દુનિયાના અમુક લોકોનાં વર્તન સમજ બહાર હોય છે. જેમકે…
***
એક લાખ સાંઈઠ હજારનો આઈ-ફોન-૧૭ ખરીદનારો માણસ એના ફોનમાં અડધો કલાક સુધી ખાંખાંખોળા કરને પાઈરેટેડ-ફાલતુ એપ લેશે, પણ માત્ર ૨૯૯ રૂપિયાનું ઓરીજીનલ એપ નહીં લે !
એવું કેમ ?
***
૬૫ હજારની જોરદાર આઠ સ્પીકર અને ચાર વૂફરવાળી મ્યુઝિક સિસ્ટમ ખરીદીને સૌને બતાડનારો સંગીતપ્રેમી મહિને ૫૦૦ રૂપિયાનું સ્પોટિફાય પ્રિમિયમનું લવાજમ ભરવાને બદલે એડ. સ્કીપ કરતો રહેશે !
એવું કેમ ?
***
દિકરીના લગ્નમાં ૪૫ લાખનો ખર્ચો કરી નાંખનારા અંકલ શાકભાજીની ખરીદી કરતી વખતે દસ-દસ મિનિટ સુધી રકઝક કરતા દેખાશે !
એવું કેમ ?
***
ડ્રોઇંગરૂમમાં બે લાખનું ઇન્ટિરીયર કરાવનારાં આન્ટી એમના બેડરૂમનો જુનો કબાટ દસ-દસ વરસ લગી બદલતાં નથી !
એવું કેમ ?
***
એસી શો-રૂમમાંથી ૧૫૦૦૦નો ડ્રેસ ખરીદનારાં ગૃહિણી પોતાની કામવાળીને જુનાં કપડાં આપતાં પહેલાં ચાર ચાર વરસ સુધી કબાટમાં સંઘરી રાખતાં હોય છે !
એવું કેમ ?
***
કારણ કે…
આઈફોન-૧૭ બધાને ‘દેખાય’ છે ! પણ ‘એપ’ કોઈ જોવાનું નથી.
સ્પીકર સિસ્ટમ સૌને બતાડી શકાય છે ! પણ સ્પોટિફાય પ્રિમિયમ છે કે નહીં, તે કોણ જોવા આવવાનું છે ?
લગ્નનો ઠાઠમાઠ સેંકડો લોકો જોવાના છે ! પણ શાકભાજી શું ભાવે લાવ્યા એ કોઈ પૂછવાનું નથી !
ડ્રોઇંગરૂમનું ઇન્ટિરીયર મહેમાનોને બતાડવા માટે છે ! જ્યારે બેડરૂમનું કબાટ તો ‘ખાનગી’ રાખવાની ચીજ છે.
અને ૧૫૦૦૦નો ડ્રેસ પહેરીને તમે સોશિયલ મિડીયામાં ફોટા મુકી શકો છો, પણ કામવાળીને જૂનાં કપડાં આપવાના ફોટા કંઈ સોશિયલ મિડીયામાં સારા લાગે ખરા ?
એટલે જ… બહુ જાણીતી કહેવત ખરેખર તો માર્કેટિંગનું અસલી સિક્રેટ છે :
જો ‘દિખતા’ હૈ, વો ‘બિકતા’ હૈ ! સમજ્યા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment