દિવાળી પછીનો પહેલો સોમવાર !

દિવાળીની રજાઓ પછી આજે જે સોમવાર આવ્યો છે ને.. એની તો શું વાત કરું ? પેલું ગાયન છે ને ‘દર્દ મેં જો યે લબ મુસ્કુરા જાતે હૈં…’

બસ એવી જ હાલત હોય છે ! જુઓ…

*** 

એક તો ઓફિસમાં જવાનું જરાય મન નથી હોતું છતાં જવું પડે છે… એ તો ઠીક, પણ પેલા ખડૂસ બોસને ‘હેપ્પી ન્યુ યર’ કહેતી વખતે સ્માઈલ પણ આપવું પડે છે !

(તમે જ કહો, દાંત કચકચાવવા અને દાંત દેખાય એવું સ્માઈલ આપવું આ બંને ક્રિયાઓ એક સાથે કરવી કેટલી કઠીન છે !)

*** 

છતાં એક પાતળી સરખી ખુશીની આશા એવી હોય છે કે ઓફિસમાં જે પેલી ‘બ્યુટિ’ છે એની સાથે હાથ મિલાવીને ‘હેપ્પી ન્યુ યર’ કહેવાની કેવી મજા આવશે !

પણ હજી એ પતે એ પહેલાં જ પેલી પૂછી નાંખે છે : ‘આ વખતે વેકેશનમાં તમે અહીં જ હતા ?’

હજી તમે કંઈ જવાબ આપો એ પહેલાં કહેશે ‘ક્યાં ગયેલા, અંબાજી કે આબુ ? અમે તો મનાલી ગયેલા…’

...પત્યું ?

*** 

સૌથી મોટો જુલમ ત્યારે થતો હોય છે જ્યારે તમે તમારી ઓફિસનું કોમ્પ્યુટર ખોલો છે, અને સામટી બબ્બ ડઝન ઈમેલ જોઈને ટેન્શનમાં આવી જાવ છો…

પણ તમારી ખરેખર ત્યારે હટી જાય છે જ્યારે એ બધી ઈમેઈલમાં તમારા કલિગ્સના હેપ્પી ન્યુ યર મેસેજો સાથે એમણે એટેચમેન્ટમાં પોતાના મસ્ત ‘વેકેશનના ફોટા’ મુક્યા હોય છે !

(અને તમે દાંત કચકચાવતું ઇમોજી પણ રિપ્લાયમાં મુકી શકતા નથી.)

*** 

અચ્છા, આ સોમવારે (યાને કે આજે) વાતો કરવાનો મોસ્ટ કોમન ટોપિક શું હશે ?... ટ્રાફિક ! રાઈટ ?

એમાંય તમારે દાંત કચકચાવતું સ્માઈલ પકડી રાખવુ પડે છે કેમક તમે માત્ર ‘ડભાણ ચોકડી’ આગળ ત્રણ કલાકના ટ્રાફિકમાં ફસાયા હતા, પણ અમુક લોકો ચાર ચાર કલાક સુધી ‘એરપોર્ટ’ પર ફસાયા હતા ! કેમકે એમને તો ‘એર ટ્રાફિક’ નડ્યો હતો ! બોલો.

*** 

અને જ્યારે સ્ટાફની અમુક બહેનો આગ્રહ કરી કરીને તમને મીઠાઈઓ ખવડાવતી હોય તો સાલી, તમને સતત શંકા જાય છે કે ‘આ દસ દહાડાથી ફ્રીજમા પડી રહી હશે ? કે બહાર જ…’

***

- મન્નુ શેખચલ્લી

Comments