અમેરિકા સારું કે ઈન્ડિયા ?

ટ્રમ્પ સાહેબની જીદ અને ડેમોક્રેટ પાર્ટીની આડોડાઈને લીધે અમેરિકાનું શટડાઉન નવા નવા રેકોર્ડ તોડી રહ્યું છે !

એમાંય તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં ટ્રમ્પની પાર્ટીનાં સૂપડાં સાફ થઈ જવાથી ડેમોકેટ્સને વધારે શૂર ચડ્યું છે ! ત્યાંથી આવતા સમાચારો જોઈને હવે તો વિચાર આવે છે કે આના કરતાં ઇન્ડિયા શું ખોટું ? જુઓ…

*** 

કહે છે કે મફત અથવા સસ્તા ભોજનની કૂપનો બંધ થવાથી લગભગ ૪ કરોડ અમેરિકનો માથે ભૂખમરાનું સંકટ છે.

જ્યારે અહીં ભારતમાં તો છેલ્લાં પાંચેક વરસથી ૮૦ કરોડ લોકોને મફત અનાજ મળે છે !

બોલો, અમેરિકા સારું કે ઇન્ડિયા ?

*** 

શટડાઉનને કારણે લગભગ ૨૦ લાખ સરકારી કર્મચારીઓ એક મહિનાથી વગર પગારે ઘરે બેઠા છે !

જ્યારે અહીં તો દેશમાં લગભગ બે કરોડ મહિલાઓને નોકરી વિના, ઘેરબેઠાં બે -ત્રણ હજાર રૂપિયા મળે છે !

બોલો, અમેરિકા સારું કે ઇન્ડિયા ?

*** 

કહે છે કે શટડાઉનને કારણે અમેરિકન અર્થતંત્રને ૭૦૦ કરોડ ડોલરનું નુકસાન થશે. (લગભગ ૫૬૦૦૦ કરોડ રૂપિયા)

લો, માત્ર ૫૬૦૦૦ કરોડ ? આટલા રૂપિયા તો ભારતમાં કૌભાંડોમાં ખવાઈ જાય છે ! છતાં પબ્લિકને કોઈ અસર થતી નથી…

હવે બોલો, અમેરિકા સારું કે ઇન્ડિયા ?

*** 
એવું પણ કહે છે કે શટડાઉનને લીધે અબજો ડોલરના પ્રોજેક્ટો એક મહિનાથી અટકી પડ્યા છે.

બસ, એક જ મહિનો ? અહીં તો પાંચ પાંચ વરસ લગી ભલભલા પ્રોજેક્ટો પતતા જ નથી ! ઉપરથી કોન્ટ્રાક્ટરનો ભાવવધારાના પૈસા પણ ચૂકવાય છે !

તો અમેરિકા સારું કે ઇન્ડિયા ?

*** 

અને લોસ એન્જેલસમાં, જ્યાં સ્ટોર્સમાંથી ૧૦૦૦ ડોલર સુધીના માલ સામાનની લૂંટ કરો તો ફરિયાદ પણ લેવાતી નથી, ત્યાં લૂંટફાટની ઘટનાઓ વધી ગઈ છે !

બસ ? માત્ર ૧૦૦૦ ડોલર ? અહીં બેન્કોમાં તો ૧૦૦૦ કરોડ પણ ચણામમરા ગણાય છે !

તો બોલો, કોનું અર્થતંત્ર વધારે મજબૂત છે ? અમેરિકાનું કે ઇન્ડિયાનું ?

મેરા ભારત મહાન !

***

- મન્નુ શેખચલ્લી

Comments