ગાયનો જુનાં.. ફિલીંગ જેન-ઝિની !

આજે બોલીવૂડનો પ્રોબ્લેમ એ છે કે જેન-ઝિ લોકોની જે ટ્રુ ફિલીંગ્સ છે એના કોઈ ગાયનો જ નથી લખાતાં !

બીજી બાજુ તમે અમુક જુનાં ગાયનો જુઓ તો એના શબ્દો આજની જેન-ઝિ માટે જ લખાયા હોય એમ લાગે છે ! દાખલા તરીકે…

*** 

મુઝે ગલે સે લગા લો
બહોત ઉદાસ હું મૈં…

આ જેન-ઝિવાળા વાતવાતમાં ડિપ્રેશનમાં સરી જાય છે ! વળી એમને એમ જ લાગે છે કે જો કોઈ એમને ‘હગ’ કરશે (અંગ્રેજી ‘હગ’ની વાત છે, વડીલ.) તો ડિપ્રેશન દૂર થઈ જશે !

*** 

તુમ અગર મુજ કો
ન ચાહો તો કોઈ બાત નહીં
તુમ કિસી ઔર કો ચાહોગી
તો મુશ્કીલ હોગી…

બોલો, આમાંને આમાં તો છોકરાઓ છરી-ચપ્પુ લઈને નીકળી પડે છે ! છોકરી એને ‘બ્લોક’ કરે એમાં તો જેન-ઝિ બાબલાઓ જીવ લેવા પર આવી જાય છે ! રાઈટ ?

*** 

તસવીર તેરી દિલ મેં
જિસ દિન સે ઉતારી હૈ
ફિરું તુઝે સંગ લેકે
નયે નયે રંગ લેકે
સપનોં કી મહેફિલ મેં..

અહીં રૂપાળી છોકરીનો ફોટો મોબાઈલમાં જોયો નથી, કે એના ‘ફોલોઅર’ બન્યા નથી ! એમાં જો વળી પેલીએ જરીક રિસ્પોન્સ આપ્યો તો તો… ‘સપનોં કી મહેફિલ’ બોસ !

*** 

કભી ના કભી
કહીં ના કહીં
કોઈ ના કોઈ તો આયેગા…

હરકપદૂડા જેન-ઝિ બાબા-બેબીઓ પોતાની રીલ્સ બનાવીને પછી રાહ જોતાં બેસી રહે છે કે… કોઈ ને કોઈ તો મને ‘ફોલો’ કરશે ને ?

*** 

તુમ્હેં હો ના હો, મુજકો તો
ઇતના યકીં હૈ…
મુઝે પ્યાર તુમ સે
નહીં હૈ… નહીં હૈ…

જેન-ઝિની માનસિકતાનું આ પરફેક્ટ ગાયન છે ! તું બીબીએફ છે (બેસ્ટ બોયફ્રેન્ડ) એસએમ છે (સોલ મેટ) અરે, ડીએડી (ડિયરેસ્ટ અમોન્ગ ડિયર્સ)… પણ લવ ? પ્યાર ? સોરી… આઈ એમ નોટ શ્યોર !

*** 

આપ કે કમરે મેં કોઈ રહતા હૈ
હમ નહીં કહતે
જમાના કહતા હૈ…

હવે તમે જ કહો, આ ‘લીવ-ઈન’ રિલેશનશીપ નથી તો બીજું શું છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments