આપણી કોમન 'વેલ્થ'.. આપણી 'ગેમ્સ' ?!

ચાલો, અમદાવાદને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા મળશે એ આનંદની વાત છે. પરંતુ જરા વિચારો, પ્રજાની ‘કોમન’ વેલ્થ એટલે કે જાહેર મિલકતો કઈ છે ? અને એમાં આપણે કેવી કેવી ‘ગેમ’ રમતા હોઈએ છીએ? …

*** 

આપણી ‘કોમન’વેલ્થ :
રેલ્વે સ્ટેશનો, બસ સ્ટોપ, બસ, ટ્રેન વગેરે.

આપણી ‘ગેમ્સ.’...
લેવલ (૧) જ્યાં ને ત્યાં થૂકવું, મન ફાવે ત્યાં પેશાબ કરવો, ટોઈલેટમાં અશ્ર્લીલ ચીતરામણ કરવાં, કચરો ગમે ત્યાં ફેંકવો…

લેવલ (૨) દોડીને ટ્રેન કે બસ પકડવી, સીટો પર બ્લેડ વડે કાપા મુકવા, બારીના કાચ ફોડી નાંખવા, છૂટો થઈ શકે એવા સામાનની ચોરી કરવી… વગેરે.

લેવલ (૩) ભીડમાં ધક્કામુક્કી કરવી, ખિસ્સા કાતરુથી સતત સાવધાન રહેવું, જગ્યા રોકીને મારામારી કરવી, મુંબઈ જેવા શહેરની લોકલ ટ્રેનમાં તો શ્ર્વાસ પણ લેવો !

લેવલ (૪) ટ્રેનના પાટા પર પથ્થરો મુકી દેવા, પાટાના બોલ્ટ ખોલીને ચોરી જવા, નવી શરૂ થયેલી ટ્રેન પર પથ્થરમારો કરવો અને (ખાસ બિહારમાં) ડબ્બામાં ઘૂસીને લૂંટ ચલાવવી !

***

આપણી ‘કોમન’ વેલ્થ :
હવાખાવાનાં સ્થળો, પિકનિક સ્પોટ, ટુરિસ્ટ સ્પોટ, નદી, પહાડો, દરિયા કિનારો વગેરે…

આપણી ‘ગેમ્સ’ :
લેવલ (૧) વેફર, બિસ્કીટ, નાસ્તાનાં પડીકાં, ગમે ત્યાં ફેંકવા, પાણીની ખાલી બોતલો રઝળતી મુકી દેવી, બિઝિઝક ગંદકી કરવી.

લેવલ (૨) પુરાણાં સ્થળોની દિવાલો પર ચીતરામણ કરવાં, માત્ર મજા ખાતર એમાં તોડફોડ કરવી, સેલ્ફીઓ લેવી અને ઘોંઘાટ કરી મુકવો.

લેવલ (૩) જીવના જોખમે સેલ્ફીઓ લેવી, પછી જીવ જોખમમાં મુકાય ત્યારે તેનો વિડીયો ઉતારવો, વાયરલ કરવો, અને છેવટે કકળાટ કરવો કે અહીં સેફ્ટી માટે શું વ્યવસ્થા છે ?

*** 

આપણી ‘કોમન’ વેલ્થ :
શહેરના રસ્તાઓ…

આપણી ‘ગેમ્સ’ :
લેવલ (૧) રોંગ સાઈડમાં ઘૂસવું, ગમે ત્યાં પાર્કિંગ કરવું, શક્ય હોય ત્યાં દબાણ કરી લેવું.

લેવલ (૨) ખાડાઓ વચ્ચે રસ્તો શોધતાં શોધતાં રેસ લગાવવી, ખાડામાં પાણી ભરાયાં હોય ત્યારે જાણીજોઈને છાલકો ઉડાડવી. વગેરે.

લેવલ (૩) ટ્રાફિક પોલીસથી બચવા માટે ઝીક-ઝેકમાં વાહન ભગાવવું, મેમોથી બચવા બહાનાં કાઢવાં, મોટી ઓળખાણ બતાડીને રોલા મારવા.

લેવલ (૪) મોડી રાતે ૧૫૦ની સ્પીડમાં સ્ટંટ કરવા અને પછી ‘નબીરા’ તરીકે ફોટા વાયરલ કરવા !

***

- મન્નુ શેખચલ્લી

Comments