘સાજન ચલે સસુરાલ’ તો સાઉથની રિ-મેક છે જ, પણ ‘કુલી નંબર વન’ પણ રિ-મેક હતી. એ ઉપરાંત ‘શોલા ઔર શબનમ’ ‘રાજાબાબુ’ અને ‘હસીના માન જાયેગી’ પણ સાઉથની અથવા હોલીવૂડની ફિલ્મોની રિ-મેક હતી.
એમાંય, ‘સાજન ચલે સસુરાલ’ તો ઓલરેડી અગાઉ ત્રણ-ત્રણ ભાષામાં બની ચકી હતી. છતાં અહીં જે ‘મેજિક’ છે તે ગોવિંદા અને ડેવિડ ધવનની જે ગજબની કેમિસ્ટ્રી છે એમાં રહેલું છે.
ગોવિંદાની કોમિક સેન્સ કેટલી જોરદાર છે એની સાબિતી જોઈતી હોય તો માત્ર એટલી જ કલ્પના કરો કે જો આજે ‘સાજન ચલે સસુરાલ’ની રિ-મેક બને તો છે કોઈ માઈનો લાલ, જે આજે ગોવિંદા જેવું પરફોર્મન્સ આપી શકે ?
(માઈનો લાલ છોડો, ખુદ ડેવિડ ધવનનો લાલ વરુણ ધવન પણ વ્હેંતિયો લાગે.)
***
ગોવિંદાની ટેલેન્ટ વિશે ડેવિડ ધવન કહે છે કે ‘એને કોઈપણ ઘટિયા ટાઈપનો સીન આપો, ગોવિંદા એને બે જ વાર વાંચીને જ્યારે પરફોર્મ કરશે ત્યારે એ ‘બઢિયા’ સીન લાગશે !’
ગોવિંદાની ઇમ્પ્રોવાઈઝ કરવાની સેન્સ પણ ગજબની છે. કંઈ કેટલીયે વાર સ્ક્રીપ્ટમાં ના લખ્યું હોય અને ડિરેક્ટરે પણ ના સુચવ્યું હોય તેવું કંઈક અદ્ભુત મિશ્રણ ગવિંદા કરી આપતો હતો.
જોકે એની પરાકાષ્ટા તો ત્યારે આવી હતી કે જ્યારે ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ થતું હતું ત્યારે ગોવિંદા અને અમિતાભ એટલા બધા ‘ચગી’ જતા હતા કે ડેવિડ ધવનન સ્ક્રીપ્ટના કાગળની ફૂટપટ્ટી જેવી ગડી વાળીને એક જ લાઈન બતાડીને કહેતા હતા : ‘બસ, ઇતના હી સીન હૈ ! બાકી આપ દોનોં જાનો…’
***
‘સાજન ચલે સસુરાલ’ કદાચ એવી છેલ્લી ફિલ્મ હશે જેમાં ગામડાથી આવેલા હીરોને માથે તપેલી-કટ વાળ હોય, પાતળી મૂછો હોય, ગળામાં ગમછો હોય અને પહેરવેશ ધોતી-સદરાનો હોય ! અહીં પહેલા સીનમાં ગોવિંદાએ એમાં એક વધુ ઉમેરો કર્યો છે, એના હાથમા જે લાઠી છે એની ઉપર ઊંધો લોટો લટકાવ્યો છે.
***
અચ્છા, આ ફિલ્મમાં અમુક સિચ્યુએશનો જ એવી છે કે આજની બોલીવૂડી પ્રજા એવું કંઈક ફરીથી બનાવવા જાય તો એ ‘અશ્ર્લીલ’ ‘વલ્ગર’ અને ‘નોન-વેજ’ કોમેડી બન્યા વિના રહે જ નહીં !
દાખલા તરીકે ગોવિંદા એના ‘ડબલ હનીમૂન’ માટે કરીશ્મા અને તબ્બુને એક જ હોટલમા બાજુ બાજુના રૂમમાં લઈ જાય છે ! એટલું જ નહીં, બંને સાથે ‘વારાફરતી’ રાત પણ ગુજારે છે !
પરંતુ અહીં ડેવિડ ધવનની અને ગીતકાર સમીરની કમાલ જુઓ… પેલા બાજુબાજુના બે બેડરૂમમાં ગોવિંદા કોઈ ઓટોરીક્ષાના શટલિયાંની માફક અહીંથી તહીં ફેંકાય છે ! ઉપરથી ગીતના શબ્દોમાં સ્હેજપણ અશ્ર્લીલતા કે ડબલ મિનિંગ નથી : ‘તુમ તો ધોકેબાજ હો, વાદા કર કે ભૂલ જાતે હો…’
***
એમ તો આ એકમાત્ર એવી હિન્દી ફિલ્મ હશે જેમાં બહુપત્નીત્વને ધાર્મિક જસ્ટીફિકેશન આપવામાં આવ્યું છે ! (જે કદાચ સાઉથની ઓરિજિનલ ફિલ્મમાંથી જ કોપી-પેસ્ટ કર્યું લાગે છે)
જ્યારે કરીશ્માને પરણીને ગોવિંદા પોતાના બંગલામાં લાવે છે ત્યારે ગોવિંદાનો ફ્રેન્ડ સતીશ કૌશિક દિવાલો ઉપર લગાડેલા ભગવાનોના ફોટા બતાડતો જાય છે અને તેમની પત્નીઓનાં નામો લેતો જાય છે જેમકે ‘ગણેશજીની રિધ્ધિ અને સિધ્ધિ, કૃષ્ણની રુકમણી અને સત્યભામા…’ વગેરે ! પરંતુ કરીશ્મા કહે છે ‘મારા પતિ તો રામ જેવા છે, જેની એક જ પત્ની છે, સીતા !’
***
એમ તો ફિલ્મનાં એન્ડ ટાઈટલ્સ પહેલાં ગોવિંદા ઓડિયન્સને સંબોધીને કહે છે પણ ખરો કે ‘મૈં ને તો મજબૂરી મેં દો પત્નીયાં કી, મગર તુમ ગલતી સે જાનબુજ કર ભી ઐસા મત કરના ! વરના મુજ સે ભી બૂરી હાલત હોગી !’ બોલો, આટલો સારો ‘બોધ’ કઈ કોમેડી મુવીમાં જોવા મળે છે ?
***
ફિલ્મમાં અપાયેલી ક્રેડિટ મુજબ અહીં પટકથા તો રૂમી જાફરીના નામે બોલે છે જેમાં અગાઉની ત્રણ સાઉથની ફિલ્મોનો જ મૂળ ઢાંચો રહેવા દીધો છે. પરંતુ અસલી મજા કાદરખાનના ટુંકા અને ચોંટદાર સંવાદોની છે ! જેના કારણે માત્ર બે સીન માટે હોટલના વેઈટર તરીકે દેખાતા રાકેશ બેદી અને માત્ર એક સીન માટે નકલી મા બનીને આવતી હિમાની શિવપુરી તથા ફક્ત એક સીન માટે દેખાતા એર-લાઈન્સના બુકીંગ એજન્ટ બનેલા દિનેશ હિંગુ આપણને હસાવી જાય છે.
કહેવાય છે કે ડેવિડ ધવન ડિરેક્ટર બન્યા એ પહેલાં ફિલ્મ-એડિટર હતા, એટલે એમના દિમાગમાં ફિલ્મનો દરેક શોટ ‘પ્રિ-એડિટેડ’ હોય છે… આ વાત તો સાચી જ છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ડેવિડ ધવન ખૂબ જ સારા અને ચતૂર ‘સ્ક્રીપ્ટ એડિટર’ પણ છે !
એમની સાથે અડધો ડઝન ફિલ્મો માટે કામ કરી ચૂકેલા લેખક રૂમી જાફરી કહે છે કે ‘ડેવિડનું કાતરકામ શૂટિંગ વખતે જ શરૂ થઈ જાય છે ! હાથમાં ડાયલોગ્સનાં પાના આવે કે તરત કહેશે, 'અરે ઇતની બાત જબ ચાર લાઈન મેં કહી જા સકતી હૈ તો દસ લાઈને ક્યું લિખી હૈં ? કાટો… ઇસે કાટો !’
અને એટલે જ, આ ફિલ્મ આજે પુરા ઓગણત્રીસ વરસ પછી પણ જુઓ, તો તમને ક્યાંય બગાસું નહીં આવે ! ગેરંટી છે.
***
ફિલ્મની જાણી અજાણી વાતો...
* બીજી હિરોઈન તરીકે અગાઉ રવિના ટંડન, શિલ્પા શેટ્ટી અને નીલમનાં નામો હતાં પણ છેવટે તબ્બુ પસંદ થઈ હતી.
* ‘સાજન ચલે સસુરાલ’ એ અગાઉ બની ચૂકેલી ત્રણ ફિલ્મોની રિ-મેક છે ! ‘અલ્લારી મોગુડુ’ (તેલુગુ), ‘ગડીબીડી ગન્ડા’ (કન્નડ) અને ‘વીરા’ (તામિલ). જેમાં ‘વીરા’માં તો રજનીકાન્ત હતા.
* ફિલ્મના ગાયનો બનાવતાં પહેલાં નદીમ-શ્રવણે શરત મુકી હતી કે સ્હેજપણ ડબલ-મિનિંગ શબ્દો હશે તો અમે ફિલ્મ છોડી દઈશું !
* ફિલ્મ બનીને ૧૯૯૪માં તૈયાર પડી હતી પણ ટેકનિકલ કારણોસર છેક ૧૯૯૬માં રીલીઝ થઈ હતી.
* માત્ર ૪.૫ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે લગભગ ૨૩ કરોડનો બિઝનેસ કર્યો હતો.
* અને હા, ફિલ્મમાં ગોવિંદા સૌથી વધુ હસાવે છે છતાં બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ સતીષ કૌશિકને મળ્યો હતો.
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment