અમેરિકામાં તો ‘ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોડા બાર આના’ જેવો ઘાટ થયો છે ! કેમકે ૪૩ દિવસનું શટડાઉન પુરું તો થયું, પરંતુ જે મુદ્દે વિપક્ષે શટડાઉન કરાવ્યું હતું એ મુદ્દા તો હજી ઉકેલાયા જ નથી !
તો પછી આ શટડાઉનથી મળ્યું શું ? સવાલ અઘરો છે, જવાબો એનાથી પણ ટેઢા છે…
***
આ શટડાઉનથી અમેરિકાના ૪ કરોડ ગરીબો અને ૭ લાખ જેટલા કર્મચારીઓને સમજ પડી કે દેશની પાર્ટીઓને માત્ર એકબીજાને ખરાબ દેખાડવામાં જ રસ છે.
***
જોકે મફતમાં મળતું ફૂડ લેવા માટે જે ગરીબો કારમાં લાઈન લગાડીને બેઠા હતા તેનો ફોટો જોઈને અમને સમજાયું…
ભૂખ લાગે ત્યારે કાર ખાઈ શકાતી નથી ! પણ મફતમાં ખાવાનું મળતું હોય તો તે લેવા માટે અમેરિકાના ‘ગરીબો’ કારમાં જાય છે ! બોલો.
***
શટડાઉન ખોલવા માટે ટ્રમ્પને ૯ સેનેટરોના વોટ જોઈતા હતા. તે છેવટે મળી જ ગયા ! એમાં અમને સમજાયું કે…
વિપક્ષના એ સેનેટરો કાં તો સમજાવટથી સમજી ગયા હશે, અથવા એમણે સમજવા માટે અંદરખાને કંઈક ‘સમજી લીધું’ હશે !
આમાં એ પણ સમજાયું કે અમેરિકન લોકશાહીમાં પાર્ટી બદલ્યા વિના પણ પાર્ટી બદલી શકાય છે !
***
રાજકીય એંગલથી જુઓ તો ડેમોક્રેટીક પાર્ટીને ન્યુયોર્ક સિટી ઉપરાંત બીજી ત્રણ મોટી ચૂંટણીઓમાં જીત મળી !
એ પણ પ્રજાની હાલાકી વડે ! કંઈ સમજાયું ?
***
અને ભારતને શું મળ્યું ? ઘણું બધું ! જેમકે…
આપણી વોટ્સએપ યુનિવર્સિટીના લેકચરરોને અમેરિકા વિરુદ્ધ બખાળા કાઢવાનો મોકો મળ્યો.
આપણા ૮૦ કરોડ ફ્રી – અનાજ મેળવતા લોકોને એ જાણીને છૂપો સંતોષ મળ્યો કે અમેરિકામાં પણ એમના જેવા ચાર કરોડ છે !
આપણા સરકારી કર્મચારીઓની હિંમત ખૂલી ગઈ છે કે ભલે આપણે દિવાળીનું આખું સાત દહાડાનું વેકેશન પાડી દઈએ, પણ અહીંની સરકારની હિંમત નથી કે સાત દહાડાનો પગાર પણ અટકાવી શકે !
અને દેશની મહિલાઓ પણ સમજી ગઈ છે કે ભારતની ચૂંટણીઓ ‘બંધ’ના એલાનથી નહીં, પણ દસ-દસ હજારની લ્હાણી કરવાથી જ જીતાશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment