'દિલ સે' ના જોવાય દિમાગ સે !

‘દિલ સે’.. જ્યારે રીલિઝ થઈ ત્યારે ખાસ જામી નહોતી. તે વખતે જોક ચાલી હતી કે મણિરત્નમ હવે પછીની ફિલ્મ તો કમ સે કમ ‘દિમાગ સે’ બનાવશે !

*** 

તમે દિમાગથી આ ફિલ્મ જોવા બેસો તો સૌથી પહેલો સવાલ તો એ થાય કે બોસ, આ શાહરૂખ કઈ જાતનો ‘રેડિયો રિપોર્ટર’ છે ?

શું નોર્થ ઇસ્ટના પહાડો કેવા છે તે ‘રેડિયોમાં’ બતાડવા ગયો છે ? ત્યાંની હવા કેવી ચાલે છે તે શું ‘રેકોર્ડ’ કરીને સંભળાવવાનો હતો ? આખી ફિલ્મમાં ન તો એ કોઈ જનતાના ઇન્ટરવ્યુ લે છે, ન તો નોર્થ ઇસ્ટના કોઈ લોકગીતો રેકોર્ડ કરે છે (હા, ‘ડાન્સ’નું રેકોર્ડીંગ કરે છે !) કે ન તો અહીંના કોઈ લોકમેળાની ‘લાઈવ કોમેન્ટ્રી’ કરતો દેખાડ્યો છે ! તો એ ભાઈસાહેબ ત્યાં કરે છે શું ?

*** 

એનો જવાબ શરૂઆતમાં જ મળી જાય છે ! કે કેન્દ્ર સરકારનો આ કર્મચારી ત્યાં જઈને ‘સપનાં જોવાનું’ કામ કરવા ગયો હતો !

એમાંય એની પોલ ખુલી જાય છે કે બેટમજી છેક પાંચમા ધોરણથી ભૂગોળના સબ્જેક્ટમાં ફેલ થતો હતો ! કેમકે એ પહેલીવાર મનીષા કોઈરાલાને આસામની ટ્રેનમાં બેઠેલી જોઈને ‘અરજન્ટ’માં પ્રેમમાં પડી જાય છે ત્યારે એ સપનું ક્યાંનું જુએ છે ? છેક દક્ષિણ ભારતની ઉટીની ટ્રેનનું ! (ચલ છૈયાં છૈયાં છૈયાં..)

તમે જુઓ તો ખરા ! સપનું આસામમાં, ટ્રેન ઉટીની અને એમાં નાચે છે ગુજરાતના ફાળિયા ચોયણાવાળા !

એ જ રીતે તે એકવાર મનીષાને ઉઘાડી પીઠ સાથે નહાતી જુએ છે એમાં તો ભાઈ સાહેબ છેક લદ્દાખમાં ગાયન ગાવા પહોંચી જાય છે ! (તૂ હી તૂ… સતરંગી રે..)

*** 

શાહરૂખની સગાઈ જેની સાથે થાય છે તે પ્રીટી ઝિન્ટા પણ કંઈ ઓછી નથી ! બહુ સારો પતિ મળી ગયો એની ખુશીમાં એ દિલ્હીમાં રહેનારી, પંજાબી ફેમિલીની છોકરી કેરળમાં જઈને શા માટે તામિલ શબ્દોવાળું ગાયન ગાતાં ગાતાં હોડીઓમાં નાચવા મંડે છે ? (જિયા જલે જાં જલે નૈનોં તલે…)

*** 

અચ્છા, એ ગાયનમાં જે અગડમ બગડમ શબ્દો આવે છે કે ‘પુંચિરી થનુ કોંચિકો, મુન્થિરી મુત્થમ ચિન્થીકો, મંચની વર્ણમ સુંદરી વાવે…’ એનો અર્થ શું થાય છે ? યાર, નીચે સબ-ટાઈટલ્સ તો મુકવાં હતા ?

કેમકે અમે તો એમ સમજતા હતા કે કોઈ જો ‘સુંદરી વાવે’ તો ‘પંજરી, કાચિંડો’ તથા ‘મુંથરી’ નામના મૂઠીયાં અને ‘મંચની’ નામનું ‘ચૂર્ણ’ ઊગે છે ! જે સ્વાદમાં તો ખૂબ જ ખરાબ હશે !

કેમકે ગાયનમાં બધી છોકરીઓ સામૂહિક કોગળા કરતી હોય તેમ કોરસમાં ગાય છે : ‘થંક કોલુ-સલ્લે, કુરુગ કુઈ-સલ્લે, મારન મઈ-લલ્લે !’

*** 

અમને લાગે છે કે ફિલ્મનાં ગીતો લખ્યા પછી ગુલઝાર સાહેબે જ્યારે સાંભળ્યાં હશે ત્યારે એ બહુ જ બગડ્યા હશે ! કેમકે પેલા ‘જિયા જલે, જાં જલે…’ ગાયનમાં અચાનક કોઈ બીજા જ તામિલ ગીતકારે લખેલા શબ્દો ફૂટી નીકળે છે ! એટલું જ નહીં, ‘સતરંગી રે…’ ગાયનમાં તો મિરઝા ગાલિબની શાયરીઓ એ રીતે સીસકારાઓ સાથે ગવાય છે કે જાણે ભૂલથી શેરથાનાં મરચાં ચવાઈ જવાથી જીભમાં લ્હાય બળતી હોય !

ગુલઝારને થતું હશે કે, ભૈશાબ, આખી વાતમાં મિરઝા ગાલિબને શા માટે ધસડી લાવ્યા છો ?

*** 

એક તો આખી ફિલ્મમાં મનીષા કોઈરાલા સમ ખાવા પુરતું એક સેકન્ડ માટે પણ સ્માઈલ આપતી નથી. ઉપરથી શી ખબર કયા કારણસર (ખુલાસીને ઝાડો ના થયો હોય એટલા માટે) દિવેલ પીધું હોય એવું ડાચું લઈને જ ફરતી દેખાય છે !

ચાલો, માની લઈએ કે એ બિચારી આતંકવાદીઓના ગ્રુપમાં ફસાઈ ગઈ હશે, શાહરુખને એવોઈડ કરવા માટે દિવેલિયું ડાચું બતાડતી હશે, પણ યાર, શાહરુખ જ્યારે મનીષાનાં ‘સપનાં’ જુએ છે (ગાયનોમાં) ત્યારે પણ આ છોકરી શા માટે દિવેલ પીધેલી લાગે છે ? 
જનતા જવાબ માગે છે. કમ સે કમ શાહરૂખને પ્રોપરલી સપનાં તો જોવા દે, મારી બહેન ?

*** 

જોકે આ જમાનામાં દેશમાં આટલા બધા બોમ્બ ધડાકા શા માટે થતા હતા, અને સેંકડો વાર ‘ઇન્ટેલિજન્સ ફેઇલ્યર’ની ઘટનાઓ કેમ બનતી હતી, તેનું એક કારણ આ ફિલ્મમાં બહુ ક્લિયર રીતે બતાડ્યું છે ! (કમ સે કમ આ મામલે મણિરત્નમે ‘દિમાગ સે’ કામ લીધું છે)

કેમકે જ્યારે શાહરૂખને પાકી ખાતરી થઈ જાય છે કે મનીષા કોઈરાલા આતંકવાદી ગ્રુપની સભ્ય છે, અને ૨૬ જાન્યુઆરીની પરેડમાં કોઈ મોટો બોમ્બ-બ્લાસ્ટ થવાનો છે, ત્યારે તે સીબીઆઈ પાસે જાય છે, અને સીબીઆઈ શું કરે છે ? શાહરૂખને જ ખખડાવી નાંખે છે ! બોલો.

એટલું જ નહીં, શાહરુખને ‘સંદિગ્ધ’ વ્યક્તિ માનીને એની પાછળ પીછો કરવા માટે માણસો છોડે છે ! આ તો સારુ થયું કે સીબીઆઈએ તે વખતે ફિલ્મ સામે વાંધો લઈને કેસ નહોતો કર્યો. (પણ હા, ‘બોમ્બે’ વખતે શિવસેનાના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેને મણિરત્નમે આખી ફિલ્મ રીલીઝ પહેલાં ‘પાસ’ કરાવવી પડી હતી.)

*** 

બીજો એક પ્રેક્ટિકલ સવાલ એ પણ થાય છે કે શાહરૂખ પેલી મનીષા પાછળ પાગલ થઈને આખા આસામમાં રખડતો ફરે છે, અને પછી તો છેક લેહ, લદ્દાખ સુધી આંટો મારી આવે છે (એ પણ બોસને પૂછ્યા વિના) તો યાર, એનાં ટીએ ડીએનાં ‘બિલો’ પાસ થયાં હશે કે નહીં ?

અને હા, એ ભાઈ એકાદ સીનને બાદ કરતાં ક્યારેય પોતાની સાથે ટેપ રેકોર્ડર લઈને ફરતો દેખાયા નથી ! તો પછી મણિરત્નમજી એનો એકાદ પ્રોગ્રામ ‘આકાશવાણી’ ઉપરથી ‘ઓન-એર’ જતો હોય એવું તો શી રીતે બતાડી શકે ? એટલે જ બિચારાને મહિનાઓ સુધી પગાર પણ માંગતો બતાડ્યો નથી !

*** 

ફિલ્મ જ્યારે ૧૯૯૮માં આવી હતી ત્યારે પણ નહોતું સમજાયું અને આજે પણ નથી સમજાતું કે જે છોકરી શાહરૂખને ભાવ જ નથી આપતી... પરણેલી છે એવું જુઠું બોલે છે, પોતાના ભાઈઓ દ્વારા માર ખવડાવે , નકસલવાદીઓ દ્વારા ધોલાઈ કરાવે છે…

એટલું જ નહીં, એ જ છોકરી પોતાની આતંકવાદી સાથીને જાસૂસી માટે ‘આકાશવાણી’માં નોકરી અપાવવા માટે શાહરૂખનો જ ઉપયોગ કરે છે ! અરે, શાહરૂખની જ મંગેતરની બહેનપણી તરીકે ઘૂસ મારીને છૂપાવા માટે દિલ્હીમાં મકાન પણ મેળવે છે…

અને એ જ છોકરી દિલ્હીમાં કોઈ મોટું ષડયંત્ર પાર પાડવા આવી છે… એ બધું જ જાણવા છતાં શાહરૂખ તેને કયા ‘મજનુ-લોજિક’ વડે છેક સુધી પ્રેમ કરતો રહે છે ? જનતા જાણવા માગે છે.

*** 

અને છેલ્લે, જનતા એ પણ જાણવા માગે છે કે ૨૬ જાન્યુઆરીની પરેડ, જે રાષ્ટ્રપતિ ભવન સામેથી શરૂ થાય અને લાલ કિલ્લા પાસે પૂરી થવાની છે, તેમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો હોય તો બહેન મનીષા એવા અણીના ટાઈમે દિલ્હીના છેક છેડા પર આવેલા ‘પુરાના કિલ્લા’માં શું કરવા ગઈ હતી ? પેશાબ કરવા ?

અને ભાઈ શાહરૂખને તેણે એસએમએસ કરીને ત્યાં પુરાના કિલ્લાના ખંડેરોમાં મળવા બોલાવ્યો હતો ?

‘દિલ સે-ટુ’ નહીં તો ‘દિમાગ સે-વન’ બનાવો તો એમાં આ સવાલો માટે ઇન્કવાયરી કમિશન ના બેસાડવું જોઈએ ? શું કહો છો…

***

જાણી અજાણી વાતો...

* ‘ચલ છૈંયા છૈંયા’ ગાયન માટે શિલ્પા શિરોડકરનું ‘વજન’ વધારે લાગવાથી તેને રિજેક્ટ કરવામાં આવી હતી !

* ઓરિજીનલ તામિલમાં લખાયેલા સંવાદોને હિન્દીમાં આજના ખ્યાતનામ દિગ્દર્શક તિગમાંશુ ધૂલિયાએ લખ્યા હતા.

* શેખર કપૂર અને રામગોપાલ વર્મા ફિલ્મના કો-પ્રોડ્યુસર હતા. પરંતુ ‘ઇન્ડિયા ટોકિઝ’ નામની કંપનીની આ પહેલી અને છેલ્લી ફિલ્મ બનીને રહી ગઈ હતી.

* ફિલ્મને બર્લિન ફેસ્ટિવલમાં ‘બેસ્ટ નેટવર્ક ફોર પ્રમોશન ઓફ એશિયન સિનેમા’ જેવી ભલતી જ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો !

* પ્રીટી ઝિન્ટાની આ પહેલી ફિલ્મ હતી. જે મણિરત્નમ સાથે પહેલી અને છેલ્લી નીવડી.

* આજે ખૂબ જાણીતા થયેલા કલાકારો જેવા કે સંજય મિશ્રા, ગજરાજ રાવ, પિયૂષ મિશ્રા, દિવ્યા દત્તા (ભાગ મિલ્ખા ભાગ), તિગમાંશુ ધૂલિયા (ગેંગ્સ ઑફ વસેપુર) અને આદિત્ય શ્રીવાસ્તવ (સત્યા, બ્લેક ફ્રાઈડે) અહીં નાના મોટા રોલમાં જોવા મળે છે.

* અને મનીષા કોઈરાલા પહેલાં આ રોલ કાજોલને ઓફર થયો હતો. પણ તેણે ના પાડી તેથી ‘બચી’ ગઈ !

***

-મન્નુ શેખચલ્લી 

Comments

Post a Comment