કોઈ સાયન્સ ફિકશન મૂવીનું ટ્રેલર બતાડતા હોય તેમ એલન મસ્કે કહી દીધું કે ૨૦૩૫ સુધીમાં નોકરીઓ ‘ઓપ્શનલ’ થઈ જશે !
મતલબ કે કમાવાની કોઈ જરૂર જ નહીં રહે, ખાલી શોખ ખાતર નોકરી કરવી હોય તો કરવાની…
પણ એલનભાઈ, તમને ક્યાં ખબર છે કે ભારતમાં પણ ઘણી ચીજો ‘ઓપ્શનલ’ છે ?
***
ભારતમાં સરકારી કર્મચારીઓ ઓફિસમાં હાજરી પુરાવે એ જરૂર ખરું, પણ આવ્યા પછી ઓફિસમાં ‘કામ કરવું’ એ ઓપ્શનલ છે !
***
એ જ રીતે કોલેજોમાં એડમિશન લઈ લીધા પછી ત્યાં દોસ્તોને મળવા કે રોમાન્સ કરવા માટે કોલેજમાં જવું હોય તો જવાનું, પણ જઈને ‘ભણવાનું’ વરસોથી ઓપ્શનલ જ છે !
***
અમારા ભારતમાં અમે જ્યાં હિન્દી ફિલ્મો બનાવીએ છીએ ત્યાંના અમુક ફિલ્મ સ્ટારો માટે હિન્દીમાં ‘વાંચવું’ કે ‘લખવું’ ઓપ્શનલ જ છે !
***
એ તો ઠીક, આજકાલ તો ફિલ્મો ભલેને રિલીઝ થયા કરતી. પ્રેક્ષકો એ ફિલ્મો ‘જોવા માટે આવે’ એ ઓપ્શનલ જ થઈ ગયું છે !
(જોયું, માત્ર ‘શોખ ખાતર’ આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલે છે ! આવું તો અગાઉ આર્ટ ફિલ્મો માટે પણ નહોતું થતું.)
***
અમારાં ઘરોમાં મહિલાઓ માટે પણ અમુક ચીજો ઓપ્શનલ છે. જેમકે…
ટીવીમાં સિરિયલ ચાલુ કરીને આખા ઘરનાં બીજાં કામો કરવાનાં, પણ સિરિયલ ‘જોવાનું’ ઓપ્શનલ છે !
લગ્ન પ્રસંગ માટે ૧૫૦૦૦થી ૩૫૦૦૦ની સાડી કે ડ્રેસ ભલે લેવો જ પડે, પણ તેને જિંદગીમાં પાંચથી વધુ પ્રસંગે ‘પહેરવું’ ઓપ્શનલ છે.
એ તો ઠીક, ખરીદી કરવા માટે દુકાનમાં આવવું, સત્તર આઈટમો ખોલાવીને જોવી, અઢાર વખત બાવતાલ કરવા, ‘આને બદલે પેલું બતાડો’ એવા બે ડઝન ઓપ્શનો માગવા… અને છેલ્લે એક પણ ચીજ ખરીદ્યા વિના દુકાનમાંથી ઊભા થઈ જવું… ‘ઓપ્શનલ’ છે !
***
બાકી તો તમે જાણતા જ હશો કે ભારતમાં એકવાર ચૂંટણી જીતી લીધા પછી પ્રજાના કામો તો ઠીક, પ્રજાને પોતાનું મોં બતાડવું પણ ‘ઓપ્શનલ’ જ છે !
***
એમાંય, ગુજરાતમાં નવો ઓપ્શન ખુલ્યો છે… રોડ પેપર ઉપર બની જાય, પણ તેને જમીન ઉપર પણ બનાવવો..? એ ‘ઓપ્શનલ’ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment