અગાઉ લોકો ગાંધી ટોપી પહેરીને ગાંધીજીને શીરે ચડાવતા હતા. આજકાલ લોકો ગાંધીજીને ખિસ્સામાં રાખીને ફરે છે… કરન્સી નોટો વડે !
ગાંધીજયંતિના દિવસે દરિયા કિનારે અમુક લોકોએ રેતી વડે શિલ્પો બનાવ્યાં હતાં. એ જોઈને અમે પણ થોડી કલ્પનાઓ કરી છે…
***
ગાંધીજી, જવાહરલાલ અને સરદાર વલ્લભભાઈની ફેમસ તસવીરનું રેતી શિલ્પ બન્યું છે…
ત્યાં તો સમયની લહેર ફરી વળે છે ! સૌથી પહેલાં તો ગાંધીજી જ ધોવાઈ જાય છે ! આના કારણે જવાહરલાલ અને વલ્લભભાઈ એકબીજા સામે ડોળા કાઢતા હોય એવું દેખાય છે!
પાણીની બીજી થપાટ આવ છે… એમાં જવાહરલાલની મૂર્તિ રફેદફે થઈને સાવ ગંદી બની જાય છે !
અને જે છાંટા ઉડ્યા છે એના લીધે સરદાર વલ્લભભાઈ કન્ફ્યુઝ થયેલા દેખાય છે !
***
રેતીમાં ગાંધીજીના વિશાળ ચશ્મા બનાવ્યા છે.. એમાં લખ્યું છે : ‘સ્વચ્છ ભારત’…
ત્યાં તો એક મોજું આવે છે !
મોજું પાછું હટે ત્યારે દેખાય છે કે ચશ્મા ઉપર ખાલી પ્લાસ્ટિકની બાટલીઓ, પેપરકપ, ટીશ્યુ પેપર, સોફ્ટ ડ્રીંક્સના કેન, વેફરની ખાલી કોથળીઓ અને એકાદ બે તૂટેલી દારૂની બાટલી ફેલાઈ ગઈ છે !
***
ગાંધીજી વાંકા વળીને મીઠું ઉપાડતા હોય તેવું શિલ્પ બન્યું છે… નીચે લખ્યું છે : ‘મહાત્મા મંદિર’.
પાણીની લહેર આવે છે…
લહેર પાછી જાય પછી દેખાય છે કે જ્યાં મીઠું હતું ત્યાં દારૂની એક બોતલ ગોઠવાઈ ગઈ છે ! અને જ્યાં ‘મહાત્મા મંદિર’ લખ્યું હતું ત્યાં ભૂંસાઈને જે અક્ષરો બચ્યા છે તેમાં વંચાય છે : ‘મહા… મદિરા !’
***
રેતીમાં ગાંધીજીનો શાંત, સૌમ્ય ચહેરો બન્યો છે… નીચે લખ્યું છે : ‘અહિંસા પરમો ધર્મ…’
પણ પેલી એક લહેર ફરી વળે છે…
પછી જે બચ્યું છે એમાં ગાંધીજીનો ચહેરો તો ભૂંસાઈ ગયો છે અને પેલા શબ્દોમાં ફેરફાર થઈ ગયો છે…
હવે વંચાય છે : ‘હિંસા ધર્મ’ !!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment