સલાહની સૌથી મજાની વાત જ એ છે કે તે લેવા કરતાં આપવામાં જ વધારે આનંદ આવે છે ! એમાં પણ જ્યારે ‘મફત’માં સલાહ આપવાની હોય ત્યારે તો…
***
બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલના અંકડા સાવ ખોટા પડ્યા. એનડીએની ૧૫૫ને બદલે ૨૦૨ સીટો આવી અને મહાગઠબંધનને ૬૫ને બદલે ૩૫ જ મળી.
આમાં અમારી સલાહ છે કે નેકસ્ટ ટાઈમ ચાર-પાંચ હજાર મતદારોને પૂછવાની લાંબી જફા કર્યા વિના ૪૯૯-૫૦૦ ઉમેદવારોની કુંડળીઓ જ કઢાવી લો ! સસ્તું પડશે…
***
બાંગ્લાદેશમા અવામી લીગના કાર્યકરોએ ક્રુડ બોમ્બ ફોડીને વિરોધ કર્યો પરંતુ કંઈ ખાસ નુકસાન પણ ના થયું અને હોબાળો પણ ન થઈ શક્યો…
અમારી તો સિમ્પલ સલાહ છે કે તમે અમારા ભારતના અમુક ડોક્ટરો પાસે ગાઈડન્સ લેવાનું રાખો ! પછી જુઓ કેવા ગજબના ધમાકા થાય છે…
***
પાકિસ્તાનના શાહબાજ શરીફ કહે છે કે ઇસ્લામાબાદમાં જે બોમ્બ ધડાકા થયા તેની પાછળ ભારતનો હાથ છે. જોકે શાહબાજ શરીફ કોઈ પુરાવા આપી શકતા નથી…
શાહબાજ શરીફને અમારી સલાહ છે કે જનાબ, તમે રાહુલ ગાંધીની કોપી કરવાનું બંધ કરો !
***
મોદીજીએ આગાહી કરી છે કે સમય જતાં કોંગ્રેસમાં ભાગલા પડી જશે.
અરેરે… મોદીજી ! આવું તમે સપનામાં પણ ના વિચારશો ! કેમકે, ભલું પૂછવું, રાહુલ ગાંધી વિનાના કોંગ્રેસીઓ જો પોતાની બુદ્ધિ ચલાવશે તો તો બહુ ભારે પડશે !
***
ભારતના ૮૧ ટકા બાળકોને મોબાઈલની લત લાગી ગઈ છે, દિવસના ત્રણ ત્રણ કલાક સુધી મોબાઈલમાં ડૂબેલા રહે છે.
અમારી સલાહ છે કે નિશાળો બંધ કરને બાળકોને રોજના છ-સાત કલાક ફરજિયાત મોબાઈલમાં જ ભણાવવાનું ચાલુ કરો ! જુઓ પછી, બાળકો મોબાઈલને હાથ પણ નહીં લગાડે !
***
ગુજરાતમાં દર ચોથે પાંચમે દહાડે નવાં નવાં કૌભાંડ ખૂલે છે ! કોઈ ૪૭ કરોડનું, કોઈ ૭૫ કરોડનું, કોઈ ૧૫૦ કરોડનું, તો કોઈ ૪૦૦ કરોડનું…
અમારી સલાહ છે કે મિડીયાએ હવે ક્રિકેટની જેમ કૌભાંડનો પણ સ્કોર રાખવાનું શરૂ કરવું જોઈએ ! પછી જોજો, ગુજરાત કેવા કેવા રેકોર્ડ તોડશે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment