ડાકુઓનું આખું ગામ હોય ?

ભલે કહેવતોની દુનિયામાં ગાંડાઓનાં ગામ ના હોય, પણ રાજકપૂરની કલ્પનામાં ડાકુઓનું આખેઆખું ગામ છે ! વાત છે રાજકપૂરની ફિલ્મ ‘જિસ દેશમેં ગંગા બહતી હૈ’ની… 

અહીં ડાકુઓ રીતસર પોતપોતાની પત્નીઓ અને બાળકો સાથે આખું ગામ વસાવીને રહેતાં હોય એવું બતાડ્યું છે ! આજે જો એવું હોત તો તો ‘ટુરિસ્ટ સ્પોટ’ બની જાય નહીં ? ટ્રાવેલના વ્લોગરો ત્યાં જઈ જઈને રીલ્સ બનાવતા હોત !

*** 

પણ રાજકપૂરે આખેઆખી ફિલ્‌મ તો બનાવી જ નાખી ! જોવાની વાત એ છે કે ડાકુઓ બિચારા લઘર વઘર કપડાં પહેરીને ચાર ચાર દહાડાની વધેલી દાઢી સાથે ફરે છે, પણ એમનાં બૈરાં મસ્ત ચકાચક ચણિયાચોળી અને સોના ચાંદીના ઘરેણાં ઠઠાડીને ફરે છે !

ઉપરથી ડાકુઓ એમના માટે લગ્નોમાં ત્રાટકીને મોંઘા મોંઘા હાર, ઝાંઝર, કંગન, ઝુમખા વગેરે બધુ જ હોંશથી લાવી આપે છે !
ગમ્મત તો ત્યાં થાય છે જ્યારે એક ડાકુ મહેલની છત ઉપર લટકાવવાનું ઝુમ્મર લઈ આવ્યો છે ! 

અલ્યા, અહીં તમારા ઘરોમાં એને લટકાવશો ક્યાં ? કેમકે આખું ગામ તો ગુફાઓમાં અને તૂટેલા ફૂટેલા ખંડેરોમાં જ વસેલું છે !

આપણને થાય કે ભલા માણસ, એકાદ વખત ઈંટ-ચૂનો-લાકડાં વગેરે લૂંટી લાવતા હોત તો ? પછી કડીયા અને સુથારોનું તો અપહરણ કરી શકાય ! (બાય ધ વે, આ ડાકુઓ બિચારા નજીકનાં ગામડાંમાંથી શાકભાજી, તેલ, મરી મસાલા, ખાંડ, મીઠું વગેરે પણ લૂંટીને લાવતા જ હશે, પણ એટલી બધી ડિટેલમાં રાજ સાહેબ ગયા નથી.)

*** 

અચ્છા, રાજ સાહેબની આ પહેલી ફિલ્મ છે જેમાં એમની હિરોઈન બ્લાઉઝ વિનાની સાડીમાં ધોધ નીચે ગાયન ગાતાં નહાતી હોય ! આના પછી તો આ રાજકપૂરનો કોપીરાઈટ થઈ ગયેલો !

અહીં ફરક એટલો જ છે કે પદ્મિનીએ કદાચ સેન્સર બોર્ડનો ડર બતાડીને કાળી સાડી પહેરવાનો આગ્રહ રાખ્યો હશે ! કેમકે એ પછી તો સાડી પરમેનેન્ટલી સફેદ (અને અર્ધ પારદર્શક બની) ગયેલી !

*** 

આ ધોધમાં નહાવાવાળું જે ગાયન છે એની પણ અલગ જ લેવલની કોમેડી છે. મામલો એવો છે કે મોડી રાત્રે પદ્મિનીનાં ‘દિલનાં અરમાન’ જાગે છે અને તે તળાવ પાસે ધોધ નીચે જઈને ‘હાં, મૈને પ્યાર કિયા, હાય હાય ક્યા જુલમ કિયા…’ ગાવા લાગે છે. 

એ તો ઠીક, થોડીવાર પછી ડાકુઓના ગામની બીજી પોણો ડઝન કુંવારિકાઓ પાણીમાં ધૂબાકા મારવા માટે આવી જાય છે ! ક્લાઈમેક્સ તો ત્યારે આવે છે જ્યારે રાજકપૂર વહેલી સવારે એક હાથમાં દાતણ અને બીજા હાથમાં ‘લોટો’ લઈને અહીં આવી પહોંચે છે ! બોલો. આખી રાત આટલું બધું નહાયા ?

*** 

એમ તો ફિલ્મના વિલન પ્રાણને થોડો અંદાજ તો આવી જ ગયો હતો કે આ ડાકુવાળો બિઝનેસ બહુ લાંબો નહીં ચાલે. એટલે એણે એક નવું  ‘સ્ટાર્ટ-અપ’ પણ વિચારી રાખ્યું હતું… સરકસનું! 
તમે જરા ધ્યાનથી જોજો, પેલા ‘હમ ભી હૈં, તુમ ભી હો…’ વાળા ગાયનમાં ડાકુઓ સળગતી રીંગોમાંથી કૂદકા મારવાની પ્રેક્ટિસ પણ કરતા બતાડ્યા છે ! એટલું જ નહીં, પ્રાણ તો બબ્બે ઘોડાની પીઠ ઉપર બે પગ મુકીને ગોળ ગોળ ચક્કર મારતાં ઘોડેસવારી કરવાનો ખેલ પણ પ્રોફેશનલની જેમ કરતો થઈ ગયો છે !

*** 
ફિલ્મમાં દેશના દંભી નેતાઓ માટે એક બહું ઊંચી જોક હતી  જે નેતાઓને સમજાઈ જ નહોતી. એક સીનમાં પદ્મિની રાજકપૂરને કહે છે ‘હમ ડાકુ લોગ અમીરોં કો લૂટકર ઉન કો થોડા ગરીબ બનાતે હૈં, ઔર ગરીબોં કો પૈસા દે કર ઉન્હેં થોડા અમીર બનાતે હૈં…’ આ સાંભળીને રાજકપૂર ભોળી સુરત રાખીને પૂછે છે ‘ક્યા તુમ લોગ સોશ્યાલિસ્ટ હો ?’

*** 

આ બધી જોક્સ બાજુ પર રાખો તો માત્ર એક ગાયનના રેકોર્ડીંગ માટે રેકોર્ડીસ્ટ મીનુ કાત્રકને આજે પણ સલામ કરવી પડે ! કેમકે એ ગીત માટે શંકર જયકિશને ૪૦થી વધુ વાયોલિન સહિત ૬૦-૭૦ જેટલા સાંજિદાઓને વિવિધ વાજિંત્રો માટે રાખ્યા હતા. આ ઉપરાંત ૨૦ જેટલા કોરસ (સમૂહગાન) ગાનારા તો અલગ ! (બાય ધ વે, આ એક એવો રેકોર્ડ છે જે હજુ સુધી તૂટ્યો નથી.)

રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જગ્યા ઓછી પડતાં એ બિલ્ડીંગની અન્ય બંધ ઓફિસો ખોલાવીને ત્યાં માઈક્રોફોન ગોઠવીને, વાયરો ખેંચીને કોરસ સિંગરોનું સમૂહગાન રેકોર્ડ થયું હતું. આખું રેકોર્ડીંગ છેક સવારે પાંચેક વાગ્યા સુધી ચાલ્યું હતું. 

આખા ગીતના ‘આત્મા’ સમાન લતા મંગેશકરનો જે અદ્‌ભુત આલાપ છે, તેના માટે કહેવાય છે કે છેક રાત્રે અગિયાર વાગે આ આલાપ ઉમેરવાનો વિચાર આવ્યો હતો ! અને તાત્કાલિક ફોન કરીને લતાજીને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બોલાવવામાં આવ્યાં હતાં.

આજે આ ગીતને સો સો સલામી તો એટલા માટે આપવી પડે કે જે જમાનામાં માત્ર ચાર ટ્રેકનાં રેકોર્ડર આવતાં હતાં એ જ મર્યાદામાં રહીને મીનુ કાત્રકે એટલું અદ્‌ભુત રેકોર્ડીંગ કરી બતાડ્યું છે કે આજે તમે હેડફોન લગાવીને તેની ઝીણી ઝીણી ડિટેલ સાંભળતાં તમારાં રૂવાડાં ઊભાં થઈ જાય.

અફસોસ તો એ વાતનો છે કે આજે છે કે આજના ડિજીટલ રેકોર્ડિંગના જમાનામાં જ્યાં ૬૪-૬૪ ટ્રેક પર રેકોર્ડીંગ થઈ શકે તેમ છે છતાં ‘આ અબ લૌટ ચલે’ના લેવલ સુધી પહોંચવાની કોઈએ કોશિશ સુધ્ધાં કરી નથી.

*** 

અને હા, ફિલ્મની સ્ટોરીમાં એવું છે કે પેલા ડાકુ્ઓનું આખેઆખું ગામ ગાડાં ભરી ભરીને ‘શરણાગતિ’ માટે નીકળી પડે છે ! પછી આખરે એમના ‘પુનર્વસન’ માટે સરકારે કેવી ‘આવાસ યોજના’ બનાવી હતી તે તો રાજસાહેબે બતાડ્યું જ નહીં ! બોલો.

***

ફિલ્મની જાણી અજાણી વાતો...

* ફિલ્મના ડિરેક્ટર તરીકે સિનેમેટોગ્રાફર રાધુ કર્માકરનું નામ છે પરંતુ તમામ દૃશ્યોમાં રાજકપૂરની જ છાપ દેખાય છે.

* એ જ રીતે સિનેમેટોગ્રાફર તરીકે તારા દત્તનું નામ છે પણ આખો કમાલ રાધુ કર્માંકરનો જ લાગે છે.

* આ ફિલ્મની વાર્તાનો વિચાર રાજ સાહેબને વિનોબા ભાવે થકી આવ્યો હતો. જેમણે તે સમયે મધ્યપ્રદેશમાં ડાકુઓનું આત્મસમર્પણ કરાવ્યું હતું.

* ફિલ્મની ૪૭મી મિનિટે બેકગ્રાઉન્ડમાં ‘મેરા નામ જોકર’ની ‘જાને કહાં ગયે વો દિન’ની ધૂન વાગતી સંભળાય છે.

* ‘ઓ બસંતી પવન પાગલ…’નું પિક્ચરાઈઝેશન નર્મદાના બેડા ઘાટની પહાડીઓમાં થયું હતું.

* અને ‘આ અબ લૌટ ચલેં’ ગીતમાં જે ઢોળાવવાળી ટેકરીઓ બતાડી છે તે ઊટીના દૃશ્યો છે.

***

- મન્નુ શેખચલ્લી 

Comments