વરસો પછી દિલ્હીમાં થયેલા આતંકવાદી બોમ્બ ધડાકાથી અમે હલબલી ગયા હતા. અમે રણઝણસિંહને ઘરે પહોંચ્યા ત્યારે એ ધ્યાનમગ્ન મુદ્રામાં પલાંઠી વાળીને બેઠા હતા. અમે કહ્યું :
‘આ ફરી આતંકવાદે માથં ઉંચક્યું…’ જવાબમાં રણઝણસિંહ કડવું સ્મિત કરીને કહે છે :
‘વાહ મન્નુડા ! તું પણ ઊંઘમાંથી જાગ્યો ખરો !’
‘આમ ટોણો ના મારો… શું આ આતંકવાદનો કોઈ અંત જ નથી ?’
‘આતંકવાદનો કદી અંત નો આવે મન્નુડા ! કારણ કે ઇમાં મૂળ પાયામાં વ્યાખ્યા જ ખોટી છે.’
‘હવે આમાં વ્યાખ્યા ક્યાં આવી ?’
‘કેમ નંઈ ? વરસો પહેલાં આ દેશના દોઢ ચાંપલા બુદ્ધિજીવીઓ માળા જપતા હતા કે, ‘આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો !’
‘પણ ઇ તો હવે ઉઘાડું પડી ગયું ને ?’
‘છતાં એમની જપમાળા ચાલુ હતી કે આતંકવાદી આખરે તો ‘માનવી’ છે !’
‘અને આતંકવાદથી જે નિર્દોષો મરી જાય એ માનવી નહીં ?'
‘છતાં માનવતાની વ્યાખ્યા કરનારાં ઓલ્યાં હ્યુમન રાઈટ્સવાળાં તરફેણ કોની કરતા હતા ? મરનારા હ્યુમનની નહીં, પણ મારનારા હ્યુમનની !’’
‘એ લોકો પણ ઉઘાડા પડી ગયા…’
‘છતાં હજી આતંકવાદનો અંત કદી નંઈ આવે, કારણ કે ઇ નામમાં જ ડખો છે !’
‘નામમાં ?’ અમે ગુંચવાણા.
‘હાસ્તો ? આ સામ્યવાદ શું છે ? એક વિચારધારા છે. ઉદારવાદ શું છે ? એક વિચારધારા છે. અરે રાષ્ટ્રવાદને ભલે વગોવતા હો, પણ મૂળ વિચારધારા શું છે ? કે પોતાના રાષ્ટ્રને સર્વોપરી માનો.’
‘એમ તો નેશનાલિઝમ જેવું નકસલિઝમ પણ છે.’
‘ઇ નકસલિઝમમાં ય કંઈક તો વિચારધારા હતી. પણ ટેરર નામનું જે ‘ઇઝમ’ હાલ્યું છે એમાં તો નકરી હત્યા સિવાય બીજું કાઈં છે જ નહીં ! સામાન્ય પ્રજામાં હિસાં વડે ભય ફેલાવવો ઈ તે કાંઇ વિચારધારા કહેવાય ?’
‘વાત તો સાચી.’
‘જ્યાં હત્યારા, રાક્ષસો કે નરાધમ એવાં નામો હોવા જોઈએ ઇના બદલે એમને આપણે આતંક'વાદી' કહીએ છીએ ! અને એમ કરીને એમની જંગલી અને હિંસક મનોવૃત્તિને વિચારધારાનું લેબલ ચિટકાવી એક પ્રકારે સ્વીકૃતિ આપી રહ્યા છીએ.’
‘તો શું નામ બદલવાથી ફેર પડે ?’
‘પડે જ ને ? આ હત્યારાઓને ‘આખરે તો માનવી’ જેવા નકલી માનવતાવાદમાંથી દૂર કર્યા ત્યારથી ફેર નથી પડ્યો ?’
જોકે અમે હજી માથું ખંજવાળી રહ્યા છીએ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment