શિયાળાની સેવિંગ્સ સ્કીમો !

શિયાળો હજી તો શરૂ જ થયો છે. પરંતુ આ મોંઘવારીના જમાનામાં શિયાળો એક આશીર્વાદ છે ! કેમકે શિયાળો એ બચતની સિઝન છે. કઈ રીતે ?

*** 

પરસેવો થતો જ નથી ! એટલે બબ્બે દિવસ સુધી નહાશો નહીં તો ચાલશે…. શોર્ટમાં, પાણીની બચત !

*** 

પરસેવો નથી થતો એટલે કપડાં પણ ત્રણ-ત્રણ દહાડા લગી પહેરી શકો છો. મતલબ કે કપડાં ધોવાના પાવડરની અને વોશિંગ મશીનની વીજળીની બચત !

*** 

હવે જ્યારે તમે નહાવાનું જ માડી વાળો છો તે તમે દેશની ઉર્જા બચાવી રહ્યા છો ! કેમકે ન ગિઝર વપરાય, ન તો ચૂલાનાં લાકડાં!

*** 

એમ તો ફ્રીજ બંધ રાખો તો પણ ચાલે ! અમુક સોસાયટીઓમાં તો ટાંકીનું પાણી પણ ફ્રીજ કરતાં ઠંડુ આવે છે ! એસી બંધ, કુલર બંધ, પંખા બંધ… વીજળીના બિલમાં બચત જ બચત !

*** 

ઠંડીના કારણે પતિઓ પાનના ગલ્લે મોડે સુધી ઊભા રહેવાને બદલે વહેલાં વહેલાં ઘરમાં આવી જશે… મતલબ કે પાન, મસાલા, ગુટકા, માવા, સિગારેટના જે પૈસા બચ્યા તે…!

*** 

ઠંડીને કારણે બારી-બારણાં ફીટોફીટ બંધ કરીને સૂવું પડે છે. આમાંને આમાં ચોરીનું જોખમ ઘટી જાય છે ! (ચોરોને લોસ, તમને ફાયદો.)

*** 

ટાઢ વાતી હોય એટલે લોકો મોડી રાત સુધી જાગવાને બદલે ગોદડું ઓઢીને વહેલા સૂઈ જવાના… ટુંકમાં ટીવીનો વપરાશ ઘટવાથી વીજળી તો ઠીક, ‘દિમાગ’ પણ બચી જશે !

*** 

બસ, એક જ તકલીફ છે. આટલા બધા રૂપિયા બચે છે તે સાચવી રાખવાને બદલે ગુજરાતીઓ તેને ‘બાટલી’માં ખર્ચી નાંખે છે !

હમ નહીં સુધરેંગે…

***

- મન્નુ શેખચલ્લી

Comments