જાવ રે વરસાદ !?

બાળપણમાં આપણે ગાતા હતા ‘આવ રે વરસાદ…’ પરંતુ આ વરસે તો કારતક મહિનો બેસી ગયો છતા વરસાદ જવાનું નામ નથી લેતો ! તો શું ગાવાનુ ? ‘જાવ રે વરસાદ ?’

એ સિવાય પણ બીજી તકલીફો છે…

*** 

દિવાળીની સફાઈ વખતે છત્રીઓ અને રેઈનકોટો સંભાળીને માળિયામાં ચડાવ્યાં હતાં… હવે પાછાં ઉતરવાનાં કે નહીં ?
અંબાલાલ પણ ચોખ્ખું જણાવતા નથી !

*** 

દેશના વૈજ્ઞાનિકો ! તમે લોકો શું કરી રહ્યા છો ? ભૈશાબ, હવે તો ‘વોટરપ્રુફ સ્વેટરો’ની શોધ કરો !

*** 

અમે તો રાહ જોઈ રહ્યા હતા કે અડદિયાં, ચ્યવનપ્રાશ અને મેથીપાક ક્યારે શરૂ કરીએ…
પણ આ તો વરસાદ જ મેથીપાક મારી રહ્યો છે !

*** 

અને નવા વરસમાં જે લોકો શુભ સંકલ્પ કરીને બેઠા હતા કે ‘કાલથી તો બસ, રોજ સવારે મોર્નિંગ વોક કરવા જવું જ છે…’ એમનું શું ?
સવાર સવારમાં ગલીનાં કૂતરાંને પણ ‘પકડદાવ’ રમવા નથી મળતો !

*** 

દંતકથા એવી છે કે ગોકુળમાં વરસાદને રોકવા માટે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત એક આંગળી ઉપર ઊંચકી લીધો હતો…
આ વરસે તો ‘ગોવર્ધન પૂજા’ પણ પતી ગઈ ! હજીયે નથી માનતા આપણા ઇન્દ્રદેવ ?

*** 

હવે જુની ફિલ્મોનાં નામો પણ બદલવાં પડશે…

આયા સાવન ભૂલ સે…
બરસાત કી એક ઘાત…
બિન સિઝન બરસાત…

… અને હવે ‘સાવન કો જાને દો !’ ભૈશાબ…

***

- મન્નુ શેખચલ્લી

Comments